તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
વીજ કોન્ટ્રાકટરોની બેમુદતી હડતાલ શરૂ
ટ્રાન્સફોર્મર બદલવા-લાઇન કામ સહિતની અનેક કામગીરી ઠપ્પ : નિર્ણયની સત્તા વીજ બોર્ડને છે તેમ કહી એમ.ડી. પ્રીતી શર્માએ હાથ ઉંચા કરી દેતા બધુ જડબેસલાક બંધ

રાજકોટ તા. ૧ર :.. પીજીવીસીએલ.ના સૌરાષ્ટ્ર-કચ્છના પ૦૦ કોન્ટ્રાકટરો વર્કના ભાવ વધારા મુદ્્ે ગઇકાલે સાંજે વીજ તંત્રના મેનેજીંગ ડીરેકટરને દેખાવો-સુત્રોચ્ચાર બાદ આવેદન પત્ર આપી ગઇકાલે સાંજે ૬ વાગ્યાથી બેમુદતી હડતાલ ઉપર ઉતરી જતા તમામ કામગીરી જડબેસલાક બંધ થઇ ગઇ છે, ર થી ૪ દિવસ બાદ આની ગંભીર અસર પડશે તેમ મનાઇ રહ્યું છે.
કોન્ટ્રાકટર હડતાલ પર જતા ટીસી-ટ્રાન્સફોર્મર બદલવા, લાઇન રીપેરીંગ કામ, લોડીંગ-અનલોડીંગ, સહિતની તમામ કામગીરી ઠપ્પ થઇ ગઇ છે, દરેક વીજ સબ ડીવીઝન-ડીવીઝનમાં સવારથી શૂન્યાવકાશ સર્જાયો છે.
કચ્છ-સૌરાષ્ટ્ર-કોન્ટ્રાકટર એસો.ના પ્રમુખશ્રી ગોપાલભાઇ માતાએ જણાવેલ કે, આખા વીજ બોર્ડમાં તમામ નિયમો-પોલીસી એકસમાન હોવી જોઇએ.
એમજીવીસીએલ.માં કામગીરીના ૩પ થી ૪૦ ટકા ઉંચા ભાવો અપાય છે, અમને માત્ર ૧૧ ટકાનો ભાવ વધારો અપાયો છે, જે અમને મંજૂર નથી આથી અમે બેમુદતી હડતાલ શરૂ કરી કામગીરી બંધ કરી છે, કામગીરી બંધ થતા મેન્ટેનન્સ, ફેબ્રીકેશન, વિગેરે પણ ઠપ્પ થઇ ગયું છે.
દરમિયાન એમ. ડી. ને આવેદન અપાયું ત્યારે મેડમ પ્રિતી શર્માએ જણાવેલ કે, દિવાળી પહેલા જ અમે નિયમો મુજબ ૧૧ ટકાનો ભાવ વધારો આપ્યો છે, હજુ વધારા માટે અમે હકારાત્મક છીએ, પરંતુ વધુ ભાવ વધારો આપવાની સત્તા બોર્ડને છે, પરિણામે આંદોલન હવે બેમુદતી હડતાલમાં પરિવર્તિત થયું છે.
(4:20 PM IST)










