<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

નિતી, પ્રમાણિકતા, સત્‍ય સાથે જીવન ઘડનાર સમાજશ્રેષ્‍ઠી હીરાલાલભાઇ માણેક

હીરાલાલભાઇ માણેક જીવન પણ તેમના નામ જેવુંજ ચમકદાર રહ્યું છે. :હીરાલાલભાઇએ ૧૯ વર્ષની ઉંમરે પિતાનો ટ્રાન્‍સપોર્ટનો વ્‍યવસાય સંભાળ્‍યો હતો. જોકે એ પછી શહેરની અનેક સંસ્‍થાઓમાં ટ્રસ્‍ટી, સેક્રેટરી, ઉપપ્રમુખ, પ્રમુખના હોદ્દાઓ પર રહી સતત પ્રવળતિમય જીવન જીવી રહ્યા છે. :૧૯૯૦-૯૧ ની સાલમાં ગુજરાત રાજ્‍યના તત્‍કાલિન મુખ્‍યમંત્રી ચિમનભાઇ પટેલે હીરાલાલભાઇની બીન રાજકિય વ્‍યક્‍તિ તરીકે જીઆઇડીસી ડિરેક્‍ટર, સીઇડી ડિરેક્‍ટર, લેબર વેલફેર બોર્ડ ડિરેક્‍ટર અને નર્મદા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી તરીકે નિમણુંક કરી હતી. :હીરાલાલભાઇ રાજકોટ લોહાણા બોડિર્ગ હાઉસમાં છેલ્લા ૭ વર્ષથી પ્રમુખ તરીકે કાર્યરત છે. :૧૯૬૨-૬૩ માં તલત મહેમુદ, ગીત્તા દત્ત અને મહેન્‍દ્ર કપૂર રાજકોટ આવેલા ત્‍યારે હીરાલાલભાઇનો તેમની સાથે સંપર્ક બન્‍યો હતો. :રાજકોટની ભાગોળે બનેલા મેટોડાનું ડેવલપમેન્‍ટ હીરાભાઇએ જીઆઇડીસીના ડાયરેક્‍ટર પદ પર રહીને કર્યું.

અકિલના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે હીરાલાલ માણેક તસ્‍વીરમાં નજરે પડે છે

રાજકોટ, તા.૧રઃ કહેવાય છે કે જીવનમાં સતત વ્‍યક્‍તિગત વિકાસ અને સ્‍વ-સુધારણા શોધવા એવી પ્રવળત્તિઓમાં વ્‍યસ્‍ત રહો જે તમને પડકાર આપે, તમારા જ્ઞાનને વિસ્‍તળત કરે અને તમારી કુશળતા વિકસાવે. આમાં શિક્ષણને અનુસરવું, શોખમાં વ્‍યસ્‍ત રહેવું, લક્ષ્યો નક્કી કરવા અને હાંસલ કરવા અથવા નવા અનુભવોની શોધનો સમાવેશ થઈ શકે છે. જીવન જીવવાનો સાચો માર્ગ એ ઊંડી વ્‍યક્‍તિગત મુસાફરી છે. આત્‍મનિરીક્ષણ, સ્‍વ-જાગળતિ અને સતત શીખવાના આધારે આપણા માર્ગનું અન્‍વેષણ કરવું અને તેને વ્‍યાખ્‍યાયિત કરવું મહત્‍વપૂર્ણ છે. સૌથી મહત્‍વની બાબત એ છે કે જીવવાનો માર્ગ શોધવો. બહુ ઓછા લોકો હોય છે જે સતત પ્રવળત રહી જીવનનો યોગ્‍ય માર્ગ શોધી શકે. તેમાંય નિતી, પ્રમાણિકતા, સત્‍ય સાથે જીવનનો પથ ઘડવો ખુબ મુશ્‍કેલ છે ત્‍યારે રાજકોટના આવાજ એક રઘુવંશી શ્રેષ્ઠી, સમાજ શ્રેષ્ઠી અને અનેક સંસ્‍થાઓ સાથે જોડાઇ બહુમુલ્‍ય યોગદાન આપનાર એક ઉમદા, નિખાલસ, સ્‍પષ્ટ વક્‍તા, કર્મઠ અને શ્રેષ્ઠ વ્‍યક્‍તિ છે હીરાલાલભાઇ ચુનીલાલભાઇ માણેક. ‘અકિલા' ખાતે હીરાલાલભાઇએ તેમના જીવનના સંસ્‍મરણો વાગોળ્‍યા હતા.

