તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 12th November 2024
કુબલીયાપરામાંથી બેભાન મળેલા નશાની ટેવ ધરાવતાં ક્રિષ્ના નેપાળીનું મોતઃ ભાનમાં આવી મારકુટ થયાનું રટણ કર્યુ હતું
૨૪ દિવસ પહેલા કુબલીયાપરા મચ્છી ચોકમાં બેભાન જેવો પડયો હોઇ સેવાભાવીએ સારવારમાં ખસેડયો હતોઃ અજાણ્યાએ મારકુટ કર્યાનું રટણ કર્યુ હતું: માતા-પિતા-પત્નિ-પુત્રને જામનગરમાં છોડી વર્ષોથી રખડતું જીવન જીવતો હતોઃ ભાનમાં આવી નેપાળના સગાના નંબર આપતાં ત્યાંથી જામનગર રહેતાં પિતાને જાણ કરાઇ હતીઃ થોરાળા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૨: ભાવનગર રોડ પર કુબલીયાપરા-૫ના મચ્છી ચોકમાંથી આજથી ૨૪ દિવસ પહેલા એક નેપાળી યુવાન બિમાર જેવી, બેભાન જેવી હાલતમાં મળી આવતાં કોઇ સેવાભાવીએ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. સારવાર બાદ ભાનમાં આવતાં તેણે પોતાની સાથે મારકુટ થયાનું કહેતાં તબિબે જે તે વખતે પોલીસ ચોકીમાં નોંધ કરાવી હતી. દરમિયાન આ યુવાનનું રાતે મોત થતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મોત મારકુટથી થયું કે બિમારી અથવા દારૂનો નશો કરવાની આદતને કારણે? તેની તપાસ થઇ રહી છે. આ યુવાન પરિવારને જામનગર છોડી વર્ષોથી રાજકોટમાં રખડતું જીવન જીવતો હતો.
જાણવા મળ્યા મુજબ ગત ૨૦/૧૦/૨૪ના રોજ એક યુવાન કુબલીયાપરા મચ્છી ચોકમા અર્ધબેભાન જેવો પડયો હોઇ સેવાભાવી ફિરોઝભાઇ નામના નાગરિકે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જે તે વખતે પોતાનું નામ ક્રિષ્ના છત્રી (ઉ.વ.૨૫) જણાવ્યું હતું. ત્યારે તે બિમાર જેવો લાગતો હતો. સારવાર થતાં તે થોડો ભાનમાં આવ્યો હતો અને બીજા દિવસે તેણે તબિબની પુછતાછમાં પોતાને દસેક દિવસ પહેલા કોઇએ ઢીકાપાટુ માર્યાનું રટણ કર્યુ હતું. આથી તે અંગેની નોંધ તબિબે સિવિલ હોસ્પિટલ ચોકીમાં કરતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે જે તે વખતે તપાસ કરી હતી પણ મારકુટ થયાની કે માથાકુટ થયાની કોઇ વિગતો સાંપડી નહોતી.
આ યુવાનની સારવાર થયા બાદ તે થોડો વધુ ભાનમાં આવતાં વોર્ડમાં હાજર કોઇ સેવાભાવી મારફત તેને નેપાળ સ્થિત સગાના મોબાઇલ નંબર મોઢે હોઇ ત્યાં જાણ કરવાનું કહેતાં નેપાળ જાણ કરાઇ હતી. નેપાળ રહેતાં સગાએ ક્રિષ્નાના પિતા માનસીંગભાઇ પહેલવાનભાઇ બુઢા-છત્રીને જાણ કરતાં તેઓ રાજકોટ આવ્યા હતાં અને દિકરાની ખબર પુછી હતી.
સારવાર દરમિયાન ક્રિષ્નાનું મોત નિપજતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી. ક્રિષ્ના નેપાળીના પિતા માનસીંગભાઇ બુઢાએ કહ્યું હતું કે મારે સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી પૈકી ક્રિષ્ના મોટો હતો. તે વર્ષો પહેલા મારી સાથે જામનગરમાં જ રહેતો હતો. તેના લગ્ન પણ થઇ ગયા હતાં અને તેને એક પુત્ર પણ છે. જો કે તે દારૂ પીવાના રવાડે ચડી ગયા બાદ પાંચેક વર્ષ પહેલા ઘર છોડીને નીકળી ગયો હતો અને રાજકોટમાં રખડતો ભટકતો રહેતો હતો. અમારી સાથે તે સંપર્કમાં પણ નહોતો. છેલ્લે નેપાળથી મને ફોન આવ્યો હતો કે ક્રિષ્ના રાજકોટ સિવિલમાં દાખલ છે તેથી હું તેની ખબર પુછવા આવ્યો હતો. તેને નશાની આદત હતી અને બિમાર પણ રહેતો હતો. કોઇએ મારકુટ કરી હતી કે કેમ? તેની અમને ખબર નથી. મોતનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ બાદ બહાર આવશે. થોરાળા પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં વધુ તપાસ યથાવત રાખવામાં આવી છે. (૧૪.૧૦)
(4:19 PM IST)










