<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

દોશી હોસ્‍પિટલ પાસે હોટેલ સંચાલકના ટુવ્‍હીલરની ડેકી તોડી ૩ લાખની ઉઠાંતરી

ડેકી તોડી ચોરી કરતાં ગઠીયા ફરીથી સક્રિય થયાઃ ધોળે દિવસે બનાવ " કાલાવડ રોડ નકલંક હોટેલવાળા મુન્‍નાભાઇ શિરોડીયા સગાની ખબર કાઢવા ગયા હતાં: પેમેન્‍ટ કરવાનું હોઇ બેંકમાંથી રોકડ ઉપાડી હતીઃ ટુવ્‍હીલર પર હેલ્‍મેટ પહેરીને આવેલા બે ગઠીયા સીસીટીવીમાં કેદ થયાઃ માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી

રાજકોટ તા. ૧૫: શહેરમાં ટુવ્‍હીલરની ડેકી તોડી કે કારના કાચ તોડી ચોરી કરતાં ચોર ગઠીયા ફરીથી સક્રિય થયા છે. આજે ધોળે દિવસે એચ. જે. દોશી હોસ્‍પિટલ નજીક પાર્ક કરાયેલા ટુવ્‍હીલરની  ડેકી તોડી બે ગઠીયા ૩ લાખની રોકડ ચોરી ભાગી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ બંને ગઠીયા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

જાણવા મળ્‍યા મુજબ દોઢસો ફુટ રીંગ રોડ પર મોમાઇ હોટેલ પાછળ ગોવર્ધન ચોકમાં રહેતાં અને કાલાવડ રોડ સ્‍વામીનારાયણ મંદિર સામે નકલંક હોટેલ ચલાવતાં મુન્‍નાભાઇ સવાભાઇ શીરોડીયા  પોતાના એક્‍સેસમાં ંત્રણ લાખની રોકડ રાખી એચ. જે. દોશી હોસ્‍પિટલ ખાતે દાખલ સગાની ખબર કાઢવા ગયા હતાં. હોસ્‍પિટલ બહાર પોતાનું વાહન પાર્ક કરી અંદર ગયા હતાં. પરત આવ્‍યા ત્‍યારે ડેકી તૂટેલી હતી અને અંદરથી ૩ લાખની રોકડ ગાયબ હતી.

સીસીટીવી કેમેરા ચેક કરતાં બે ગઠીયા હેલ્‍મેટ પહેરી એક્‍ટીવા પર આવતાં અને ડેકી તોડી રોકડ લઇ ભાગી જતાં દેખાયા હતાં. મુન્‍નાભાઇને પેમેન્‍ટ કરવાનું હોઇ સવારે જ બેંકમાંથી આ રોકડ ઉપાડી હતી અને પોતાના એક્‍સેસની ડેકીમાં રાખી સગાની ખબર કાઢવા ગયા હતાં. ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. માલવીયાનગર પોલીસને જાણ થતાં સીસીટીવી ફૂટેજે આધારે તપાસ થઇ રહી છે. (૧૪.૧૨)

(3:33 PM IST)