હીરાલાલભાઇનો જન્‍મ ૩ નવેમ્‍બર ૧૯૩૯ ના રોજ થયો હતો. હાલમાંજ તેઓનો જન્‍મદિવસ ગયો અને ૮૫ વર્ષ પૂર્ણ કરી ૮૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો. તેમણે કરણસિંહજી મીડલ સ્‍કૂલ પ્રાથમિક શાળામાં ત્‍યારબાદ એ વખતે શહેરની મોટી ટાંકી વિસ્‍તારમાં બેસતી વિરાણી હાઇસ્‍કૂલમાં ૧૯૫૩ થી ૧૯૫૭ સુધી ૮ થી ૧૧ ધોરણ સુધી ભણ્‍યા અને ૧૯૫૭ માં પુનાનું એસએસસી બોર્ડ ફર્સ્‍ટ ક્‍લાસ સાથે પાસ કર્યું. એ વખતે ગણીતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ જ્‍યારે અંગ્રેજીમાં ૭૫ માર્ક્‍સ મેળવેલા. એ પછી ધર્મેન્‍દ્ર કોલેજમાં જોડાયા અને ઇન્‍ટર સાયન્‍સ સુધી અભ્‍યાસ કરી વચ્‍ચેથી છોડ્‍યું. સંજોગોવસાત હીરાલાલભાઇને તેમના પિતા ચુનીલાલભાઇ માણેકનો વ્‍યવસાય સંભાળવાનું થયું. ચુનીલાલભાઇને ટ્રાન્‍સપોર્ટનો વ્‍યવસાય હતો અને લોકો તેમને ચુનીકાકા તરીકેજ ઓળખતા. હરીલાલભાઇએ ૧૯ વર્ષની ઉંમરે પિતાનો ટ્રાન્‍સપોર્ટનો વ્‍યવસાય સંભાળ્‍યો અને ૧૯૫૯ થી લઇ ૧૯૮૬ સુધી તેમાં રહ્યા. જોકે એ પછી શહેરની અનેક સંસ્‍થાઓમાં ટ્રસ્‍ટી, સેક્રેટરી, ઉપપ્રમુખ, પ્રમુખ ના હોદ્દાઓ પર રહી સતત પ્રવળતિમય જીવન જીવી રહ્યા છે.

 

ધીમે ધીમે કાર્યનિષ્ઠા અને સામાજીક પ્રતિષ્ઠાને લીધે અનેક સંસ્‍થાઓમાં જોડાયા. હીરાલાલભાઇ કહે છે, ૧૯૬૯ માં રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ સાથે જોડાયા. એ વખતે ઉમાકાંતભાઇ પંડિત, જમુભાઇ મોદી, પ્રાણભાઇ જોશી, રતિભાઇ ચિતલિયા બોર્ડમાં હતા. એ બાદ ૧૯૭૮-૭૯ માં મોરબી જળ હોનારત વખતે ચેમ્‍બરના સેક્રેટરી તરીકે કાર્યભાર સંભાળ્‍યો. આગળ જતાં ૧૯૮૯ માં રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ ના પ્રમુખ તરીકે નિમાયા અને ૧૯૯૩ સુધી એ જવાબદારી નિભાવી. હીરાલાલભાઇ જ્‍યારે ચેમ્‍બરના પ્રમુખ હતા ત્‍યારે ૧૯૯૦-૯૧ ની સાલમાં ગુજરાત રાજ્‍યના તત્‍કાલિન મુખ્‍યમંત્રી ચિમનભાઇ પટેલે હીરાલાલભાઇની બીન રાજકિય વ્‍યક્‍તિ તરીકે જીઆઇડીસી ડિરેક્‍ટર, સીઇડી ડિરેક્‍ટર, લેબર વેલફેર બોર્ડ ડિરેક્‍ટર અને નર્મદા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી તરીકે નિમણુંક કરી હતી.

