News of Thursday, 14th November 2024
સિવિલ હોસ્પિટલમાં જીવન રક્ષક ઇન્જેક્શન અને દવાઓ ખલ્લાસઃ તંત્રવાહકોને કોંગ્રેસે ઢંઢોળ્યા-આંદોલનની ચિમકી
ડાયાબીટીસ, થેલેસેમીયા, હડકવાની દવા, ઇન્જેક્શનની અછત નિવારવા, ફાયર સેફટીના સાધનો બદલવા સહિતના મુદ્દે તબિબી અધિક્ષકને આવેદન ફોટોઃ અશોક બગથરીયા : ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, અશોકસિંહ વાઘેલા, ધરમ કાંબલીયા, કૃષ્ણદત્ત રાવલ સહિતના જોડાયા

રાજકોટ તા. ૧૪: શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી થેલેસેમિયા, ડાયાબીટીસ, હડકવાની જીવન રક્ષક દવાઓ, ઇન્જેક્શનની અછત સર્જાતાં આ મામલે તંત્રને અને સરકારના આરોગ્ય વિભાગને ઢંઢોળવા કોંગ્રેસ દ્વારા તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાને રૂબરૂ મળી રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં વિવિધ મુદ્દે આગેવાનોએ મુદ્દાસર અને વિસ્તૃત રજુઆતો કરી સત્વરે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગણી કરી રહી.
રજૂઆતમાં જણાવાયું હતું કે સિવિલ હોસ્પિટલમાં મીલીભગતથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તેમ દિવસે ને દિવસે વહિવટ કથળતો જાય છે. હંગામી સિવિલ સર્જનથી ચાલતી સોૈરાષ્ટ્રીની એક માત્ર વિવિધ સુવિધાઓ ધરાવતી સિવિલ હોસ્પિટલમાં આધુનિક સારવારમાં ઉપયોગી અનેક કિમતી સાધનો ધુળ ખાય છે. ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને અહિ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અગાઉ પણ અમે ૨૬/૯/૨૪ના રોજ આ મામલે મુદ્દાસર રજૂઆત કરી આવેદન પાઠવ્યું હતું. પરંતુ તંત્રવાહકોએ તેને ગંભીરતાથી લીધેલ નથી.
રજૂઆતમાં આગળ જણાવાયું છે કે રાજ્યના આરોગ્ય કમિશનર, મંત્રી, ધારાસભ્યો, સાંસદો સહિતના મહાનુભાવો હોસ્પિટલમાં આવતા જતાં રહે છે. પરંતુ મહત્વના દર્દીઓના હીતમાં હોય તેવા પ્રશ્નો પરત્વે તેમનું પણ ધ્યાન જતું નથી અથવા તો તેમને પણ અંધારામાં રખાય છે. હોસ્પિટલમાં હડકવાના ઇન્જેક્શન ખલ્લાસ છે, ડાયાબીટીસની દવા નથી, થેલેસેમીયાના ઇન્જેક્શન નથી તેમજ અનેક બીજી જીવન રક્ષક દવાઓની અછત રહે છે. લાખો રૂપિયાનો ખર્ચ છતાં ફાયર સેફટી સિસ્ટમ ફેઇલ ગઇ છે. જો આ તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ નહિ આવે તો હવે નાછુટકમે ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂર પડયે આક્રમક આંદોલન કરવાની ફરજ પડશે.
આવેદન પત્રમાં જણાવાયુ છે કે જે પ્રકારની દવાઓની અછત હોય, ઓપરેશનના સાધનો ઘટના હોય તે સહિતની પેન્ડીંગ બાબતોનો નિકાલ કરવો, આરોગ્ય વિભાગે પણ તાકીદે આ પ્રશ્નોનો ઉકેલ લાવવો, દવાઓ, ઇન્જેક્શન ખુટતા હોય તેનો સ્ટોક તાકીદે ઉભો કરવો, ફાયર સેફટી સહિતના પ્રશ્નોનો સત્વરે નિવડો લાવવા અમારી માંગણી છે. રજૂઆતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી એડવોકેટ અશોકસિંહ વાઘેલા, કૃષ્ણદત્ત રાવલ, ડી. પી. મકવાણા, દિતીબેન સોલંકી, ડો. ધરમ કાંબલીયા, કલ્પેશ કુંડલીયા, સંજય લાખાણી સહિતના જોડાયા હતાં.
(3:04 PM IST)










