<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

પારડીમાં વિજ ટ્રાન્‍સફોર્મરમાં ધડાકા સાથે આગઃ બાજુમાંથી નીકળેલા માતા-પુત્ર સહિત ત્રણ દાઝ્‍યા

બેબીબેન અને ત્રણ વર્ષના પુત્રને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૨: શાપર વેરાવળના પારડી ગામે બપોરે જીઇબીના વિજ ટ્રાન્‍સફોર્મરમાં શોર્ટ સરકિટને કારણે કે અન્‍ય કારણોસર ધડાકા સાથે આગ ભભૂકતાં અને ટ્રાન્‍સફોર્મર ફાટતાં બાજુમાંથી પસાર થઇ રહેલા માતા-પુત્ર સહિત ત્રણ ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યા છે.

જાણવા મળ્‍યા મુજબ શાપરના પારડી ગામે શિતળા માતાજીના મંદિર નજીક નજરઅલીભાઇના ગોડાઉન નજીક બપોરે વિજ ટ્રાન્‍સફોર્મરમાં ધડાકા સાથે આગ ભભૂકતાં ત્‍યાંથી પગપાળા જઇ રહેલા રીબડા રહેતાં મુળ બિહારના વતની બેબીબેન સરમણભાઇ ગીરી (ઉ.વ.૩૦) તથા તેનો પુત્ર અયાશ સરવન ગીરી (ઉ.વ.૩) ગંભીર રીતે દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. અન્‍ય એક વ્‍યક્‍તિ પણ દાઝી ગઇ હતી. તેને શાપર સારવાર માટે ખસેડાયેલ.

બેબીબેન મુળ બિહારના વતની છે તેના પતિ કારખાનામાં મજૂરી કરે છે. તેણી આજે પારડી ખાતે રહેતાં મામાજી સસરાને ઘરે આટો દેવા પુત્રને લઇને આવી હતી. ત્‍યારે પગપાળા જતી વખતે આ બનાવ બન્‍યો હતો. તેણીને એક પુત્રી પણ છે. આઠેક મહિના પહેલા પણ આ સ્‍થળે આવો જ બનાવ બન્‍યો હતો. જેમાં પિતા-પુત્ર દાઝી ગયા હતાં. આજે ફરી એ જ સ્‍થળે આ બનાવમાં ત્રણ લોકો દાઝી ગયાનું જાણવા મળ્‍યું છે. રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા સહિતે શાપર પોલીસને જાણ કરી હતી.

(4:02 PM IST)