News of Thursday, 14th November 2024
સાંઢીયા પુલ ડીમોલેશન આડે હજી ૩૦ દી': ટ્રાફીક વકરશે
ટ્રેન પસાર ન થવાની હોય તેવા સમયે જ તોડી શકાય તેમ હોય જુના પુલનો સેન્ટ્રલ પોર્શને તોડવામાં ભારે વિલંબ થશેઃ ભોમેશ્વર તરફનો પુલ તોડવાનું હજુ બાકીઃ બજરંગવાડી તરફનો પુરો ભાગ દૂર થતા ત્યાં નવા બ્રિજનું કામ શરૂ

રાજકોટ તા.૧૪: મનપા દ્વારા જામનગર રોડ ઉપરનો ૫૦ વર્ષથી વધુ જુનો સાંઢીયો પુલ તોડી તેના સ્થાને નવો ફોર લેન ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યો છે, દરમિયાન હાલ સાંઢીયો પુલ તોડવાની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત બ્રિજનો રેલવે ટ્રેકની બરાબર ઉપરનો મધ્ય હિસ્સો ડાયમંડ કટરથી તોડવાનું ચાલુ છે, આજ સુધીમાં જુના પુલનો ૭૦ ટકા હિસ્સો તોડી પડાયો છે અને હવે બાકી રહેતો ૩૦ ટકા હિસ્સો તોડવામાં મહાપાલિકા તંત્રને હજુ ૩૦ દિવસ લાગશે.
સાંઢીયા પુલના સ્થાને નિર્માણ થનારા ફોર લેન બ્રિજની કુલ લંબાઇ ૬૦૨.૯૦ મીટર તથા કુલ પહોળાઇ ૧૬.૪૦ મીટર થશે. જેમા બન્ને તરફ ૭.૫૦ મીટર પહોળાઇના કેરેજ વે બનશે અને સેન્ટ્રલ મિડિયમની પહોળાઇ ૦.૫૦ મીટર રહેશે. નવા બ્રિજ નિર્માણનો કુલ ખર્ચ રૂ.૭૫ કરોડથી વધુ થશે. સાંઢિયો પુલ તોડવાની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી હોય આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર કાળજાળ થયા હતા અને કામની ઝડપ વધારવા માટે ઇજનેરોને આદેશ કર્યો હતો.
દરમિયાન સ્ટેન્ડિંગ ચેરમેનની સાઇટ વિઝીટ વેળાએ સ્થળ ઉપર ઉપસ્થિત રહેલા કોન્ટ્રાક્ટર એજન્સીના સ્ટાફને પણ સ્ટાફ તેમજ કામની ઝડપ વધારવા માટે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાકીદ કરાઇ હતી ત્યારબાદ કામની ઝડપ વધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત વિસ્તારમાં સાંઢીયા પુલના કામે ભોમેશ્વર ફાટકથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હોય ભોમેશ્વરથી બજરંગવાડી તરફના વિસ્તારમાં પિક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યાથી વાહનચાલકો તેમજ વિસ્તારવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, હજુ આ બ્રિજ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય શરૂ થયું છે ત્યારે પ્રોજેક્ટ સમયસર ચાલશે તો પૂર્ણ થતા ૧૮ મહિના લાગશે અને અન્ય બ્રિજ પ્રોજેક્ટની જેમ વિલંબિત થશે તો વધુ સમય લાગશે આવા સંજોગોમાં ટ્રાફિક સમસ્યા વધુ વકરશે
(3:45 PM IST)