હીરાલાલભાઇ માણેક જીવન પણ તેમના નામ જેવુંજ ચમકદાર રહ્યું છે. તેઓ સતત પ્રવળતિમય રહ્યા છે. ૧૯૮૧ માં કચ્‍છ સૌરાષ્‍ટ્ર પ્રોડક્‍ટીવિટી કાઉન્‍સીલમાં ટ્રસ્‍ટી તરીકે જોડાયા અને હજી પણ કાર્યરત છે. તેઓ આ કાઉન્‍સીલમાં સેક્રેટરી અને ઉપપ્રમુખના પદ પર પણ રહ્યા છે. એ પછી ૧૯૮૨ માં કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં જોડાયા જ્‍યાં શરૂમાં સભ્‍ય પછી કારોબારીમાં અને પાંચ વર્ષ સુધી સેક્રેટરીની જવાબદારી પણ અદા કરી. અહિં ટ્રસ્‍ટી તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે. એ પછી હીરાલાલભાઇ ૧૯૮૪ માં રાજકોટ મેનેજમેન્‍ટ એસોશીએશનમાં સ્‍થાપક સભ્‍ય તરીકે જોડાયા અને તેમાં ૧૦ વર્ષ વાઇસ પ્રેસીડેન્‍ટ રહ્યા. હીરાલાલભાઇ રાજકોટ લોહાણા ર્બોડિંગ હાઉસમાં ૧૯૮૨ માં ટ્રસ્‍ટી તરીકે જોડાયા અને સેક્રેટરી તરીકે ૧૦ વર્ષ ફરજ બજાવી અને હાલમાં છેલ્લા ૭ વર્ષથી પ્રમુખ તરીકે કાર્યરત છે.

સતત પ્રવળતિથી થાક નથી લાગતો? હળવા સ્‍મિત સાથે હીરાલાલભાઇ કહે છે, રામચંદ્ર ભગવાનની કળપા, સંતોના આશીર્વાદ. જીવનમાં મેં નક્કી કર્યું છે કે, નીતિ, પ્રમાણિકતા અને કાયમ સત્‍યને વળગી રહેવાથી કદી કામ અટકતું નથી. મને આમાંથી કાર્ય કરવાની શક્‍તિ મળે છે. હીરાલાલભાઇ કહે છે, હું ૪ વર્ષ જીઆઇડીસીમાં રહ્યો. ત્‍યારે રાજકોટની ભાગોળે મેટોડા થયું તેની સ્‍થાપના મનોહરસિંહજીના વખતમાં થઇ હતી. એ પછી મેટોડાનું ડેવલપમેન્‍ટ મારા જીઆઇડીસીના ડાયરેક્‍ટર પદ પર રહીને કર્યું. મેટોડાની જમીન માટે રાજકોટના સવાણી બીલ્‍ડીંગમાં ઓપન હાઉસ થયું હતું અને માત્ર ત્રણ દિવસમાં વેપાર ઉદ્યોગને ત્રણ લાખ ચોરસ મીટર જમીન એલોટ કરાઇ હતી. એ વખતે ગુજરાતના જીઆઇડીસીના પાણી સહિતના પ્રોબ્‍લેમનો મેં ચર્ચા કરી ઉકેલ કરાવ્‍યો હતો.

