તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
બોગસ ઇન્દીરા વિકાસ પત્ર-રેવન્યુ સ્ટેમ્પના બે કેસોમાં તમામ આરોપીઓને શંકાનો લાભ
રપ વર્ષ પહેલાના માલવીયાનગર અને ભકિતનગર પોલીસ સ્ટેશનના ચકચારી કેસમાં ચુકાદો : ડી.સી.બી.ના પૂર્વ ઇન્સ્પેકટર તે સમયે બોગસ ઇન્દિરા વિકાસ પત્ર અને રેવન્યુ સ્ટેમ્પ પેપરનુ઼ કૌભાંડ પકડી પાડયું હતું : દસ્તાવેજો બોગસ છે તેવું પ્રમાણિત થતુ નથી : સેસન્સ જજ ડી.એસ. સિંધનો ચુકાદોઃ બચાવ પક્ષના એડવોકેટ અંશ ભારદ્વાજની સફળ રજૂઆત

તમામ આરોપીઓના બચાવપક્ષના એડવોકેટ અંશ ભારદ્વાજ, અમૃત ભારદ્વાજ ધીરજ પીપળીયા તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા. ૧પ : બોગસ ઈન્દીરા વિકાસ પત્ર અને બોગસ રેવન્યુ સ્ટેમ્પ અને બોગસ સ્ટેમ્પ પેપર બનાવવાના ૨૫ વર્ષ જુના બે કેસમાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો રાજકોટ સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.
ગત તા. ૨૪/૧૨/૧૯૯૮ ના રોજ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સી.એસ.બરંડા દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધવામા આવેલ હતી કે, તેઓએ આરોપી દિલીપભાઈ ભાણજીભાઈ ગણાત્રાના મનહર પ્લોટમાં આવેલ રહેણાક મકાને જડતી તપાસ કરતા આરોપીના ઘરેથી બોગસ ઈન્દિરા વિકાસ પત્રો તથા બોગસ કોરા સ્ટેમ્પ પેપર મળી આવેલ હતા. જે અંગેની તપાસ દરમ્યાન એવી હકિકત ખુલવા પામેલ કે અન્ય બોગસ રેવન્યુ સ્ટેમ્પ અન્ય આરોપી દિપકભાઈ બીપીનભાઈ પારેખ રહે. ગાંધીગ્રામના રહેણાક મકાને રાખેલ છે. તેવી હકિકત ખુલતા શ્રી બરંડાએ આરોપી દિપક પારેખના ઘરે રેડ કરતા તેઓના ઘરેથી રૂા. ૧/- દરની બોગસ રેવન્યુ સ્ટેમ્પ કુલ નંગ ૨૫,૦૦૦/- મળી આવેલ અને દિપક પારેખે અન્ય જગ્યાએ રાખવામાં આવેલ ૭૪,૩૦૦/- બોગસ રેવન્યુ સ્ટેમ્પ પણ પોલીસે કબ્જે કરેલ હતી.
ત્યારબાદ ફરિયાદીશ્રી સી.એસ.બરંડાએ પોતે ફરીયાદી બની માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પ્રથમ ફરીયાદ નોંધાવેલ હતી અને બીજી રેડ અંગેની ફરીયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી. ઉપરોકત બંને કેસની તપાસથી સી.એસ.બરંડાએ તેમજ તેમના અન્ય પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ઘરેલ હતી. તપાસ દરમ્યાન પોલીસે બોગસ ઈન્દિરા વિકાસ પત્ર તથા બોગસ સ્ટેમ્પ પેપરો કબ્જે કરેલ હતા તેમજ ગુનાની તપાસ દરમ્યાન કુલ આરોપીઓ (૧) દિલીપભાઈ ભાણજીભાઈ ગણાત્રા (૨) જનક છગનભાઈ પટેલ (૩) સરફરાજ અહેમદ ઉર્ફે હામીદ ગુલામ મુસ્તુફા અંસારી (૪) સફાત અહેમદ મહોમદ મતીમ અંસારી (૫) રાકેશ રજનીકાંત વિઠલાણી (૬) દિપક બીપીનભાઈ પારેખ (૭) સતીષ વસંતરાય ભટ્ટ (૮) ઉમેશ વસંતરાય ભટ્ટ (૯) અનીલ ઉર્ફે અબ્દુલ જયકિશન મીષાી (૧૦) સતીષ હરીરામ જેઠામલાણીને અટક કરેલ હતા અને ભકિતનગરના પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ બોગસ રેવન્યુ સ્ટેમ્પના ગુનામાં કુલ આરોપીઓ (૧) દિપક બીપીનભાઈ પારેખ (૨) સતીષ વસંતરાય ભટ્ટ (૩) ઉમેશ વસંતરાય ભટ્ટ (૪) અનીલ ઉર્ફે અબ્દુલ જયકિશન મીષાી (૫) રાકેશ રજનીકાંત વિઠલાણી (૬) દિલીપભાઈ ભાણજીભાઈ ગણાત્રા (૭) સતીષ હરીરામ જેઠમલાણી (૮) કુમાર અમરુગામ પીલ્લાઈ (૯) સરફરાજ અહેમદ ઉર્ફે હામીદ ગુલામ મુસ્તુફા (૧૦) સફાત અહેમદ મહમદ મતીમ અંસારી નાઓને અટક કરેલ હતા.
