<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

વિજયપ્‍લોટની ૧૦ વર્ષની નિરાલીનો ડેંગ્‍યુએ ભોગ લીધો

વકરી રહેલા રોગચાળા વચ્‍ચે વધુ એક પરિવારે લાડકવાયી ગુમાવી દેતાં અરેરાટીઃ ગઇકાલે શ્રીરામ પાર્કના એકવીસ વર્ષના યુવાનનું મોત થયું હતું : ત્રણ દિવસ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર લીધા બાદ રાતે સિવિલમાં ખસેડાઇઃ સવારે અંતિમશ્વાસ લીધોઃ ઝરીયા પરિવારમાં ગમગીનીઃ ખાનગી અને સિવિલ હોસ્‍પિટલમાં ઉભરાઇ રહ્યા છે દર્દીઓ

રાજકોટ તા. ૧૩: શહેરમાં રોગચાળો વધુ એક વખત જીવલેણ બન્‍યો છે. ગઇકાલે   આજીડેમ ચોકડી નજીક શ્રીરામ પાર્કના એકવીસ વર્ષના યુવાન અમન વ્‍યાસનું ડેંગ્‍યુથી મોત થયા બાદ આજે વધુ એક બાળકીનો ભોગ લેવાયો છે. વિજય પ્‍લોટમાં રહેતી ૧૦ વર્ષની નિરાલી મોહિતભાઇ ઝરીયાનું ઝનાના હોસ્‍પિટલમાં મૃત્‍યુ થયું છે. તેને ડેંગ્‍યુ પોઝિટિવ હતો. ત્રણ દિવસ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવાયા બાદ ગત રાતે સિવિલની ઝનાના હોસ્‍પિટલમાં દાખલ કરાઇ હતી. અહિ સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક વ્‍યાપી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ વિજયપ્‍લોટ-૧૫/૨૬ના ખુણે રહેતાં મોહિતભાઇ ઝરીયાની દિકરીને પાંચેક દિવસથી તાવ આવતો હોઇ વિજય પ્‍લોટના એક ક્‍લીનીકમાંથી દવા લીધી હતી. તાવ ન ઉતરતા રાજનગરની ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવાતાં ત્‍યાં દાખલ કરવામાં આવી હતી. ભગત હોસ્‍પિટલમાં ત્રણેક દિવસની સારવાર બાદ ગઇકાલે તબિયત વધુ બગડી જતાં રાતે સાડા બારેક વાગ્‍યે તેણીને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ઝનાના હોસ્‍પિટલમાં આવેલી બાળકોની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહિ બાળકીની તબિબોએ સઘન સારવાર શરૂ કરી હતી. પરંતુ તબિયત ખરાબ થઇ ગઇ હોઇ સવારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ પામનાર નિરાલી બે બહેનમાં મોટી હતી અને તેના

    પિતા મોહિતભાઇ છુટક મજૂરી કરે છે. ખાનગી હોસ્‍પિટલમાં ત્રણ દિવસની સારવાર બાદ પણ તેણીને સાર ુ થયુ નહોતું અને છેલ્લે સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

શહેરમાં રોગચાળો સતત વકરી રહ્યો છે ત્‍યારે વધુ ડેંગ્‍યુએ વધુ એકનો ભોગ લઇ લીધો છે. શહેર મહાનગર પાલિકા દ્વારા રોજબરોજ રોગચાળાના આંકડા જાહેર કરી રોગચાળો કાબૂમાં લેવા માટે કરવામાં આવતી કામગીરીની વિગતો પણ જાહેર કરવામાં છે. જો કે આ વચ્‍ચે રોગચાળો વધુ વકરી રહ્યો હોય તેવું જણાઇ આવે છે. મિશ્ર ઋતુને કારણે શરદી, ઉધરસ, તાવ સહિતના રોગના દર્દીઓ ખુબ વધી ગયા છે. ખાનગી તેમજ સરકારી હોસ્‍પિટલમાં આવા દર્દીઓ સતત ઉભરાતા રહે છે.

(2:58 PM IST)