હીરાલાલભાઇ માણેકના પત્‍નિ ઘણા વખત પહેલા વિદાય લઇ ચૂકયા છે. ૮૬ વર્ષે પણ તેઓ યુવાનોને શરમાવે તેવી સ્‍ફુર્તિ ધરાવે છે. સવારે ઉઠી સમાચાર પત્રો, મેગેઝીનનું વાંચન ત્‍યારબાદ બેન્‍કના અને સંસ્‍થાગત કામ કરે. જ્‍યારે મીટીંગ હોય ત્‍યારે હાજરી આપે. હીરાલાલભાઇએ કાર રાખી નથી. જોકે કોલેજમાં ફોર્ડ કાર લઇ ભણવા જતા.! તેઓ કહે છે જીવનમાં ઇશ્વરની કળપાથી જેટલુ થાય એટલું કરું છુ એનો મને સંતોષ છે. ગાયોને ઘાસચારો, જરૂરિયાતોને મદદ પણ તેઓ કરે છે.

૧૯૬૭ માં અમુભાઇ દોશી એ જે સંગીત નળત્‍ય નાટય મહાવિદ્યાલયની સ્‍થાપના કરેલી તેમાં ટ્રસ્‍ટી તરીકે જોડાયા. એ વખતે મોટી ટાંકી ચોક પાસે એના વર્ગો ચાલતા. હીરાલાલભાઇ પણ ત્‍યાં હાર્મોનિયમ શિખ્‍યા છે અને વિશારદ કર્યું છે. હાલમાં પણ ટ્રસ્‍ટી તરીકે કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૬૨-૬૩ માં તલત મહેમુદ, ગીત્તા દત્ત અને મહેન્‍દ્ર કપૂર રાજકોટ આવેલા ત્‍યારે હીરાલાલભાઇનો તેમની સાથે સંપર્ક બન્‍યો હતો. જેના સંભારણા રૂપેના ફોટો પણ તેમની પાસે છે.

ફેડરેશન ઓફ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીની સ્‍થાપના ૧૯૯૦ માં હીરાભાઇ દ્વારા કરાઇ હતી. તેઓ કહે છે, આજે પણ મારા મોબાઇલમાં આઇએએસ, આઇપીએસ જેવા ૫૦ થી ૬૦ લોકોની જન્‍મતારીખ સેવ છે. જન્‍મદિવસે તેમને અચૂક યાદ કરી અભિનંદન આપે છે. હીરાલાલભાઇ સદા સરળ અને જમીન સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ રઘુવંશીનું ગૌરવ છે. તેમનો સંપર્ક ૯૪૨૬૪ ૬૦૩૩૩ પર કરી શકાય છે.

સંતોના આશીર્વાદથી ડિપ્રેશન દુર થયું..

હીરાલાલભાઇ ચુનીલાલભાઇ માણેક રાજકોટ શહેરના સમાજ શ્રેષ્ઠી તો છે જ સાથે સાથે તેમણે અનેક કાર્યો થકી ઉદ્યોગો, સમાજની પ્રગતિને ગતિ આપી છે. એક સમય એવો પણ હતો કે હીરાલાલભાઇ ૧૯૯૩ ના અરસામાં ડિપ્રેશનમાં આવી ગયેલા. તેઓ કહે છે, ૧૯૮૯ ની સાલમાં જ્‍યારે પ્રમુખ સ્‍વામી વિદેશથી આવેલા ત્‍યારે તેમની સાથે પરિચય થયો હતો. તેમણે મને તેમની બાજુમાં બેસાડ્‍યો અને અનેક ઉપદેશો આપ્‍યા તથા સત્‍સંગ પણ થયેલો.

