<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

આજે બાળકોના ગાંધી ગિજુભાઈ બધેકાનો જન્‍મદિન

રાજકોટ : ગિજુભાઈનો જન્‍મ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલ વળા ગામે થયો હતો. તારીખ હતી ૧૫, નવેમ્‍બર-૧૮૮૫. ગિરજાશંકર ભગવાનજીભાઈ બધેકા જેને આપણે ગિજુભાઈ બધેકા તરીકે જાણીએ છીએ. ગિજુભાઈ બધેકાના પિતા ભગવાનજીભાઈ બધેકા પોતે વલ્લભીપુરમાં વકીલ હતા અને પિતાની જેમ ગિજુભાઈ પણ વકીલ થયા. એ સમયે પૂર્વ પ્રાથમિકનો યુગ નહતો. આથી ગિજુભાઈનો પણ છ વર્ષે વળાની પ્રાથમિક શાળામાં પ્રવેશ થયો અને ગિજુભાઈનું પ્રાથમિક શિક્ષણ વળા ખાતે પૂરું થયું. ગાંધીજીએ જેને મુછાળી મા તરીકે ઓળખાવ્‍યા અને કાકા કાલેલકરે જેને બાલ સાહિત્‍યના બ્રહ્મા કહ્યા તે ગિજુભાઈએ બાળકોના ગાંધી બની ગુજરાતના અને ભારતના શિક્ષણને નવી દિશા આપી હતી.

ગિજુભાઈએ અભ્‍યાસ અને નોકરી માટે વિવિધ સ્‍થળે પોતાનું રહેઠાણ બનાવ્‍યું. દરેક સ્‍થળેથી તેઓ કશુંક નવું શિખતા, જેમ કે ભાવનગરમાં મામા પાસેથી તેઓ જીવનના કેટલાંક પાઠ શીખે છે, જેમ કે જીવન પ્રત્‍યેનો દૃષ્ટિકોણ, ઈમાનદારી, સરળતા, વિદ્વતા, મહેનત કરવાની ભાવના અને મજબૂત ચારિત્ર્ય. આ બધા સંસ્‍કારની અસર ગિજુભાઈના જીવનકાર્યમાં સતત જોવા મળી છે. ગિજુભાઈ ખૂબ સારા વાચક હતા. યુવાન ગિજુભાઈ બેંજામિન ફ્રેંકલિન, ગૈરીબાલ્‍ડી, મૈરી કોરેલી, મણિલાલ નભુભાઈ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કલાપીને ખૂબ વાંચતાં હતા. તેઓને કવિતા વાંચવાનો ભારે શોખ હતો. ગિજુભાઈ પાસે સરળતાથી મિત્રો બનાવવાની આવડત હતી. આફ્રિકાના રોકાણ દરમિયાન ગિજુભાઈએ સમાન વિચારધારા વાળા મિત્રો સાથે મળીને સાહિત્‍ય ક્‍લબ શરૂ કર્યું હતું. વાંચન, લેખન, ચર્ચા કરવી, ભાષણ આપવું જેવી પ્રવળત્તિઓ આ ક્‍લબ મારફત કરવામાં આવતી હતી. ગિજુભાઈને પ્રવાસ અને ભૂગોળમાં ખૂબ રસ હતો, તેના વિકાસની ભરપૂર તક આફ્રિકામાં મળી હતી. બોમ્‍બેના એક વર્ષના અભ્‍યાસ દરમિયાન રામનારાયણ પાઠક, મહાદેવભાઇ દેસાઇ, કલાગુરુ રવિશંકર રાવલ જેવા મિત્રો સાથે અવારનવાર મળવાનું બનતું હતું. ગિજુભાઈએ કાનૂની પુસ્‍તકોના અભ્‍યાસની સાથે સાથે સાહિત્‍યના પુસ્‍તકો વાંચવાનું પણ ચાલુ રાખ્‍યું હતું. વઢવાણ કેમ્‍પ ખાતે વકીલાત કરવાનું નક્કી કર્યું, તે સમયે વઢવાણમાં અમળતલાલ શેઠ, પોપટલાલ ચૂડગર, મોહનલાલ બેરિસ્‍ટર, મણિભાઈ કોઠારી જેવા ખૂબ લબ્‍ધ પ્રતિષ્ઠિત વકીલ પ્રક્‍ટિશ કરતા હતા. ગિજુભાઈએ અમળતલાલ શેઠ અને પોપટલાલ ચૂડગર સાથે ભાગીદારીમાં પ્રેક્‍ટિસ શરૂ કરી હતી, અને વકીલ બની ગયા. પણ અહીંથી એક નવો મોડ આવે છે, જે તેઓને શિક્ષણ તરફ દોરી જાય છે.

