<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

બામણબોરના પત્રકાર બાબુભાઇ ડાભી પર માંડા ડુંગર પાસે પ્રતિક ચંદારાણાનો સળીયાથી હુમલો

આજીડેમ પોલીસે ગુનો નોંધ્‍યોઃ બાબુભાઇ બામણબોર પંથકમાં સેવાભાવી, જાગૃત નાગરિક તરીકે જાણીતાઃ તેમણે કહ્યું-અગાઉ નકલી ડોક્‍ટરનો તોડ કરવા પ્રતિક પ્રેસના નામે પહોંચ્‍યો ત્‍યારે મેં પોલીસને જાણ કરી દીધી હોઇ તેનો ખાર રાખ્‍યો હતો :સમુહ લગ્નની કંકોત્રી વિતરણ કરવા, પોસ્‍ટર લગાડવા કાર લઇને નીકળેલા બાબુભાઇ આજીડેમ ચોકડીએ સમુહલગ્નના પોસ્‍ટર લગાવતા હતાં ત્‍યારે નામીચો પ્રતિક ચંદરાણા જોઇ જતાં એક્‍ટીવાથી પીછો કરી કાર આંતરીને તૂટી પડયો

રાજકોટ તા. ૧૫: તાલુકાના બામણબોર ગામે રહેતાં અને સેવાભાવી આગેવાન, જાગૃત નાગરિકની સમગ્ર પંથકમાં સારી છાપ ધરાવતાં અને પત્રકાર તરીકે ઓળખાતા બાબુભાઇ રવજીભાઇ ડાભી (ઉ.વ.૪૯) પર રાતે રાજકોટના ભાવનગર રોડ પર માંડા ડુંગર પાસે અગાઉ ડઝનેક ગુનાઓમાં સંડોવાઇ ચુકેલા શખ્‍સ પ્રતિક ચંદારાણાએ લોખંડના સળીયાથી હુમલો કરી હાથ-પગમાં બેફામ ઘા ફટમારી ગંભીર ઇજા પહોંચાડતાં બાબુભાઇ લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે દાખલ કરાયા છે. થોડા મહિના પહેલા બામણબોરમાં એક ડીગ્રી વગરના ડોક્‍ટર પાસે પ્રતિક સહિતના શખ્‍સો પ્રેસના નામે તોડ કરવા આવતાં તેની જાણ બાબુભાઇએ પોલીસને કરી દીધી હોઇ આ લોકો તેના મનસુબામાં સફળ ન થતાં ત્‍યારથી તે ખાર રાખીને ફરતો હતો અને ગત રાતે બાબુભાઇની કારને આંતરી સળીયાથી તૂટી પડયો હતો.

જાણવા મળ્‍યા મુજબ બામણબોર રહેતાં બાબુભાઇ ડાભી સાંજે આજીડેમ ચોકડી થઇ કાળીપાટ જવા નીકળ્‍યા ત્‍યારે માંડા ડુંગર પાસે એકટીવા પર આવેલા પ્રતિક ચંદારાણાએ તેમને આંતરી ત્‍યાં લોખંડના સળીયાથી હુમલો કરી હાથ, પગમાં આડેધડ ઘા ફટકારતાં દેકારો મચી ગયો હતો. હુમલાને કારણે બાબુલાલ લોહીલુહાણ થઇ ગયા હતાં. તેમણે દેકારો મચાવતાં નજીકની હોટેલથી લોકો દોડી આવ્‍યા હતાં. બાબુભાઇને ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જયદિપસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

આજીડેમ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ એસ. આર. ચુડાસમાએ હોસ્‍પિટલે પહોંચી બાબુભાઇ ડાભીની ફરિયાદ પરથી પ્રતિક ચંદારાણા વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો હતો. બાબુભાઇએ હોસ્‍પિટલના બિછાનેથી જણાવ્‍યું હતું કે હું બામણબોર રહુ છું અને ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીનું કામ કરવાની સાથે પત્રકાર તરીકે પણ અલગ અલગ સમાચાર માધ્‍યમોમાં સેવા આપુ છું. બે મહિના બાદ અમારા ગામમાં સમુહલગ્ન યોજાયાના હોઇ અને સાથે લોકડાયરો પણ રાખવામાં આવ્‍યો હોઇ તેની કંકોત્રી આપવા હું કાળીપાટ જવા માટે મારી સ્‍વીફટ કાર લઇને સાંજે નીકળ્‍યો હતો.

રાજકોટ આજીડેમ ચોકડીએ પહોંચી મેં સમુહલગ્નને લગતા પોસ્‍ટર ત્‍યાં ચીપકાવ્‍યા હતાં. એ પછી હું કાળીપાટ તરફ જવા મારી કારમાં રવાના થયો હતો. આજીડેમ ચોકડીએ હું હતો ત્‍યારે પ્રતિક ચંદારાણા મને જોઇ ગયો હોઇ તે મારી પાછળ પાછળ એક્‍ટીવા લઇને આવ્‍યો હતો અને માંડા ડુંગર પાસે હું પહોચ્‍યો ત્‍યારે પ્રતિક એક્‍ટીવા પર આવ્‍યો હતો અને મને આંતરીને કારમાંથી ઉતારી ગાળો દઇ લોખંડના સળીયાથી હુમલો કરી હાથ, પગમાં આડેધડ ઘા ફટકારતાં હું લોહીલુહાણ થઇ પડી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં પ્રતિક ભાગી ગયો હતો. બાદમાં ૧૦૮ બોલાવી હું સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો.

હુમલાનું કારણ જણાવતાં બાબુભાઇ ડાભીએ કહ્યું હતું કે અમારા ગામમાં બે મહિના પહેલા કોઇ રાજુભાઇ નામના શખ્‍સે ડીગ્રી વગર દવાખાનુ ચાલુ કર્યુ હતું. આ અંગે જાગૃત નાગરિક તરીકે મેં પોલીસને જાણ કરવા તજવીજ કરી હતી. એ વખતે જ રાજકોટથી પ્રતિક ચંદારાણા સહિતના શખ્‍સો ગાડી લઇને આ કહેવાતા ડોક્‍ટરના દવાખાને પહોંચી ગયા હતાં. જ્‍યાં પ્રતિકે પોતે પ્રેસમાં છે તેમ કહી ઓળખકાર્ડ પણ બતાવ્‍યું હતું અને નકલી ડોક્‍ટરનો તોડ કરવા પ્રયાસ કર્યો હતો. આની જાણ મને થતાં મેં તુરત જ પોલીસને જાણ કરી હતી અને પ્રતિક સહિતનાને તેના મનસુબામાં સફળ થવા દીધા નહોતાં. આ બાબતની જાણ પ્રતિકને થઇ જતાં ત્‍યારથી તેને મારી સાથે મનદુઃખ થયું હતું અને મારા પર તે ખાર રાખીને ફરતો હતો. ગુરૂવારે સાંજે હું આજીડેમ ચોકડીએ સમુહલગ્ન, લોકડાયરાના પોસ્‍ટર લગાવતો હતો ત્‍યારે તે મને જોઇ જતાં બાદમાં પીછો કરી એકાંત વાળી જગ્‍યા માંડાડુંગર પાસે આવતાં જ મને આંતરીને હુમલો કર્યો હતો.

આજીડેમ પોલીસે ગુનો દાખલ કરી પ્રતિકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. પ્રતિક અનેક ગુનાઓમાં અગાઉ સંડોવાઇ ચુક્‍યો છે અને છેલ્લે પણ હત્‍યાના પ્રયાસમાં એલસીબીએ પકડયો હતો.

 

(12:16 PM IST)