<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

હૃદય બંધ પડી જતાં બે મહિલા સહિત ૪ના મૃત્‍યુ

બાબરીયા કોલોનીના ભાવનાબેન ગોસ્‍વામી મહિલા માંડા ડુંગર પાસે દિકરીના ઘરે ઢળી પડયાઃ અમરેલીના દિપાલીબેન ભખવાડીયા ઘરે બેભાન થતાં, દિવાનપરાના તુષારભાઇ ગોરસીયા પણ ઘરે બેભાન થયા બાદ અને ગાંધીગ્રામના ઉમેશભાઇ રાવત શાપર ફેક્‍ટરીએ બેભાન થઇ બાદ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારજનોમાં શોક-ગમગીની

રાજકોટ તા. ૧૨: હૃદયરોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાઓ યથાવત રહી છે. જેમાં આધેડ, પ્રોૈઢ અને વૃધ્‍ધોની સાથે સાથે યુવાનોના પણ મૃત્‍યુ થઇ રહ્યા છે. ચાર બનાવમાં બે મહિલા અને બે પુરૂષના થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્રણેયએ દમ તોડી દીધો હતો. ત્રણેયને હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. જેમાં રાજકોટના મહિલા દિકરી-જમાઇના ઘરે હતાં ત્‍યારે હાર્ટએટેક આવી ગયો હતો. અમરેલીના મહિલાને બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયા હતાં. પણ અહિ દમ તોડી દીધો હતો. ત્રીજા બનાવમાં દિવાનપરાના વેપારી ઘરે બેભાન થઇ જતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ નિષ્‍પ્રાણ જાહેર કરાયા હતાં. ચોથા બનાવમાં ગાંધીગ્રામના આધેડ શાપર ખાતે ફેકટરીએ બેભાન થઇ જતાં રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ બાબરીયા કોલોનીમાં રહેતાં ભાવનાબેન રતુભારથી ગોસ્‍વામી (ઉ.વ.૫૦) નામના મહિલા રાતે બે વાગ્‍યે માંડાડુંગર નજીક આવેલા ગોકુલ પાર્ક-૩માં પોતાના જમાઇ અલ્‍પેશપરી મેરૂપરી ગોસ્‍વામીના ઘરે હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ભાવનાબેના પતિ રતુભારથી ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેઓ રવિવારથી દિકરી-જમાઇના ઘરે રોકાવા ગયા હતાં. રાત્રે હાર્ટએટેક આવી જતાં તે જીવલેણ નીવડયો હતો.

બીજા બનાવમાં અમરેલી હનુમાનપરા જુની ગોૈશાળા નજીક રહેતાં દિપાલીબેન ગીરીશભાઇ ભખવાડીયા (ઉ.વ.૪૦) ઘરે બેભાન થઇ જતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. તેમના પતિ હયાત નથી. તેઓ ઘર સાથે કરીયાણાની નાની દુકાન ચલાવી ગુજરાન ચલાવતાં હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જયદિપસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ સહિતે બંને બનાવમાં આજીડેમ પોલીસ અને અમરેલી સીટી પોલીસને જાણ કરી હતી.

જ્‍યારે ત્રીજા બનાવમાં દિવાનપરા શેરી ભુપેન્‍દ્ર રોડ બી-૧૦૧માં રહેતાં તુષારભાઇ અશ્વીનભાઇ ગોરસીયા (ઉ.વ.૪૬) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેઓ પરિવારનો એકનો એક આધારસ્‍તંભ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ વેપાર કરી ગુજરાન ચલાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સ્‍વજને કહ્યું હતું. આ બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

ચોથા બનાવમાં  ગાંધીગ્રામ અંજલી પાર્કમાં ગોૈશાળા નજીક રહેતાં ઉમેશભાઇ વિરજીભાઇ રાવત (ઉ.વ.૪૮) શાપર રાજૂ એન્‍જિનીયરીંગ ખાતે નાઇટ ડયુટીમાં હોઇ સવારે  બાથરૂમ પાસે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તેમને નિષ્‍પ્રાણ જાહેર કરાતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ બે ભાઇ અને ત્રણ બહેનમાં ચોથા હતાં અને વીએનસી ઓપરેટર તરીકે ફેક્‍ટરીમાં કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. બનાવથી ચારેય મૃતકોના સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(3:03 PM IST)