તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
ઋષિકેશ પાર્કમાં થયેલી ૬.૨૫ લાખની ચોરી ખડધોરાજીના શીવા વાજેલીયાએ કરી'તીઃ તમામ મુદ્દામાલ સાથે દબોચાયો
યુનિવર્સિટી રોડ પર રહેતાં આર્કિટેક્ટ યુવાન દિકરીને દાખલ કરી હોઇ હોસ્પિટલમાં હતાં ત્યારે રેઢા ઘરમાં હાથફેરો થયો હતો :એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમ તથા યુનિવર્સિટી પોલીસની ટીમે દબોચી લીધોઃ સાંજે રાજકોટ આવી ગમે ત્યાં છુપાઇ જતો, મોડી રાતે રેકી કરી બંધ મકાનમાં ત્રાટકતોઃ અગાઉ ચોરીના સાત મળી નવ ગુનાઓમાં સંડોવણી : ગત ફેબ્રુઆરીમાં પરાસર પાર્ક સહિત સાત સ્થળે ચોરીમાં એલસીબી ઝોન-૨એ પકડયો હતોઃ જેલમાંથી છુટી ફરી ચોરીના રવાડે ચડયો

રાજકોટ તા. ૧૫: શહેરના યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલ પાછળ આવેલા ઋષીકેશ પાર્ક-૨માં રહેતાં આર્કિટેક્ટ અક્ષયભાઇ મગનભાઇ મુંગરાના એક રાત માટે બંધ રહેલા ઘરમાં ૬.૨૫ લાખની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં એલસીબી ઝોન-૨ ટીમ અને યુનિવર્સિટી પોલીસની ટીમે ઉકેલી રીઢા તસ્કરની છાપ ધરાવતાં કાલાવડના ખડધોરાજી ગામના રિક્ષાચાલક શીવા જેરામભાઇ વાજેલીયા (ઉ.વ.૪૫)ને દબોચી લઇ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઋષિકેશ પાર્કમાં રહેતાં અક્ષયભાઇ મુંગરાની દિકરીની તબીયત સારી ન હોઇ એઇમ્સ હોસ્પિટલમાં તેણીને બતાવવા ગયા ત્યારે ડોક્ટરે દિકરીને દાખલ કરવાનું કહેતાં અક્ષયભાઇ અને તેમના પત્નિ એક રાત હોસ્પિટલમાં રોકાયા હતાં. ગત અગીયારમીની રાતે તેમનું ઘર રેઢુ પડયું હોઇ તેમાં ચોરી થઇ હતી. જેમાં રોકડ, દાગીના સહિત સવા છ લાખની માલમત્તા ચોરાઇ ગઇ હતી. ગુનાનો ભેદ ઉકેલવા યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-૨ ટીમે સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન બે સેકન્ડના એક સ્થળે ફૂટેજ મળતાં જ પીએસઆઇ આર. એચ. ઝાલાની ટીમ આ તસ્કર બીજો કોઇ નહિ પણ ગત ફેબ્રુઆરીમાં જ રાજકોટના પરાસર પાર્ક સહિત છ સ્થળે ચોરીઓ કરવામાં પકડાયેલો ખડધોરાજીનો શીવા વાજેલીયા હોવાનું ઓળખી જતાં ટીમ ત્યાં પહોંચી હતી અને તેને ઉઠાવી લીધો હતો.
શીવા પાસેથી પોલીસે સોનાના દાગીના જેમાં ચેઇન, કઇડા, વીટી, પેન્ડલ, કાનની બુટી, ચાંદીના નજરીયા, સોનાનું બ્રેસલેટ, ચાંદીની બંગડી, સોનાનું મંગલસુત્ર, જેન્ટસની સોનાની વીંટી તેમજ ચાંદીના અન્ય દાગીના, રોકડા રૂા. ૪૦૫૧૦, બે મોબાઇલ ફોન, તાળા તોડવા માટેનું પક્કડ સહિત રૂા. ૫,૧૮,૦૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
શીવો વાજેલીયા રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. પણ આર્થિક ભીંસ દૂર કરવા તે ચોરીઓના રવાડે ચડયો હતો અને એ પછી રાજકોટમાં ચોરીઓના સાત ગુના આચરી લીધા હતાં. જેમાં ગત ફેબ્રુઆરીમાં તેને એલસીબી ઝોન-૨ ટીમે પકડી લીધો હતો. એ પછી જેલમાં ગયો હતો. છુટીને ફરી ચોરીઓના રવાડે ચડયો હતો. ચોરીના સાત, દારૂ અને જાહેરનામા ભંગના બે મળી નવ ગુનામાં તે અગાઉ સંડોવાયો હતો.
શીવો રિક્ષા લઇ સાંજના સમયે રાજકોટ આવતો હતો અને ગમે ત્યાં રોકાઇ મોડી રાતે રેકી કરી જે મકાન બંધ મળે તેમાં ત્રાટકતો હતો. આ વખતે તે ખાનગી વાહન મારફત રાજકોટ આવ્યો હતો અને રાતે ઋષીકેશ પાર્કમાં બંધ મકાનમાં ત્રાટકી ચોરી કરી કાલાવડ રોડ પરથી કોઇ વાહન મારફત પોતાના ગામ જતો રહ્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ઇન્ચાર્જ ડીસીપી પૂજા યાદવ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં આ કામગીરી એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ રાણા તથા યુનિવર્સિટી પોલીસના પીએસઆઇ ડી. બી. કારેથા, એએસઆઇ જે. એન. ખટાણા, હેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(11:51 AM IST)










