તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
શ્રીરામ પાર્કમાં ૨૧ વર્ષના અમનને ડેંગ્યુ ભરખી ગયો
રાજકોટમાં વકરી રહેલા રોગચાળાને ડામવા મનપા તંત્ર ઉંધેમાથેઃ દર્દીઓમાં સતત વધારો : આજીડેમ ચોકડી પાસે રહેતાં ન્યુઝ ચેનલના કેમેરામેન લલીતભાઇ વ્યાસે યુવાન અને આશાસ્પદ દિકરો ગુમાવતાં પરિવારમાં અરેરાટીઃ ચાર દિવસની સારવાર કારગત ન નિવડીઃ વતન બોટાદ ખાતે અંતિમવિધી

રાજકોટ તા. ૧૨: શહેરમાં રોગચાળો વકરી ગયો છે. એ દરમિયાન ડેંગ્યુથી એકવીસ વર્ષના યુવાનનો ભોગ લેવાયો છે. ઠંડી અને ગરમીના મિશ્ર વાતાવતરણને કારણે મચ્છરજન્ય અને શરદી તેમજ ઉધરસ અને સામાન્ય તાવના કેસોમાં ઉછાળો આવ્યો છે જે ચિંતાજનક છે. દિવાળીના તહેવારો પછી રોગચાળાએ વધુ માથુ ઉંચક્યું છે. દરમિયાન આજીડેમ ચોકડી નજીક શ્રીરામ પાર્કમાં રહેતાં વ્યાસ પરિવારના જુવાનજોધ દિકરાને ડેંગ્યુ ભરખી જતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ આજીડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્ક-૩માં રહેતાં અમન લલીતભાઇ વ્યાસ (ઉ.વ.૨૧)ને ચારેક દિવસ પહેલા તબિયત બગડતાં અને તાવ ચડતાં સ્થાનીક તબિબ પાસેથી દવા લીધા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. રિપોર્ટ થતાં તેને ડેંગ્યુ હોવાનું જાહેર થયું હતું. તબિબોએ તેની સઘન સારવાર શરૂ કરી હતી. ત્રણ દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ ગત રાતે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે તેનુ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર અમન બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને પ્રાઇવેટ નોકરી કરતો હતો. તેના પિતા લલીતભાઇ રતિલાલભાઇ વ્યાસ મંતવ્ય ન્યુઝ ચેનલમાં કેમેરામેન તરીકે ફરજ બજાવે છે. અમનના નિષ્પ્રાણ દેહને અંતિમવિધી માટે મુળ વતન બોટાદ ખાતે લઇ જવાયો હતો. યુવાન દિકરાના મૃત્યુથી વ્યાસ પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
ઉલ્લેખનિય છે કે શહેરમાં મચ્છરજન્ય ડેન્ગ્યુના કેસમાં વધારો થતો જોવા મળે છે. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્ટીના ૧૮૮૩થી વધુ દર્દી ગઇકાલે મનપા તંત્રનાં ચોપડે નોંધાયા હતાં. શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગ સાથો સાથ પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ર૧ થી ર૭ ઓકટોબર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગો જોઇએ તો છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૨૦, મેલેરીયાના ૩૪ કેસ નોંધાયા છે. સીઝનનાં મેલેરીયાના ૩૦, ડેન્ગ્યુના ૩૧ર તથા ચિકનગુનિયાના ૩૦ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્થળોએ આ રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.
ગઇકાલે જાહેર કરાયેલા આંકડા મુજબ શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૭રપ તેમજ સામાન્ય તાવના ૬૧૬ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧પપ તથા ટાઇફોડના પાંચ સહિત કુલ ૧૮૮૩થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૪ર૧૮૧ તેમજ સામાન્ય તાવના ૧૭૦૦૬ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૧૧ર૬ તથા ટાઇફોડનાં ૭૬ તથા કમળાના ૭, મરડાનાં ૧ તથા કોલેરાના ૬ કેસ નોંધાયા છે. ં
રોગચાળા સામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો થઇ રહ્યા છે. ૯૩,૯૬૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. જ્યારે ૯૩૩૩૮ ઘરોમાં ફોગીંગ કામગીરી થઇ હતી. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪પર થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૬૩૪ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ૭૧,૯પ૦ હજારનો વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો. જો કે આ તમામ કામગીરી વચ્ચે વધુ એક પરિવારનો આશાસ્પદ યુવાન દિકરો ડેંગ્યુમાં હોમાઇ ગયો છે.
(10:45 AM IST)










