તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 13th November 2024
દાંતના ડોક્ટરના પત્નિ અને તેમની તબિબી છાત્રા દિકરીને પડોશીઓએ ઢીકા-પાટુ માર્યા
રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે રવિરત્ન પાર્ક નજીકના ગોલ્ડન પાર્કમાં બનાવ : ઉમંગીબેન કારીયા અને ખુશી કારીયાને દાખલ કરાયાઃ પોતાની જ્ઞાતિનું એક જ ઘર હોઇ તેના કારણે ખાર રાખી અવાર-નવાર હેરાન કરવામાં આવતાં હોવાનો આક્ષેપઃ સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરાયા

રાજકોટ તા. ૧૩: શહેરના દોઢસો ફુટ રીંગ રોડ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ રવિરત્ન પાર્ક મેઇન રોડ પર આવેલા ગોલ્ડન પાર્કમાં રહેતાં અને હનુમાન મઢી પાસે ક્લીનીક ધરાવતાં દાંતના ડોક્ટર વિરલભાઇ કારીયાના પત્નિ ઉમંગીબેન કારીયા (ઉ.વ.૪૮) અને તેમની તબિબી અભ્યાસ કરતી દિકરી ખુશી કારીયા (ઉ.વ.૨૨)ને સાંજે ઘર પાસે પડોશીઓએ ઢીકા-પાટુનો માર મારતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જયદિપસિંહ જાડેજા, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે નિવેદન નોંધવા કાર્યવાહી કરી એનસી દાખલ કરી હતી. હોસ્પિટલના બિછાનેથી ઉમંગીબેને રડતાં રડતાં કહ્યુ઼ હતું કે-અમે બાર વર્ષથી ગોલ્ડન પાર્કમાં રહીએ છીએ. મારે એક નાનો દિકરો છે અને એક દિકરી મોટી છે જે એમબીબીએસનો અભ્યાસ કરે છે. મારા પતિ દાંતના ડોક્ટર છે અને તેમને હનુમાન મઢી પાસે ક્લીનીક છે. અમે જ્યાં રહીએ છીએ ત્યાં ઘણા બધા ઘર-પરિવારો વચ્ચે અમારી જ્ઞાતિનું એક જ ઘર છે. આ કારણે પડોશીઓ અમારી સાથે લાંબા સમયથી માથાકુટ કરે છે. મારો નાનો દિકરો બહાર નીકળે તો તેને પણ પડોશીના છોકારાઓ ખુબ ખીજવે છે અને પરેશાન કરે છે. મારી દિકરી બહાર નીકળે તો તેને પણ પડોશી મહિલા મારકુટ કરવા દોડે છે, પાટા મારે છે (આના સીસીટીવી ફૂટેજ પણ ઉમંગીબેને બતાવ્યા હતાં). તેમણે આગળ કહેલું કે મારા દિકરાનો કોઇ મિત્ર આવે તો તેને પણ પડોશીઓ પરેશાન કરે છે. ગત સાંજે પણ મારો દિકરો બહાર નીકળતાં તેની સાથે માથાકુટ કરવામાં આવી હતી. હું અને મારી દિકરી ખુશી સમજાવવા જતાં પડોશી સુમીબેન, નિયતીબેન સહિતે મારકુટ કરી હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(3:00 PM IST)










