<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

લોન અપાવવાના નામે મોબાઇલમાં સ્‍કેનર મારફતે રૂા. ૯૬ હજાર ટ્રાન્‍સફર કરી આયુષભાઇ સાથે ઠગાઇ

સંતકબીર રોડ પર બનાવઃ યુવાનની થોરાળા પોલીસમાં મહાવીરસિંહ સોલંકી સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૬: સંતકબીર રોડ પર યુવાનને લોન અપાવવાના નામે તેના મોબાઇલમાં એપ્‍લીકેશન ડાઉનલોડ કરાવી રૂા. ૧ લાખની લોન કરાવડાવી તેમાંથી રૂા. ૯૬,૦૧૦ મોબાઇલના સ્‍કેનર મારફતે ટ્રાન્‍સફર કરી છેતરપીંડી આચરનાર શખ્‍સ સામે થોરાળા પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દુધસાગર રોડ પર ન્‍યુ શકિત સોસાયટી શેરી નં. ર માં રહેતા આયુષભાઇ વલ્લભભાઇ દેસાણી (ઉ.વ. ર૮) એ થોરાળા પોલીસ મથકમાં મહાવિરસિંહ જીતેન્‍દ્રસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે દોઢસો ફુટ રીંગ રોડ બીગ બજારની બાજુમાં આવેલી ડ્રેસવાલા દુકાનમાં નોકરી કરે છે. ગત તા. ૧૬/૧૦ ના રોજ પોતે સંતકબીર રોડ પર પોતાના  મોટા બાપુની સિધ્‍ધાર્થ ટેઇલર નામની દુકાને હતા, ત્‍યારે ત્‍યાં એક શખ્‍સ આવેલ અને પોતાના સંબંધી રાજુભાઇને કહેલ કે હું બજાજ ફાઇનાન્‍સમાં લોન વિભાગમાંથી આવુ છું. અને મારૂ નામ મહાવિરસિંહ જીતેન્‍દ્રસિંહ સોલંકી છે. હું રાજકોટમાં જ રહું છું. તેમ ઓળખ આપી હતી અને કહેલ કે હાલમાં તમને એક લાખ રૂપીયાની લોન ચોવીસ કલાકમાં કરી આપીશ અને આ લોન પુરી થશે બાદમાં તમને મોટી રકમની લોન પણ તુરંતજ મળી જશે તેવી વાત કરી હતી. પોતાને લોનની જરૂર હોઇ, જેથી પોતે આ મહાવિરસિંહ સોલંકી સાથે વાત-ચીત કરી અને પોતાના જરૂરી દસ્‍તાવેજમાં આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ બેંકની માહિતી માગતા પોતે તેને કહેલ કે આ બધા કાગળો મારા મોબાઇલમાં ફોટા રૂપે છે તેની ઝેરોક્ષ કોપી નથી તો તેણે કહેલ કે ‘કાંઇ વાંધો નહી' બાદ મહાવિરસિંહે પોતાના મોબાઇલમાં રીંગ નામની એપ્‍લીકેશન ડાઉનલોડ કરી આપી હતી અને આ એપ્‍લીકેશનમાં જે મુજબની માહીતી માંગેલ તે પોતે ભરી આપી આથી બધી કાર્યવાહી પુરી કરી હતી. બાદ અડધો કલાક બાદ પોતાના બેંક એકાઉન્‍ટમાં રૂા. ૯૬,૪૬૦ લોન પેટે જમા થયા હતા. અને બેંકના અલગ-અલગ પ્રોસેસીંગ પેટે રૂા. ૩પ૪૦ ચાર્જ પેટે કપાયા હતા. બાદ મહાવિરસિંહએ પોતાને કહેલ કે ‘આ લોનના  રૂા. ૯૬,૪૬૦ તમારે થર્ડ પાર્ટીમાં જમા કરાવો તમારી લોનનો અલગ-અલગ પ્રોસેસીંગ ચાર્જ નહી કપાય અને તમને પુરેપુરા રૂા. ૧ લાખ આ એકાઉન્‍ટમાં જમા થઇ જશે તેવી વાત કરીને તેણે પોતાની પાસે રહેલ મોબાઇલમાં એપ્‍લીકેશન મારફતે સ્‍કેનર ઓપન કરી અને પોતાના બેંક એકાઉન્‍ટમાંથી લોન પેટે જમા થયેલા રૂા. ૯૬,૦૧૦ ની રકમ સ્‍કેનર મારફતે તેના બેંક એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરી લીધા બાદ પોતાને કહેલ છે બે-ત્રણ દિવસ બાદ તમારા બેંક એકાઉન્‍ટમાં લોનના રૂા. ૧ લાખ પુરા જમા થઇ જશે, કહી પોતાનો ફોન નંબર આપ્‍યો હતો. ત્રણ દિવસ બાદ પોતે ફોન કરી મહાવિરસિંહને લોનના રૂા. ૧ લાખ જમા કરાવવાનું કહેતા તેણે કહેલ કે હજુ ૪૮ કલાક રાહ જોવી પડશે, કહયું હતું. બાદ પોતે તેને અવાર-નવાર ફોન કરતા તે ખોટા વાયદા કરી ઉડાઉ જવાબ આપતો હતો. છ દિવસ થયા છતાં પોતાને સંતોષકારક જવાબ ન મળતા પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની ખબર પડતા પોતે સાયબર ક્રાઇમ હેલ્‍પ લાઇનના નંબર પર અરજી કર્યા બાદ થોરાળા પોલીસ મથકમાં ગઇ કાલે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એ.પી. રતને તપાસ હાથ ધરી છે.

(4:43 PM IST)