<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

૧II મહિનામાં ૨૮ ગુના આચર્યાઃ મુસાફરોને રિક્ષામાં બેસાડી ચોરી કરતાં ૪ ગઠીયાને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યા

રાજકોટ, મોરબી, વાંકોનર, શાપર, માટેલ, હળવદ, અમદાવાદ, જુનાગઢ, ટંકારા સહિતના ગામોમાં કસબ અજમાવ્‍યોઃ એકલ દોકલ મુસાફરને બેસાડી નજર ચુકવી રોકડ ચોરી લેતાં: થોડે આગળ જઇ ગિરદી થાય છે, હવે એ બાજુ અમારે જવું નથી કહી મુસાફરને ઉતારી ભાગી જતાં : પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ એમ. કે. મોવલીયાની ટીમને સફળતા

રાજકોટ તા. ૧૩: શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી નજર ચુકવી રોકડ, મોબાઇલ ફોન ચોરી લેતી ટોળકીના ૪ શખ્‍સને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ રિક્ષા, મોબાઇલ, રોકડા છપ્‍પન હજાર મળી કુલ રૂા. ૧,૯૧,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આ ટોળકીએ આચરેલા ૨૮ આવા ગુનાઓનો ભેદ ખુલ્‍યો છે. જે પૈકી ત્રણમાં ફરિયાદ નોંધાઇ હતી. ઝડપાયેલા શખ્‍સો રાજકોટના જ રહેવાસી છે.

જાણવા મળ્‍યા મુજબ શહરેમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી તેની નજર ચુકવી પર્સ, મોબાઇલ ફોન સહિતની માલમત્તા ચોરી લેવાની ઘટનાઓ વધી ગઇ હોઇ આવા ગુના ડિટેક્‍ટ કરવા અને આવા શખ્‍સોને પકડી લેવા ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. વિજયરાજસિંહ જાડેજા, કોન્‍સ. તુલસીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા અને પ્રવિણભાઇ જતાપરાને મળેલી બાતમી પરથી મોરબી રોડ બેડી ચોકડીથી આગળ મામા સાહેબના મંદિર નજીક એચપીના પંપ પાસેથી ચાર શખ્‍સોને પકડી લીધા હતાં.

પોલીસે દિનેશ ઉર્ફ કાળીયો હરિભાઇ ડાભી (ઉ.૨૪-રહે. શિવનગર-૧, ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે), કિશન મગનભાઇ વાંજા (ઉ.૨૫-રહે. કાંતાબેન ડાભીના મકાનમાં માલધારી સોસાયટી-૩), આકાશ કિશનભાઇ વાણોદીયા (ઉ.૨૫-રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા મછાભાઇની દકુાન પાછળ) તથા પ્રકાશ ઉર્ફ બકુલ નથુભાઇ સોલંકી (ઉ.૨૪-રહે. ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે લોખંડના બ્રીજ નજીક, સંજયભાઇ પટેલના દવાખાના પાસે)ને પકડી લઇ રૂા. ૫૬ હજાર રોકડા, ૧,૨૦,૦૦૦ની રિક્ષા અને ૧૫ હજરાનો મોબાઇલ ફોન કબ્‍જે કર્યો છે.

આ ચારેય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં દિનેશ અગાઉ આજીડેમ, બી-ડિવીઝન, ગાંધીગ્રામ પોલીસમાં દારૂ-ધમકી, ચોરીના ગુનામાં, કિશન ચોરી, જાહેરનામા ભંગ, દારૂના ગુનામાં, આકાશ ચોરીના, પ્રકાશ ચોરી, દારૂ, હત્‍યાના ગુનામાં પકડાઇ ગયો હતો. આ ચારેયએ આચરેલા પૈકી તાલુકા, માલવીયાનગર, કુવાડવા રોડ પોલીસમાં નોંધાયેલા રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરવાના ત્રણ ગુના ડિટેક્‍ટ થયા છે. તેમજ અન્‍ય ૨૫ ચોરીઓ પણ કબુલી છે.

