તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
કુવાડવા રોડ પર અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનનું બાઇક ચોરાઇ ગયું!
ઘટના બાદ વાહન સ્થળ પર જ હતું: બાદમાં લેવા જતાં ગાયબ હતું: મૃતક રોહન પરમારના કાકા દિપકભાઇએ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૧૫: કુવાડવા રોડ પર દિવેલીયા પરાના પુલ પાસે વાહન અકસ્માત બાદ સ્થળપર પડેલુ મૃતક યુવાનનું બાઇક કોઇ અજાણ્યો શખ્સ ચોરી જતા બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ભાવનગર રોડ પર કુબલીપારા શેરી નં. ૫ માં રહેતા દિપકભાઇ રામજીભાઇ પરમાર (ઉ.વ. ૪૦) એ બી. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે ડ્રાઇવીંગ કરે છે. ગત તા. ૨ ના રોજ રાત્રે પોતે ઘરે હતા. ત્યારે બાજુમાં રહેતા બનેવી નિલેશભાઇનો ફોન આવેલ તેણે કહેલ કે કુવાડવા રોડ મેંગો માર્કેટ આગળ દિવેલીયા પુલ ઉપર ડીવાઇડર પાસે તમારા ભત્રીજા રોહનનું અકસ્માત થયુ છે તેનું બાઇક પડેલુ છે. તેમ વાત કરતા પોતે તુરત જ ત્યાં જતા ભત્રીજો રોહન તેના મિત્ર સાથે બાઇક લઇને ફરવા ગયો હતો. ત્યારે કુવાડવા તરફ જતી વખતે બાઇક સ્લીપ થતા ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં બાઇક ત્યાં પડેલુ હતું અને રોહન તથા તેના મિત્રને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં રોહનનું મૃત્યુ નિપજયુ હતું. તેનું બાઇક સ્થળપર પડયુ હોઇ પોલીસે ઘટના સ્થળેથી બાઇક લઇ લેવા માટે કહયું હતું પોતે હોસ્પિટલના કામમાં વ્યસ્ત હોવાથી બાઇક લેવા જઇ શકયા ન હતા. બાદ તા. ૪ ના રોજ રોહનનું જી.જે. ૩- જે.એમ. ૫૯૦ નંબરનું બાઇક લેવા જતા બાઇક ત્યાં જોવા ન મળતા પોતે શોધખોળ કરતા બાઇક પોતે તા. ૧૩ ના રોજ ઇ-એફઆઇઆર કરાવી હતી બાઇક મળી ન આવતા પોતે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. બી.એસ. પરમારે તપાસ હાથ ધરી છે. (૩.૧૪)
(2:51 PM IST)










