News of Saturday, 16th November 2024
પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે તો શેરબજાર માટે સંજીવની સાબિત થશે
ક્રૂડના ભાવો તળિયે છે ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવોનો ઘટાડો અપેક્ષિત છે

રાજકોટ તા. ૧૬: હાલમાં શેરબજારની સ્થિતિ ખરાબ છે. બજાર તૂટી ગયું છે. કારણોની વાત કરીએ તો અનેક કારણોને લઈને બજાર ઘટયું છે. મુખ્ય કારણોમાં વિદેશી નાણાકીય સંસ્થાઓની વેચવાલી, કંપનીઓના ત્રિમાસિક નબળા પરિણામો, બજાર પર વધતું જતું ટેક્સનું ભારણ.
જેમાં, એસ.ટી.ટી, લોંગ ટર્મ-શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ, સત્તા વાળાઓ દ્વારા થતા નિયમોમાં આવનાર ફેરફાર જેમકે, એસ.એમ.ઈ ના લિસ્ટિંગ માં ૯૦% ની કેપ લિસ્ટિંગ ના સમયમાં ફેરફાર, ફયુચર એન્ડ ઓપ્શનમાં લોટ સાઈઝ ના વધારાની રજૂઆત, ક્લાઈન્ટ નેટવર્થ ના ઇન્ડિકેશન ,૧૧૦૦થી વધુ શેરોને માર્જિન માંથી હટાવાયા છે. સાપ્તાહિક એક્સપાયરી માં ઘટાડો,બાય-બેક પર પણ ટેક્સ નાખવા જેવા કારણો કહી શકાય.
આવી પરિસ્થિતિમાં જો પેટ્રોલ ડીઝલના ભાવો ઘટે તો શેરબજાર માટે સંજીવની સાબિત થશે, કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવો જો ઘટે તો ફુગાવો પણ નિયંત્રણમાં આવી જાય અને સરવાળે કંપનીઓના પરિણામો પર પણ સાનુકૂળ અસર જોવા મળે.
ખરેખર જોવા જઈએ તો ક્રૂડના ભાવ ઘણા ઘટી ગયા છે અને લાંબા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ જ ઘટાડો જોવા મળ્યો નથી. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવો ઘટે તો તે શેર બજાર માટે ચોક્કસપણે સંજીવની નું કામ કરે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યાનુસાર શેર બજારમાં અત્યારે મંદીનું વાતાવરણ છે. ડિસેમ્બરમાં નાતાલના વેકેશનમાં વિદેશી રોકાણકારો રજા પર રહેશે.
વોલ્યુમ માં ઘટાડો જોવા મળશે. જાન્યુઆરીના છેલ્લા બે અઠવાડિયામાં મોટા ઓપરેટરો નિષ્ક્રિય થઈ જશે કારણ કે, ફેબ્રુઆરીમાં કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થશે. આવા સમયે મોટા ખેલાડીઓ બજારથી દુર થઈ જશે ,બજારથી અલગ થઈ જશે
(2:53 PM IST)