ચારેયમાંથી એક રિક્ષા હંકારતો અને એકલ દોકલ મુસાફરને પાછળ બેસાડતા. જ્‍યાં અગાઉથી જ બીજા ત્રણ બેઠા હોય છે. ધક્કામુક્કી કરી નજર ચુકવી જે તે મુસાફરની રોકડ, ફોન સેરવી લઇ બાદમાં રિક્ષા થોડે આગળ લઇ જઇ ખુબ ગીરદી થાય છે, હવે અમારે એ તરફ જવાનું નથી, તમે ઉતરી જાવ કહી જે તે મુસાફરને ઉતારી મુકતા હતાં.

૨૫ ચોરીઓ કબુલી છે તેમાં માંડા ડુંગર પાસે એક મુસાફરના ૧૯૫૦૦, ગોંડલ રોડ પંપ પાસે ૮૦૦૦, વીસેક દિવસ પહેલા ગવરીદળ પાસે એક મુસાફરના ૪૦૦૦, ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે ૨૫૦૦, પંદર દિવસ પહેલા યાર્ડ પાસે ૧૫૦૦ રૂપિયા, દસ દિવસ પહેલા કેકેવી ચોક પાસે, ત્રિકોણબાગથી વિદ્યાનગર રોડ પર, ગોંડલ રોડથી કોઠારીયા સોલવન્‍ટ રોડ, અમદાવાદ શહેરમાં ઉજાલા ચોકડીથી ચાંગોદર ચોકડી વચ્‍ચેના રોડ પરથી રાજકોટ આવતાં રસ્‍તામાં પાંચ મુસાફરોના ૧૫ હજાર, ૪૦૦, ૭૦૦, ૯૦૦ રૂપિયા ચોરી લીધા હતાં.

આ ઉપરાંત જુનાગઢથી કેશોદ જતી વખતે એક મુસાફરના રૂા. ૪૫૦૦, ગોંડલ હાઇવે શાપર પુલ પાસે ૨૬૦૦, ઉંચી-નીચી માંડલ હળવદ પાસે એક મુસાફરના ૭૫૦૦ ચોરી કરી રિક્ષાના ખર્ચમાં અને મોજ મજામાં વાપરી નાખ્‍યા હતાં. સામખીયાળી રોડ પર એક મુસાફરના ૪૦૦૦ અને બીજાના ૩૦૦ તથા મોરબી પાડા પુલ પાસે રૂા. ૩૫૦૦, રફાળા-રફાળીયા વચ્‍ચે રૂા. ૧૦૦૦, વાંકાનેર નવા પુલ પાસે એક મુસાફરના ૭૦૦૦, ટંકારા-મોરબી વચ્‍ચે એક મુસાફરના ૬૦૦૦, મોરબી નજીકથી અલગ અલગ મુસાફરોના ૮૦૦૦ અને ૧૦૦૦ તથા ૧૨૦૦ તેમજ માટેલ ગામ પાસેથી રૂા. ૬૦૦૦, ટંકારાથી ગવરીદળના રસ્‍તે એક મુસાફરના ૭૫૦૦, મોરબી બેઠા પુલ પાસે ૯૫૦૦, છએક દિવસ પહેલા મોરબી-બાવળીયાળી વચ્‍ચે એક મુસાફરના ૧૦૦૦૦ સેરવી લીધા હતાં. આ તમામ ગુના છેલ્લા દોઢેક માસની અંદર આચર્યા છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત પી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ અશોકભાઇ કલાલ, રણજીતસિંહ પઢારીયા, હેડકોન્‍સ. વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા, સુભાષભાઇ ઘોઘારી, કોૈશિકભાઇ ગઢવી, તુલસીભાઇ ચુડાસમા, રમેશભાઇ માલકીયા, સંજયભાઇ ખાખરીયા, પ્રવિણભાઇ જતાપરા, રામશીભાઇ કાળોતરાએ આ કામગીરી કરી હતી.

(4:04 PM IST)