તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
ડોર ટુ ડોર ગારબેજ કલેકશન કોન્ટ્રાકટ સામે ભાજપ સંકલનમાં બઘડાટી
પ્રમુખ અને સભ્ય વચ્ચે મીટીંગમાં તણખા : નેહલ શુક્લએ ખર્ચના હિસાબો કર્યા રજુ : મીટિંગનો કર્યો બહિષ્કાર : પ્રદેશમાં મામલો પહોંચ્યો

રાજકોટ તા. ૧૨ : કોર્પોરેશનના મોટાભાગના કામોમાં અમુક અધિકારીઓ દ્વારા પણ વધુ ભાવથી ટેન્ડર મંજુર કરી સ્ટેન્ડીંગમાં મોકલાતા હોય છે. તેવી જ રીતે સ્ટેન્ડીંગની સભ્યો દ્વારા પણ અણઆવડતના કારણે અથવા જાણી જોઈને આ ઙ્કકારનીદરખાસ્તો મંજુર કરી કોન્ટ્રાક્ટરોને લાભ અપાતો હોવાનું અગાઉ અનેક વખત બહાર આવ્યું છે. જેમાં હાલના સ્ટેન્ડીંગ સભ્ય નેહલ શુકલ દ્વારા વખતો વખત આ મુદ્દે વિરોધ થાય છે. ત્યારે ૧૧૦૦ કરોડના ગાર્બેજ કલેકશનના ખર્ચનો સ્ટેન્ડિંગ કમીટી મિટીંગ પુર્વ મળેલ બેઠકમાં સંકલન બેઠકમાં સભ્ય દ્વારા હિસાબના કાગળ રજુ કરી વાંધો ઉઠાવાતા શહેર ભાજપ પ્રમુખ અને સભ્ય નેહલ શુક્લ વચ્ચે તણખા ઝર્યા હતા, નેહલ શુક્લે સ્ટેન્ડિંગ મીટીંગનો બહિષ્કાર કર્યો હતો.
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આજે સૌથી વધુ ચર્ચાસ્પદ દરખાસ્ત રૂા. ૧૧૦૦ કરોડના ગારબેજ કલેક્શનના કોન્ટ્રાક્ટની હતી. એક રીતે રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટે કોર્પોરેટ પદ્ધતિથી ઘરે ઘરેથી કચરો એકઠો કરવાનું કામ બે એજન્સીને આપવાની દરખાસ્ત આજે મંજુર કરવામાં આવી હતી. પરંતુ ૧૦ વર્ષનો કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યો છે. જે રકમ ૧૧૦૦ કરોડને પાર થઈ જાય છે. તેવી જ રીતે દર વર્ષે પાંચ ટકાનો વધારો પણ દરખાસ્તમાં સુચવવામાં આવ્યો છે. આ રીતે ૧૦ વર્ષે ગારબેજ કલેક્શન કોન્ટ્રાક્ટની રકમ ૧૫૦૦ કરોડે પહોંચી જતી હોવા છતાં શહેરની સ્વચ્છતા માટે કમિટિ મેમ્બરોએ સંકલન કરી દરખાસ્ત મંજુર કરી નાખી હતી. આજની સ્ટેન્ડીંગમાં સ્ટેન્ડીંગ સભ્ય નેહલ શુકલે ખર્ચના પ્રશ્નનો મારો ચલાવેલ. અને ટીપરવાનના ખર્ચનો હિસાબ ચેરમેનને બતાવતા પ્રમુખે જણાવેલ કે, અમારે સંકલન થઈ ગયું છે. હવે આ વાતનો કોઈ મતલબ નથી. આથી નેહલભાઈએ સામો જવાબ આપેલ કે, આ સ્ટેન્ડીંગ સંકલન છે સવાલ તો પુછવાના હોય અને એવુ બહુ લાગતુ હોય તો સંકલન જ બંધ કરી દો, તો તેની સામે પ્રમુખે જણાવેલ કે, તમે યુનિવર્સિટીમાં આવી જ રીતે ચલાવો છો. ત્યારે જવાબમાં નેહલભાઈએ જણાવેલ કે, અમે ચાર-પાંચ કલાક બેસી બેઠકમાં સંકલન કરીએ છીએ. તમારી જેમ પાંચ મીનીટમાં સંકલ પૂરુ કરતા નથી. બધા શહેરોમાં આ કામ મંજુર થયું છે. તો આપણે પણ ભાવતાલ જોવા જોઈએ. તેમજ મુંબઈ અને વડોદરાની એજન્સી છે તેને પેટાકામ આપી દઈ માત્ર કમિશન જ લઈ લેવાનું આ ખર્ચ ચાર ગણો થઈ રહ્યો છે. જે વ્યાજબી નથી આથી આ મુદ્દે ફરી વખત ચર્ચા થવી જોઈએ તેમ પ્રમુખ અને નેહલ શુકલ વચ્ચે તણખા ઝર્યા હોવાનું જાણવા મળ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ સંકલન બેઠક બાદ મળતી સ્ટેન્ડિંગ કમીટી મીટિંગમાં સભ્ય નેહલ શુક્લ ઉપસ્થિત નહી રહીને વિરોધ દર્શાવ્યો છે.
આ ઘટના અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા પ્રદેશમાં જાણ કરવામાં આવશે. આગામી સમયમાં પ્રદેશ મોવડી મંડળ શું પગલા લે છે તે તો સમય જ બતાવશે.
(3:52 PM IST)










