<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

તલ્લાક લઇ ચુકેલા રેશ્‍માબેન બેલીમને પુર્વ જેઠના પુત્ર-જમાઇએ છરીના ઘા ઝીંક્‍યાઃ હત્‍યાનો પ્રયાસ

કુવાડવા રોડ ડી માર્ટ પાછળ એંસી ફુટ રોડ પરની શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં મોડી રાતે બનાવઃ ફોન કરી દરવાજો ખોલાવ્‍યો, અજાણ્‍યાએ પકડી રાખ્‍યા બીજા બેએ ઘા ઝીંક્‍યા : પતિથી છુટુ કર્યા પછી રેશ્‍માબેન સાથે રામનાથપરામાં રહેતાં કુટુંબી જેઠ મહેબુબ સમાને નિકાહ કરવા હતાં: પણ તે આગલા સંતાનોને સ્‍વીકારવા તૈયાર ન હોઇ તેણીએ ના પાડી દેતાં મહેબુબ સાથે માથાકુટ ચાલતી હતીઃ મહેબૂબના દિકરા ટીપુ અને જમાઇ સોહિલે અજાણ્‍યા સાથે આવી હીચકારો હુમલો કર્યો

જેની હત્‍યાનો પ્રયાસ થયો છે રેશ્‍માબેન હાલ જીવન મરણ વચ્‍ચે ઝોલા ખાઇ રહ્યા છે

રાજકોટ તા. ૧૪: કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ એંસી ફુટ રોડ શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં પતિથી છુટુ થયા પછી ત્રણ સંતાન સાથે રહેતી મુસ્‍લિમ મહિલાને રાતે સાડા બારેક વાગ્‍યે રામનાથપરામાં રહેતાં તેના પુર્વ કુટુંબી જેઠના છોકરા અને જમાઇએ ફોન કરી દરવાજો ખોલાવડાવી છરીના ઘા પેટ-છાતી-હાથમાં ઝીંકી દઇ હત્‍યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે. હુમલામાં ઘાયલ મહિલા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પતિ સાથે તલ્લાક થયા પછી કુટુંબી જેઠ સાથે નિકાહની વાત ચાલતી હોઇ પણ જેઠ આ મહિલાના આગલા સંતાનોને સ્‍વીકારવા તૈયાર ન હોઇ તેથી તેણે નિકાહની ના પાડી દીધી હતી. આ કારણે પુર્વ કુટુંબી જેઠ સાથે માથાકુટ ચાલતી હતી. દરમિયાન જેઠના દિકરા, જમાઇએ ઓચીંતા આવી હીચકારો હુમલો કર્યો હતો.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે હુમલામાં ઘવાયલા રેશ્‍માબેન યુનુસભાઇ બેલીમ (ઉ.વ.૩૫)ના રિક્ષાચાલક ભાણેજ ૮૦ ફુટ રોડ શહીદ ઉધમસિંહ ટાઉનશીપ બ્‍લોક નં. એફ-૬૦૩માં રહેતાં શોયેબ બોદુભાઇ સોલંકી (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી રામનાથપરામાં રહેતાં મહેબુબભાઇના દિકરા ટીપુ તથા મહેબુબભાઇના જમાઇ સાહીલ અને એક અજાણ્‍યા વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૫૪, ૧૦૯, ૧૩૫ મુજબ હત્‍યાની કોશિષનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ આદરી છે.

શોયેબ સોલંકીએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહી રિક્ષા હંકારી ગુજરાન ચલાવુ છું. મારા માતા અને પિતા મારી સાથે જ રહે છે. હું શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં એફ-૬૦૩માં રહુ છું અને મારા ઉપરના માળે મારા કુટુંબી માસી રેશ્‍માબેન યુનુસભાઇ બેલીમ (ઉ.વ.૩૫) પોતાની બે દિકરીઓ તમન્‍ના (ઉ.વ.૧૬), જીયા (ઉ.વ.૧૨) અને ૮ વર્ષના દિકરા સાથે રહે છે. તેમજ તેણી નવાગામમાં આવેલી યુનિક ફોમ નામની ગાદલા બનાવવાની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવે છે.

મારા માસી રેશ્‍માબેનના લગ્ન ૨૦૦૫માં  થયા હતાં, પણ દોઢેક વર્ષ બાદ પતિ આરીફભાઇ સમા સાથે છુટુ થઇ ગયું હતું. હાલમાં તેમના પતિ આરીફભાઇ રામનાથપરામાં અલગ રહે છે. અગાઉ મારા માસી રેશ્‍માબેન રામનાથપરામાં પતિ સાથે હુશેની ચોક અલકાબા મસ્‍જીદ સામે રહેતાં હતાં. તે વખતે કોૈટુંબીક જેઠ મહેબુબભાઇ સમા તેમના પડોશમાં જ રહેતાં હતાં. મારા માસીને તેના પતિ સાથે છુટુ થયું પછી કુટુંબી જેઠ મહેબુબને તેણી સાથે નીકાહ કરવા હતાં. પરંતુ મહેબુબભાઇ મારા માસીના સંતાનોને સ્‍વીકારવા તૈયાર ન હોઇ જેથી માસીએ નિકાહની ના કહી દેતાં તેના અને મહેબુબભાઇ વચ્‍ચે અવાર-નવાર ઝઘડા થતા હતાં. આ કારણે મારા માસીએ તેની સાથે નિકાહ નહી કરવાનો નિર્ણય કરી લીધો હતો. જેથી મહેબુબભાઇ મારા માસીને અવાર-નવાર ખાર રાખી ધમકીઓ દઇ નિકાહ કરવા દબાણ કરતાં હતાં.