ઉપરોકત બંને ગુનામાં અટક કરવામાં આવેલ આરોપીઓ વિરૂધ્ધ તપાસ પૂર્ણ થતા પોલીસે બે ચાર્જશીટો સેશન્સ કોર્ટ સમક્ષ રજુ કરેલ હતી.
ત્યારબાદ કોર્ટે તમામ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જ નોંધી કેસ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરેલ હતી. કેસ સેશન્સ કોર્ટમાં શરૂ થતા ચાલુ કેસ દરમ્યાન આરોપીઓ (૧) દિલીપભાઈ ભાણજીભાઈ ગણાત્રા (૨) દિપક બીપીનભાઈ પારેખ (૩) રાકેશ રજનીકાંતભાઈ વિઠ્ઠલાણી (૪) પરાગ શાંતીલાલ શાહ (૫) અનીલ શાંતીલાલ શાહનું અવસાન થયેલ હતું. જેથી તેઓ સામેનો કેસ પડતો મુકવામાં આવેલ હતો. તેમજ ચાલુ કેસ દરમ્યાન અન્ય બે આરોપી (૧) સરફરાજ અહમદ ઉર્ફે હમીદ મુસ્તફા અંસારી (૨) સફાત અહમદ મહમદ મતીન અંસારી નામનાં આરોપીઓ નાશતા ભાગતા હોય તેઓની સામેનો કેસ અલગ કરવામાં આવેલ હતો.
સેસન્સ જજ શ્રી ડી.એસ.સિંધની કોર્ટે બંને કેસમાં કોર્ટ સમક્ષ નોંધાયેલ જુબાનીઓ, દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષોની દલીલોને ધ્યાને લઈ અને તમામ આરોપીઓને છોડી મુકવા હુકમ ફરમાવતા ઠરાવેલ હતું કે, ફરીયાદ પક્ષ દ્વારા જે ઈન્દિરા વિકાસ પત્રો અને સ્ટેમ્પ પેપરો કબ્જે કરેલ છે તે બોગસ છે કે કેમ ? તે પુરવાર કરવાની જવાબદારી ફરીયાદ પક્ષની રહે છે. કોર્ટે વધુમાં જણાવેલ હતું કે, બંને કેસોમાં કબ્જે કરવામાં આવેલ ઈન્દિરા વિકાસ પત્રો તેમજ સ્ટેમ્પ પેપરો બોગસ છે તે પુરવાર કરવા માટે કોઈ પુરાવો રજુ કરેલ નથી.ઉપરાંતમાં નામદાર કોર્ટે ઠરાવ્યું હતું કે, ઈન્દિરા વિકાસ પત્રો તેમજ સ્ટેમ્પ પેપરોની રીકવરી પણ શંકાસ્પદ છે તેમજ કબ્જે કરેલ દસ્તાવેજો ફોરેન્સીક લેબોરેટરીમાં તપાસણી અંગે પણ મોકલવામાં આવેલ નથી. કોર્ટે ઠરાવ્યું હતું કે, આવા સંજોગોમાં જ્યારે દસ્તાવેજોની રીકવરી પુરવાર થતી ન હોય અને રીકવર થયેલા દસ્તાવેજો બોગસ છે તેવું પણ પ્રસ્થાપીત થતું ન હોય તેવી પરિસ્થિતિમાં બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રહે છે. જે અવલોકન બાદ તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા કોર્ટે હુકમ ફરમાવેલ હતો.
આ કામમાં તમામ આરોપીઓ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સ તરફથી અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, ચેતન પુરોહીત, વિગેરે રોકાયેલ હતા.
(4:11 PM IST)










