તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૫ બુધવાર
News of Wednesday, 13th November 2024
પાલિકા-પંચાયતોને વધુ આર્થિક સક્ષમ બનાવવા માટે અગ્રતાઃ યમલ વ્યાસ
ચોથા નાણાપંચના નવનિયુકત અધ્યક્ષની અકિલા સાથે વાતચીતઃ ટૂંક સમયમાં જિલ્લાવાર પ્રવાસ : વર્તમાન નાણાકીય વર્ષની કામગીરીની સમીક્ષા અને રપ-ર૬ ના વર્ષ માટે નાણા ફાળવણીનું આયોજનઃ આવક વધારવા પર વિચારણા

રાજકોટ તા. ૧૩ :.. રાજય સરકારે ગુજરાતના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે અમદાવાદના સુપ્રસિધ્ધ ચાર્ટડ એકાઉન્ટન્ટ તથા ભાજપના ભૂતપૂર્વ મુખ્ય પ્રદેશ પ્રવકતા શ્રી યમલ વ્યાસની નિમણુંક કરતા તેમણે ગાંધીનગર સચિવાલયમાં કાર્યભાર સંભાળી લીધો છે. ટૂંક સમયમાં ઓફીસની વ્યવસ્થા સંપૂર્ણ ગોઠવાઇ જતા વહીવટી ધમધમાટ શરૂ થઇ જશે. તેમણે રાજયની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને આર્થિક રીતે પૂરતી સક્ષમ બનાવવાનો સંકલ્પ કરીને તે દિશામાં કદમ માંડયા છે. (યમલ વ્યાસનો મો. નં. ૯૮રપ૩ ૧૧૭૭૭)
નાણાપંચના પ્રતિભાવંત વડા શ્રી યમલ વ્યાસે જણાવેલ કે નાણાપંચના કાર્યક્ષેત્રમાં ગ્રામ પંચાયતથી માંડી મહાનગરપાલિકા સુધીની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓનો સમાવેશ થાય છે. ગ્રાન્ટ ફાળવણી સહિત પંચનું કાર્યક્ષેત્ર ઘણુ વિશાળ છે. કઇ સ્થાનિક સ્વરાજયની સંસ્થાની આર્થિક સ્થિતિ કેવી છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે. ૧પ માં નાણાપંચના ફાળવાયેલ નાણા અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. ૧૬મા નાણાપંચના નાણા પ્રજાકીય વિકાસ કામોમાં કઇ રીતે વાપરવા અને કયાં કેટલી જરૂરીયાત છે તેની માહિતી એકત્ર કરવામાં આવશે. નાણાની સંતુલિત ફાળવણી અને તે નાણાથી થતા વિકાસકામો પર નાણાપંચની નજર રહેશે.
અધ્યક્ષ શ્રી યમલ વ્યાસે જણાવેલ કે નજીકના ભવિષ્યમાં પંચની ટીમ દરેક જિલ્લાની મુલાકાત લઇ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા કરશે તેમજ નાણાપંચના કાર્યો સબંધી સૂચનો માંગશે. પગાર સહિતના અમૂક ખર્ચ નિヘતિ હોય છે. પ્રજા પર નવો આર્થિક બોજ નાખ્યા વિના પંચાયતો અને પાલિકાઓની આવક કઇ રીતે વધારી શકાય તે દિશામાં વિચારણા ચાલી રહી છે વહીવટી ખર્ચમાં કરકસરનો અભિગમ રહેશે. જે સ્થાનિક સ્વરાજયની સંસ્થાની આર્થિક સ્થિતિ નબળી છે. તેની સ્થિતિ સારી બનાવવા અને સારી છે તેને વધુ સારી બનાવવા પર ભાર મૂકાશે. ગુજરાતની વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવવામાં સહયોગી બનશું. નાણાપંચની કામગીરી અને પાલિકા-પંચાયતોના વિકાસ માટે લોકોના સૂચનો આવકાર્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ૮ મહાનગરપાલિકાઓ, ૧પ૬ નગરપાલિકાઓ, ૩૩ જિલ્લા પંચાયતો, ર૪૮ તાલુકા પંચાયતો અને ૧૪ર૯ર ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે. રાજયમાં કુલ ૧૮પ૮૩ ગામડાઓ છે પણ અમૂક ગામોમાં બબ્બે ગામોની સંયુકત પંચાયત છે.
(11:03 AM IST)