હીરાલાલભાઇ કહે છે, હું ડિપ્રેશનમાં આવેલો ત્‍યારે પ્રમુખસ્‍વામી મહારાજ અને સંતોના આશીર્વાદથી બે વર્ષમાં સરખુ થઇ ગયેલું. મહંત સ્‍વામી પણ જ્‍યારે રાજકોટ આવેલા ત્‍યારે તેમના આશીર્વાદ પણ મેળવ્‍યા હતા. આ ઉપરાંત ૧૯૫૪ માં પુનીત મહારાજ આવ્‍યા તેઓ મારા પિતાશ્રીને ખાસ ઓળખતા. એ વખતે પુનીત મહારાજને મારી ગાડીમાં ગોંડલ મહારાજાને મળવા માટે લઇ ગયો હતો. તેમના પણ એટલા આશીર્વાદ મળ્‍યા છે

હીરાલાલભાઇએ અનેક સંસ્‍થાઓમાં બજાવેલ ફરજની યાદી...

પ્રમુખ - શ્રી રાજકોટ લોહાણા ર્બોડિંગ હાઉસ

સભ્‍ય - રાજકોટ મેનેજમેન્‍ટ એઓસીએશન

ઉપપ્રમુખ - કચ્‍છ સૌરાષ્‍ટ્ર પ્રોડક્‍ટીવીટી કાઉન્‍સીલ

પૂર્વ પ્રમુખ - રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી, ફેડરેશન ઓફ કચ્‍છ સૌરાષ્‍ટ્ર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી, રાજકોટ ગુડ્‍સ ટ્રાન્‍સપોર્ટ એઓસીએશન, લાયન્‍સ કલ્‍બ રાજકોટ (મેઇન), સંગીત નાટય ભારતી

પૂર્વ ડિરેક્‍ટર - ડેવલપમેન્‍ટ કોર્પોરેશન, સેન્‍ટર ફોર એન્‍ટરપ્રેન્‍યોરશીપ ડેવલપમેન્‍ટ, લેબર વેલફેર બોર્ડ, નર્મદા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ

ટ્રસ્‍ટી - કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ

પૂર્વ સેક્રેટરી - રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી, ફેડરેશન ઓફ કચ્‍છ સૌરાષ્‍ટ્ર ટ્રાન્‍સપોર્ટ એઓસીએશન, લાયન્‍સ કલ્‍બ રાજકોટ (મેઇન), કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ પૂર્વ સભ્‍ય સલાહકાર સમિતિ - ટેલીફોન એડવાઝરી કમીટી, સેલ્‍સ ટેક્‍સ એડવાઝરી કમીટી ગુજરાજ સ્‍ટેટ, સ્‍ટેટ કેશ સબસીડી એડવાઇઝરી કમીટી, ઇ.એસ.આઇ.સી. લોકલ એડવાઝરી કમીટી, ડિસ્‍ટ્રીક્‍ટ સીવીલ સપ્‍લાય એડવાઝરી કમીટી, એ.વી.પારેખ ટેક્રીકલ ઇન્‍સ્‍ટીટયુટ એડવાઝરી કમીટી, સ્‍ટેટ એડવાઝરી કાઉન્‍સીલ ફોર ઇન્‍ડસ્‍ટ્રી, ડિવિઝનલ રેલવે યુઝર્સ કમીટી.