 ઇ. સ.૧૯૧૩ માં ગિજુભાઈને ઘરે પુત્રનો જન્‍મ થાય છે. દીકરા નરેન્‍દ્રના જન્‍મથી ગિજુભાઈની ભૂમિકા જ બદલાઈ ગઈ. એ દિવસોમાં શિક્ષણ સમગ્રપણે શિક્ષક કેન્‍દ્રી હતું. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમ-ની માન્‍યતામાં રાચતો સમાજ હતો. મોટાભાગે ધુડી નિશાળોમાં અંકગણિત અને લિપિલેખન સિવાય કશું શીખવવામાં નહોતું આવતું. તે સમયે બાળકોના શિક્ષણ પ્રત્‍યે જે ઉપદેશાત્‍મક, અવૈજ્ઞાનિક, અવ્‍યવહારુ અને ખૂબ રૂઢિચુસ્‍ત વલણ અપનાવવામાં આવતું હતું, તેનાથી ગિજુભાઈ ખૂબ દુઃખી થયા હતા. ગિજુભાઈએ પોતાના વિદ્યાર્થીકાળ દરમિયાન આ બધી સમસ્‍યાઓનો પ્રત્‍યક્ષ અનુભવ કર્યો હતો.

૩૬ વર્ષની વયે વકીલાત છોડી વર્ષ ૧૯૧૬માં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સહાયક વોર્ડન બન્‍યા. ગિજુભાઈ પૂરો સમય છાત્રાલયમાં પસાર કરવા લાગ્‍યા અને કાનૂની પુસ્‍તકોની જગ્‍યા હવે મનોવિજ્ઞાન અને શિક્ષણના પુસ્‍તકો લેવા લાગ્‍યા હતા. નાનાભાઈ અને ગિજુભાઈએ જોયું કે છાત્રાલય બાળકોને જે વાતાવરણ પૂરું પાડે છે તેનાથી વિપરીત વાતાવરણ શાળાઓમાં જોવા મળે છે. શાળાઓ હજુ પારંપરિક શિક્ષણ પ્રણાલીમાંથી બહાર આવી ન હતી. આથી છાત્રાલય અને શાળા વચ્‍ચે મેળ ખાતો નહતો. તો પછી પ્રાથમિક શાળા કેમ શરૂ ન કરવી ? પહેલી જૂન, ૧૯૧૮ માં ‘કુમાર મંદિર' નામે ધોરણ ૧ થી ૫ ની પ્રાથમિક શાળા સારું કરવામાં આવી. તેના આચાર્ય હતા-ગિજુભાઈ ભગવાનજીભાઈ બધેકા. આ શાળા ગિજુભાઈના પ્રયોગની પ્રથમ શાળા બની. જેમ જેમ ધોરણ વધતાં ગયા તેમ તેમ વિનય મંદિર નામે હાઇસ્‍કૂલ પણ શરૂ કરવામાં આવી. શાળાને ‘મંદિર' નામ આપવું પણ કેટલું બધુ સાર્થક લાગે છે !!! ગિજુભાઈએ આચરે તે આચાર્યની વાત પ્રથમ પોતાના જીવનના આચરણ દ્વારા સાબિત કરી બતાવી.