સોયેબે વધુમાં જણાવ્‍યું હતું કે આજથી વિસેક દિવસ પહેલા મારા માસી રામનાથપરાના ઘરે ગયા ત્‍યારે પણ તેના જેઠ સાથે મોટો ઝઘડો થયો હતો. તે વાત મારા માસીએ મને કરી હતી. દરમિયાન બુધવારે ૧૪મીએ રાતે સાડા બારેક વાગ્‍યે હું ઘરે હતો અને સુવાની તૈયારી કરી રહ્યો હતો ત્‍યારે મારા ઘરની લોબીમાં બૂમાબૂમ થતી હોઇ હું બહાર જોવા જતાં ટોળુ ભેગુ થયેલુ હતું. મારા માસીના ઘરની બહાર આ લોકો ઉભા હતાં. હું ત્‍યાં જતાં મારા માસી લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાયેલા પડયા હતાં. આજુબાજુમાં લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતાં. માસી કણસતાં હતાં અને કંઇક કહેવાનો પ્રયાસ કરતાં હતાં. મેં શું બનાવ બન્‍યો છે? તેમ પુછતાં તેણે કહેલુ કે-મહેબૂબનો દિકરો ટીપુ અને તેનો જમાઇ સોહીલ અને અજાણ્‍યો હતાં...એટલુ તે બોલ્‍યા હતાં. તેની વિડીયોગ્રાફી પણ મેં કરી હતી. કોઇએ ૧૦૮ને જાણ કરી હોઇ ગાડી આવી જતાં અમે માસીને સિવિલ હોસ્‍પિટલે ખસેડયા હતાં.

૧૦૮માં પણ મેં મારા માસીને ફરીથી પુછતાં તેણે કહેલું કે અજાણ્‍યા શખ્‍સે મને પકડી રાખી હતી અને મહેબુબના દિકરા ટીપુ તથા જમાઇ સોહીલે છરીના ઘા પેટ, છાતીના ભાગે માર્યા હતાં. આ બંનેને મારા માસી સાથે શું દુશ્‍મનાવટ છે તેની મને ખબર નથી. માસીને તેના કુટુંબી જેઠ મહેબુબ સાથે માથાકુટ હતી તે ખબર છે.  ડોક્‍ટરે તપાસ કરતાં મારા માસીને કોઇ ધારદાર હથીયારથી ડાબા હાથની કોણી નીચે એક ઘા, પેટના ભાગે બે ઘા અને છાતીના ભાગે એક ઘા મારી દેવાયાનું જણાયું હતુ. તેમની હાલત નાજુક છે. પીઆઇ એસ. એસ. રાણે, રાઇટર હીરાભાઇ રબારીએ હત્‍યાની કોશિષનો ગુનો નોંધી  આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સોયેબે વધુમાં જણાવ્‍યું હતું કે રાતે માસી રેશ્‍માબેનનો ઘરનો દરવાજો બંધ હતો. હુમલાખોરે ત્‍યાં પહોંચી ફોન કરી દરવાજો ખોલાવ્‍યો હતો અને ઓચીંતો જ હુમલો કરી દીધો હતો. (૧૪.૯)

સિવિલ હોસ્‍પિટલના તબિબોની ભારે જહેમતઃ કલાકો ઓપરેશન ચાલ્‍યું

ઞ્જ હુમલામાં ગંભીર રીતે ઘાયલ રેશ્‍માબેનને છરીના ઘા ઝીંકાતા આંતરડુ બહાર નીકળી ગયું હતું. મોડી રાતે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં તુરત જ સર્જરી વિભાગના તબિબો તેણીનો જીવ બચાવવા કામે લાગી ગયા હતાં. મોડી રાતે શરૂ થયેલુ ઓપરેશન મોડી સવાર સુધી ચાલ્‍યું હતું. હાલ રેશ્‍માબેન સુપર સ્‍પેશિયાલીટી વિભાગમાં સારવાર હેઠળ છે.

હુમલાખોરોના સગા હોસ્‍પિટલે પણ આવતાં પોલીસ બોલાવાઇ

ઞ્જ હુમલામાં ઘાયલ રેશ્‍માબેન બેલીમના ભાણેજ સહિતના સગાએ કહ્યું હતું કે હુમલાખોરોના સગા એવા કેટલાક શખ્‍સો હુમલા બાદ રેશ્‍માબેનને હોસ્‍પિટલે ખસેડાયા ત્‍યારે હોસ્‍પિટલે પણ તપાસ કરવા કે પછી ડખ્‍ખો કરવા પાછળ આવ્‍યા હતાં. આથી અમે પોલીસને જાણ કરતાં ગાડી આવી જતાં આ શખ્‍સો ભાગી ગયા હતાં.

(3:00 PM IST)