<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

૩૩ વર્ષના જીનેશ ઠક્કરનું બોક્‍સ ક્રિકેટ રમીને આવ્‍યા બાદ હાર્ટએટેકથી મૃત્‍યુ

રૈયાધાર-રૈયામાં હૃદય ધબકારા ચુકવી જવાની બે ઘટનામાં બે પરિવારે આધારસ્‍તંભ ગુમાવ્‍યા : રૈયાધાર સનસીટી એન્‍કલેવમાં બનાવઃ બીજા બનાવમાં રૈયા ગામના ૩૮ વર્ષના કરસનભાઇ ઝાપડા ઘરે ઢળી પડયાઃ બંને યુવાને સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૫: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાઓ યથાવત રહી છે. આવા વધુ બે બનાવમાં બે યુવાનના શ્વાસ થંભી જતાં પરિવારજનોમાં કલ્‍પાં૦ત સર્જાયો હતો. બંને યુવાનો પોતાના પરિવારનો આધારસ્‍તંભ હતાં. રૈયા વિસ્‍તારમાં આ બંને ઘટના બની હતી. જેમાં ૩૩ વર્ષનો યુવાન ક્રિકેટ રમીને આવ્‍યા બાદ બેભાન થઇ જતાં અને ૩૮ વર્ષનો યુવાન રાતે ઘરે હતો ત્‍યારે અચાનક છાતીમાં દબાણ થયા બાદ બેભાન થઇ જતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ રૈયાધાર શાંતિનગર નજીક આવેલા સનીસીટી એન્‍કલેવ એપાર્ટમેન્‍ટ ૪૦૩માં રહેતો જીનેશભાઇ અતુલભાઇ ઠક્કર (ઉ.વ.૩૩) નામનો યુવાન રાતે સાડા બારેક વાગ્‍યે ઘરે એકાએક બેભાન જેવો થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સારવાર દરમિયાન મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. જીજ્ઞેશભાઇ પ્રાઇવેટ નોકરી કરતો હતો અને એક બહેનથી મોટો હતો. તેના પિતા હયાત નથી. તે માતા, બહેનનો એકનો એક આધારસ્‍તંભ હતો. રાતે મિત્રો સાથે બોક્‍સ ક્રિકેટ રમવા ગયો હતો. રમીને ઘરે આવ્‍યા બાદ એકાએક હૃદયમાં તકલીફ થઇ હતી અને બેભાન થઇ ગયા બાદ હોસ્‍પિટલમાં દમ તોડયો હતો. જીજ્ઞેશભાઇ એ લોહાણા વેપારી અગ્રણી દિપકભાઇ મદલાણીના ભત્રીજા થાય છે.

બીજા બનાવમાં રૈયા ગામમાં ખોડિયાર મંદિર પાસે રહેતાં કરસનભાઇ મશરૂભાઇ ઝાપડા (ઉ.વ.૩૮) નામના યુવાનને રાતે અગિયારેક વાગ્‍યે છાતીમાં દબાણ થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. મૃત્‍યુ પામનાર કરસનભાઇ છુટક મજૂરી કરતો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. તેના પિતા હયાત નથી. પોતે ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો હતો. બંને બનાવમાં હાર્ટએટેક હોવાનું તબિબી તપાસમાં ખુલ્‍યું હતું.

મનહરપરાના ૩૪ વર્ષના ધર્મેશ ચાવડાનું બેભાન હાલતમાં મૃત્‍યુ

ત્રીજા બનાવમાં ભાવનગર રોડ પર મનહરપરા-૭માં રહેતો ધર્મેશભાઇ ચમનભાઇ ચાવડા (ઉ.વ.૩૪) નામનો યુવાન ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડી દીધો હતો. તે બે ભાઇમાં મોટો અને કુંવારો હતો. કિડની લીવરની બિમારી હોઇ કામ કરી શકતો નહોતો. યુવાન દિકરાના મૃત્‍યુથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ચોથા એક બનાવમાં ગોંડલ રોડ પર સદ્દભાવના વૃધ્‍ધાશ્રમમાં રહેતાં બાલુબેન શંકરભાઇ ઠાકોર (ઉ.વ.૬૯) બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજ્‍યું હતું. ચારેય બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જયદિપસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે યુનિવર્સિટી પોલીસ, માલવીયાનગર અને થોરાળા પોલીસને જાણ કરી હતી.

(11:21 AM IST)