દક્ષિણામૂર્તિ બાલમંદિરના સંચાલન દરમિયાન ગિજુભાઈ જોઈ શકયા કે જે પ્રકારનું શિક્ષણ તે બાળકોને આપવા ઈચ્‍છે તેને આગળ ધપાવવા માટે તાલીમબદ્ધ શિક્ષકોની જરૂર પડશે. આથી ઇ. સ.૧૯૨૫ માં દક્ષિણામૂર્તિ બાલઅધ્‍યાપન મંદિરની સ્‍થાપના કરવામાં આવી. સમાન વિચારધારા લોકો સુધી પોતાની વાત પહોંચાડવા અને બાળકોના શિક્ષણ પ્રત્‍યે વ્‍યાપક રુચિ પેદા કરવા દક્ષિણામૂર્તિ ખાતે મોન્‍ટેસરી સંમેલન યોજવામાં આવ્‍યું. સંમેલનનું સમાપન નૂતન બાલ શિક્ષણ સંઘની સ્‍થાપનાથી થયું, જેથી આ કામને આગળ વધારી શકાય. પોતાના કામને લોકો સુધી પહોંચાડવા માટે માસિક ગુજરાતી પત્રિકા ‘શિક્ષણ પત્રિકા' પ્રકાશિત કરવાનું નક્કી થયું. ગિજુભાઈ અને તારાબેન મોડક શિક્ષણ પત્રિકાના સંપાદક હતા.

ઉપરાંત, ગિજુભાઈએ પોતે જ બાળસાહિત્‍યમાં મોટું યોગદાન આપ્‍યું છે. બાલવાર્તા, બાલગીત, સાહસિક પ્રવાસ વાર્તા માટે ૧૭૫ જેટલા પુસ્‍તકો લખ્‍યા. જેમાં દિવાસ્‍વપ્‍ન તો બાલકેળવણી માટેનું ‘સંવિધાન' ગણાય.  ઇ. સ.૧૯૨૯ માં ગિજુભાઈને બાલસાહિત્‍યમાં વિશેષ પ્રદાન બદલ ‘રણજિતરામ સુવર્ણ ચંદ્રક' એનાયત થયો.  

રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ પણ ગિજુભાઈએ કંડારેલા માર્ગ પર ચાલવાની ભલામણ લઈને આવી છે. ગિજુભાઈએ ઇ.સ.૧૯૨૦ માં પૂર્વ પ્રાથમિકની શરૂઆત કરી હતી, તે જ વાતનો સ્‍વીકાર રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં પ્રારંભિક શિક્ષણના તબક્કા(FOUNDATIONAL STAGE -૩ થી ૮ વર્ષ) તરીકે કરવામાં આવ્‍યો છે. રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં ગિજુભાઈ બધેકાના વિચારનો ખૂબ પ્રભાવ જોવા મળે છે, જેમ કે બાળકોની જિજ્ઞાસા અને સર્જનાત્‍મકતાને પોષક એવી રમત-ગમત દ્વારા શિક્ષણ(PLAY WAY METHOD), શોધખોળ (DISCOVERY METHOD), અન્‍વેષણ(EXPORE), બાલવાર્તા, બાલગીત જેવી બાલકેન્‍દ્રી શિક્ષણશાષાની ભલામણ આ નીતિમાં કરવામાં આવી છે. માતળભાષામાં શિક્ષણ, નીતિમાં ક્રિયા દ્વારા શિક્ષણ, અનુભવજન્‍ય શિક્ષણ, શિક્ષણમાં ભારતીયતા લાવવાની વાત કરવામાં આવી છે તે પણ ગિજુભાઈની દેન છે.

- વિજય સુરેલિયા, વ્‍યાખ્‍યાતા, ડાયેટ-મોરબી

 

(3:34 PM IST)