તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 13th November 2024
નસબંધીમાં સરકાર દ્વારા અપાયેલ પ્લોટ ઉપર માથાભારે શખ્સોનો કબજો હોય કલેકટર સમક્ષ રર પરિવારો દોડી આવ્યા
રર પરિવારોનો નવાગામ-કુવાડવામાં પ્લોટ અપાયેલઃ તમામ હાલ થોરાળામાં રહે છે... આર્થિક સ્થિતિ ખરાબ હોય ત્યારે જગ્યાનો કબજો લીધો ન હતોઃ હવે ૪૦ વારના પ્લોટ આપવા માંગણી...

રાજકોટ તા. ૧૩: નવા થોરાળા વિસ્તારમાં રહેતા વિચરતી જાતીના રર જેટલા પરીવારો આજે કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા, અને નસબંધીમાં સરકાર દ્વારા આપવામાં આવેલ પ્લોટમાં કબ્જો થયેલ હોય તે ખાલી કરી નસબંધી અને વિચરતી જાતિને આપવા માંગણી કરી હતી.
રજૂઆતમાં જણાવેલ કે, ભાવનગર રોડ, નવા થોરાળા વિસ્તારમાં રહેતા વિચરતી જાતિના લોકોને વર્ષ ૧૯૮૯માં શહેરી ઝોન ટોચ મર્યાદા ધારો ૧૯૭૬ કલમ-ર૩ હેઠળ રર પરિવારોને સરકાર દ્વારા નસબંધીમાં કાર્યક્રમમાં જોડાયેલ હતા. તેમાં સરકાર તફથી નસબંધી તેમજ વિચરતીના રર પરિવારોને સરકાર દ્વારા નવાગામ, આણંદપર, કુવાડવાના ખરાબાની જગ્યામાં રપ-રપ વારના પ્લોટો ફાળવવામાં આવેલ હતા. સરકાર દ્વારા સોંપણી કરવામાં આવેલ ત્યારબાદ અમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય આર્થિક પરિસ્થિતિ તેમજ રોજગારીના અભાવે આ પરિવારો મકાન બનાવી શકયા ન હતા. આ જગ્યા ખુલ્લી હોવાથી આ જગ્યા ઉપર માથાભારે શખ્સો દ્વારા દબાણ કરવામાં આવેલ અને કબજો કરવામાં આવેલ. આ બાબતે સરકારને અવાર-નવાર આ સમાજના પ્રતિનિધિઓ દ્વારા રજુઆત કરવામાં આવેલ. આ જમીન ઉપર આ લોકો પરિવાર સાથે કબજો લેવા જાય છે તો માથાભારે માણસો દ્વારા મારા-મારીના બનાવ પણ બને છે અને આ લોકો ઉપર હુમલા થાય છે. આ લોકોના કહેવા પ્રમાણે ત્યાંકોઇ ભરવાડ તથા અન્ય શખ્સ દ્વારા આ જમીન ઉપર બળજબરી પૂર્વક કબજો કરેલ છે. આ સાથે આપ સાહેબને અમારી વિનંતી છે આ રર પરિવારોને મળેલ પ્લોટ અંગે તપાસ કરી હવે ૪૦ વારના પ્લોટ આપવા માંગણી છે.
રજૂઆત કરવામાં નવા થોરાળા, કુબલીયાપરાના જીવીબેન કેશુભાઇ, અશ્વી નાથાભાઇ, પાંચા નાથાભાઇ, ધની ખીમા, હીરીબેન હીરાભાઇ, ચંપા વાલા, રતન તરશી, ડાયબેન ભનુભાઇ, નથુભાઇ હીરાભાઇ, ડાયબેન હીરાભાઇ, પુનમબેન દલા, વાલીબેન તેજા, મીરાબેન નારણ, નબીબેન હાજીભાઇ વિગેરે જોડાયા હતા.
(2:34 PM IST)










