તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th November 2024
મુંબઇના ઇન્સપેકટર વતી ૧૦ લાખની લાંચની રકમની સોદાબાજી કરતા વકીલ તરીકે ઓળખાતા આરોપીની જામીન અરજી નામંજુર
મુંબઇના માટુંગા પોલીસ સ્ટેશન પી.આઇ. પગર વતી રાજકોટમાં જી.એસ.ટી.ની વકીલાત કરતા જેવીન સાવલીયા વચેટીયા તરીકે લાંચની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયેલ : આરોપી વકીલ હોય તેવો ગુજરાત બાર.કાઉ.માં પુરાવો નથી

રાજકોટ, તા.૧૫: રાજકોટ ખાતે જી.એસ.ટી. ની વકીલાત કરતા આરોપી જેવીન નાનજીભાઈ સાવલીયા મુંબઈના પોલીસ ઈન્સ્પેકટર પગર વતી ફરીયાદી સાથે લાંચની રકમની સોદાબાજી કરી રકમ સ્વીકારતા ઝડપાઈ જતા રાજકોટની ખાસ અદાલતના જજશ્રીએ આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરેલ છે.
આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર દિગંબર પગરએ રાજકોટના વતની જયેશભાઈ સોલંકીને મુંબઈ ખાતે એક ગુન્હાના કામે નિવેદન આપવા માટે હાજર થવા નોટીસ ઈશ્યુ કરેલ હતી. આ નોટીસ મળ્યા બાદ આરોપી જેવીને મોબાઈલ ઉપર ફરીયાદીનો સંપર્ક કરી આ બાબતે પતાવટ કરવા માટે જણાવેલ. આરોપી જેવીને મુંબઈના ઈન્સ્પેક્ટર પગર સાથે ફરીયાદીની હાજરીમાં મોબાઈલ ઉપર વાતચીત કરી રૂ. ૧૫,૦૦,૦૦૦/- પતાવટ પેટે માંગેલ જે રકમ રકજકના અંતે રૂ. ૧૦,૦૦,૦૦૦/- નકકી થયેલ હતા. ટ્રેપના દિવસે સહઆરોપી જેવીન મુંબઈના ઈન્સ્પેકટર વતી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયેલ હતા. પોલીસ તપાસ પુર્ણ થયા બાદ આરોપી જેવીનની જામીન અરજીની દલીલો વખતે રજુઆત કરવામાં આવેલ કે આરોપી વકીલ છે અને પોલીસ તપાસ પુર્ણ થઈ ગયેલ છે તેથી આરોપીને જામીન આપી દેવા જોઈએ.
શ્રી સરકાર તરફે જીલ્લા સરકારી વકીલશ્રી એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, હાલના અરજદાર આરોપી પોતાને વકીલ તરીકે ઓળખાવે છે પરંતુ તેઓ વકીલ તરીકે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં નોંધાયેલ હોય તેવો કોઈ પુરાવો નથી, તેથી આ આરોપીને વકીલ ગણી શકાય નહીં. આ ઉપરાંત પોલીસ તપાસ પુર્ણ થઈ ગયા બાદ હાલના અરજદાર / આરોપી પોતે નિર્દોષ હોવાનો કે ઈન્સ્પેકટરે આપેલ નોટીસ અંગે અજાણ હોવાનો કોઈ બચાવ લાવેલ નથી. આથી સાબિત થાય છે કે આરોપી જેવીને જે રકમ સ્વીકારેલ છે તે લાંચની હોવાનું જાણતા સભાનપણે સ્વીકારેલ છે. કોઈ વ્યકિતએ ભ્રષ્ટાચારના અનેક વ્યવહારો પુરા પાડયા હોય ત્યારે જ લાંચની આટલી મોટી રકમ સ્વીકારવાની હિમ્મત દર્શાવી શકે. વધુમાં, આ આરોપીએ ફરીયાદીને સામેથી ફોન કરેલ તેથી તેઓ નોટીસની વિગતોથી માહિતગાર હતા.
આ નોટીસમાં પોલીસ ઈન્સ્પેક્ટરે ફરીયાદીને સાહેદ તરીકે હાજર રહેવા જણાવેલ છે કે આરોપી તરીકે હાજર રહેવા જણાવેલ છે તે અંગેની કોઈ સ્પષ્ટતા ઈરાદાપુર્વક કરવામાં આવેલ નથી. આ રીતે મલીન ઈરાદા સાથે અપાયેલ આ નોટીસ ફરીયાદીને વધુ ને વધુ ડરાવવા માટે અપાયેલ હોવાનું જણાઈ આવે છે. મુખ્ય આરોપી પોલીસ ઈન્સ્પેકટર પગર ત્રણ માસ થવા છતાં પકડાયેલ નથી અને નાસતા ફરે છે ત્યારે હાલના આરોપીને જામીન ઉપર છોડવા ન્યાયિક નથી. શ્રી સરકાર તરફેની આ રજુઆતોના અંતે સ્પેશ્યલ જજ શ્રી વી.એ.રાણાએ આરોપી જેવીન સાવલીયાની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરેલ છે.
આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલશ્રી સંજયભાઈ કે, વોરા રોકાયેલ હતા.(૨૩.૧૯)
(4:11 PM IST)