નરેન્‍દ્રભાઇ મોદીએ હીરાલાલભાઇનો ખભો થપથપાવ્‍યો

વર્ષ ૨૦૦૧ માં વજુભાઇ વાળાએ રાજીનામુ આપ્‍યું અને નરેન્‍દ્રભાઇ માટે રાજકોટની સીટ ખાલી કરી હતી. નરેન્‍દ્રભાઇ ચૂંટણી લડ્‍યા ત્‍યારે સીટીઝન બેન્‍કના અશ્વીનભાઇ મહેતા મારા પરમ મિત્ર જેઓ કોંગ્રેસમાં હતા. નરેન્‍દ્રભાઇ સામે ઉભુ રહેવા કોઇ તૈયાર નહોતું. એ વખતે યુપીના એક મંત્રીશ્રી જેઓ ઇન્‍દીરા ગાંધી વખતે હતા તેમણે અશ્વીનભાઇને ફોન કર્યો ત્‍યારે અશ્વીનભાઇએ રાજકારણમાં આવવાની ના પાડેલી. બે દિવસ બાકી હતા ત્‍યારે અશ્વીનભાઇને દિલ્‍હીથી ફોન આવ્‍યો પ્રાઇમ મીનીસ્‍ટરની ઇચ્‍છા છે કે આપે ઉમેદવારી કરવાની છે અને ના નથી પાડવાની. સવારે અશ્વીનભાઇએ હીરાલાલભાઇને બધી વાત કહી. ફોર્મ ભરાઇ ગયું, પ્રચાર ચાલતો હતો એ વખતે નરેન્‍દ્રભાઇ રાજકોટ આવ્‍યા. એ વખતે રસિકભાઇ ગોળવાળા એ તેમના જાગનાથના બંગલે જમવાનું ગોઠવ્‍યું. જેમાં નરેન્‍દ્રભાઇ સહિત ભાજપના કાર્યકરો હતા. એક તોહી તરીકે મને પણ આમંત્રણ મળ્‍યું. હીરાલાલભાઇએ રસિકભાઇને કહ્યું હું અશ્વીનભાઇના પક્ષમાં છું. નરેન્‍દ્રભાઇ અને અશોકભાઇ ભટ્ટ આવે છે અને હું આવું તો ખરાબ લાગે. રસિકભાઇએ કહ્યું હું અશ્વીનભાઇને વાત કરી દઉં છું તમારે સત્‍કારજ કરવાનો છે. હીરાલાલભાઇએ અશ્વીનભાઇ સાથે વાત કરી તેમણે મળવા જવા કહ્યું. નરેન્‍દ્રભાઇ આવ્‍યા અને મળ્‍યા એ વખતે વિજયભાઇએ ઓળખાણ કરાવી કે આ હીરાભાઇ માણેક. નરેન્‍દ્રભાઇએ કહ્યું તેઓ ચેમ્‍બરના પ્રમુખ હતા ત્‍યારનો તેમને ઓળખું છુ. જમવાનુ ચાલુ હતું ત્‍યારે વિજયભાઇએ આવીને નરેન્‍દ્રભાઇને કહ્યું. આપને એક બીજી વાત કરૂ. આ હીરાભાઇ અશ્વીનભાઇના ટેકેદાર છે છતાં આપણે ત્‍યાં આવ્‍યા છે. એ વખતે નરેન્‍દ્રભાઇએ કહેલું ‘વિજયભાઇ તમારી ભુલ છે મૈત્રી જુદી વસ્‍તુ છે અને વ્‍યવહાર જુદી વસ્‍તુ છે. જો તમારે જાણવું હોય તો હજી કહી દઉં ચેમ્‍બરના પ્રમુખ તરીકે હીરાભાઇ બહુ સ્‍પષ્ટ વક્‍તા છે. મૈત્રી શું કહેવાય તે જાણવું છે? નરેન્‍દ્રભાઇએ હીરાલાલભાઇને કહ્યું વિજયભાઇને જાણવું છે એટલે તમારો સ્‍પષ્ટ વક્‍તાનો જવાબજ મારે જોઇએ છે. તમારો મત કોને મળશે? હીરાલાલભાઇએ કહ્યું આપ શું માનો છો? નરેન્‍દ્રભાઇ કહે મને ખબર છે પણ વિજયભાઇને જાણવા દો. એ વખતે હીરાલાલભાઇએ કહેલું નરેન્‍દ્રભાઇ માફ કરજો મારો મત અશ્વીનભાઇને જ જશે. એ વખતે નરેન્‍દ્રભાઇએ હીરાભાઇનો ખભો થપથપાવ્‍યો અને કહ્યું આ જ સાચી મૈત્રી છે.

(10:55 AM IST)