તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
હવે હોકર્સ ઝોનમાં દરેક ધંધાર્થીઓને સફાઇ ચાર્જના નામે રૂા. પ૦૦નો ડામ
શાસકો લીંબડ જશ ખાટશે !!! : રજીસ્ટ્રેશન ફી, માસીક વહીવટી ચાર્જ વધારવાની દરખાસ્ત ફગાવાઇ : શહેરમાં હાલ ૮૭ હોકર્સ ઝોનમાં ર૯૦૦ ધંધાર્થીઃ ૧પ લાખની આવક હવે બમણી થશે

રાજકોટ, તા., ૧૨: શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ૮૭ હોકર્સ ઝોનમાં ભાડા તથા રજીસ્ટ્રેશન ફીના વધારવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમીટીએ ફગાવી હતી. પરંતુ ધંધાર્થીઓનું ખિસ્સામાંથી રૂા. પ૦૦ નવો સફાઇ ચાર્જ ઉમેરવામાં આવ્યો છે. પરંતુ શાસકો ભાડા તથા રજીસ્ટ્રેશન ફીનાં ભાવ નહિ વધારવાનો લીંબડ જશ ખાટશે તેમ લોકમુખે ચર્ચાઇ રહયું છે.
હાલમાં હોકર્સ ઝોનમાં ધંધો કરતાં ધંધાર્થીઓ પાસેથી હોકર્સ ઝોનમાં રજીસ્ટ્રેશન ફ્રી પેટે રૂા. ૧૦૦૦ અને માસીક વહીવટી ચાર્જ રૂા. પ૦૦ વસુલવામાં આવે છે. આ દરો તથા નિયમો ૧૦ વર્ષ જેટલા લાંબા સમય પહેલા નિયત થયેલ છે.,
ઉપરાંત હોકર્સ ઝોનમાં હાલ સફાઇ યોગ્ય રીતે થતી ન હોઇ, હવે પછી મહાનગરપાલિકા દ્વારા સફાઇ કર્મચારી નિયુકત કરી સફાઇની કામગીરી કરાવવા આયોજન કરેલ છે. જે હોકર્સ ઝોનમાં નવા દરો હોકર્સ રજીસ્ટ્ેરશન ફ્રી રૂા. રપ૦૦, માસીક વહીવટી ચાર્જ (ભાડા પટે) રૂા. ૧પ૦૦ તથા સફાઇ ચાર્જના રૂા. પ૦૦ ની દરખાસ્ત કમીશ્નર બ્રાંચ મારફત સ્ટેન્ડીંગમાં મોકલવામાં આવતા સ્ટેન્ડીંગ કમીટીએ નવા ભાવ વધારાની દરખાસ્ત ફગાવી છે. ભાડા અને રજીસ્ટ્રેશન ફી યથાવત રાખી છે. જયારે સફાઇ ચાર્જ રૂા. પ૦૦ મંજુર કરવામાં આવ્યો છે.
આમ ધંધાર્થીઓને રૂા. પ૦૦ નો ડામ લાગુ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં ૮૭ હોકર્સ ઝોનમાં ર૯૦૦ જેટલા ધંધાર્થીઓ ધંધો કરે છે. મનપાને દરમહિને રૂા.૧પ લાખની અંદાજીત આવક થાય છે. સફાઇ ચાર્જ રૂા. પ૦૦ ઉભેરાતા હવે તંત્રની તીજોરીમાં ડબલ આવક થશે.
(4:03 PM IST)










