News of Sunday, 17th November 2024
વ્યાજંકવાદ: બંગડીના કારીગર માધવ વાટિકાના આશિષ મકવાણાને વ્યાજ માટે પાઈપથી ફટકારી ખૂનની ધમકી: તેના પિતાને પણ કાનાએ ગાળો દીધી: આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ: વ્યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર નજીક ગોકુલપાકની અંદર માધવ વાટિકામાં રહેતા અને બંગડીનું જોબવર્ક કરતાં આશિષ મનસુખભાઈ મકવાણા (ઉ.વ.૨૩)એ માસિક ૮ ટકા વ્યાર્જે લીધેલા ૪૫ હજારનું વ્યાજ ચૂકવી નહીં શકતા કમલેશ ઉર્ફે કાનો ભાનુભાઈ સોહલા (રહે. આજી ડેમ ચોકડી પાસે, દ્વારકેશ ચાની હોટલ)એ તેને અને તેના પિતાને ગાળો આપ્યા બાદ તેના પર પાઈપથી હુમલો કરી 'રાત્રે આઠ વાગ્યા સુધીમાં વ્યાજ સહિત રૂપિયા નહીં આપ તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપ્યાનું ફરીયાદમાં જણાવાયું છે.
આશિષભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ તેણે માનસરોવર મેઇન રોડ પર શાક માર્કેટ ભરાઈ છે ત્યાં પ્રોવિઝન સ્ટોરનો વેપાર શરૂ કર્યો હતો. ધંધામાં માલ ભરવા માટે રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં તેના મિત્ર આરોપીને ઓળખતો હોય ગઇ તા. ૨૩ના રોજ ગોકુલપાર્ક મેઈન રોડ પર આરોપીને બોલાવ્યો હતો. જ્યાં મુલાકાત બાદ તેને રૂા. ૨૦ હજાર જોઈએ છે તેમ કહેતા આરોપીએ બે કોરા ચેક આપવા પડશે તેમ કહેતા તેણે તેના માતાના બેન્ક ખાતાના ચેક આપ્યા હતા. તેમજ જામીન તરીકે મિત્ર અરવિંદ ઉર્ફે ભાવેશ રહ્યો હતો.
આરોપીએ વ્યાજના રૂા. ૨૦ હજારમાંથી ૪ હજાર કાપી, રોજનો ૨૦૦નો હપ્તો જમા કરાવવો પડશે તેમ કહી બીજા ૨૦૦ કાપી ૧૫૮૦૦ સાથે એક ડાયરી આપી હતી. જે અરવિંદના નામની બનાવાઈ હતી. તેમાં રોજના રૂા. ૨૦૦ સો દિવસ સુધી જમા કરાવવાનું કહ્યું હતું. ધંધામાં ખોટ આવતા તેણે ફરીથી રૂા. ૨૫ હજાર વ્યાજે લીધા હતા. જેમાંથી તેણે રૂા.પાંચ કાપી તેનો રૂા. ૨૫૦નો હપ્તો પરંતુ રોજનો રૂા. ૩૦૦નો હપ્તો રાખો તો તમારે જલ્દી પૂરું થાય તેમ કહેતા તેણે હા પાડતાં ૮૩ હપ્તા ભરવાના હતા અને હપ્તો મિત્રને આપી દેવાનો તેમ કહ્યું હતું. ગઇ તા. ૧૫ના તે ઘરે હતા ત્યારે આરોપી ત્યાં ધસી આવ્યો હતો અને તેણે સ્કૂટરમાં બેસી જા તેમ કહેતા બેસી જતાં. બંને ગોકુલના ગેઇટ પાસે ગયા હતા. ત્યાં સ્કૂટર ઉભું રાખીને આરોપીએ 'તારે મારા રૂપિયા નથી દેવા' કહી ગાળો આપતા તેને એક ડાયરીનાં બે મહિનાના હપ્તા ચડેલા છે, બાકી તો રેગ્યુલર છું, ધીમે-ધીમે આપી દઇશ કહેતા આરોપીએ ઉશ્કેરાઈ પાઇપ વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં તેને તેના પિતાને ફોન કરવાનું કહેતા તેણે તેને બોલાવ્યા હતાં અને તેને પણ ગાળો આપી મને રાત્રે આઠ વાગ્યા સુધીમાં રૂપિયા આપી દેવા પડશે, નહીંતર જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપી જતો રહ્યો હતો. આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:05 AM IST)










