<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

સડેલા અનાજ પ્રકરણઃ ગાંધીનગરથી ટીમો ત્રાટકીઃ ૧૮પ દુકાનદારો સાણસામાં

આજે બપોરથી ભગવતીપરામાં ગાંધીનગરના આસિ. ડાયરેકટર નિર્મલ પટેલ સહિતના ત્રણ અધિકારીઓ-સ્‍થાનિક ઇન્‍સ્‍પેકટરોના દરોડા... : DSO પાસેથી ૧૮પનું લીસ્‍ટ પાંચ દિ' રેન્‍ડમલી તપાસ કરશેઃ મીટીંગમાં રજૂ થયેલા સડેલા ઘઉં-ચોખાના સેમ્‍પલ લેબમાં મોકલાયા : આજની તપાસમાં પણ નમુના લેવાયા...સાંસદ રામભાઇ મોકરીયા તથા ચેમ્‍બરના પ્રતિનિધિ રાજુ ઝુંઝાએ રજૂ કરેલા ખરાબ જણસી અંગે ઘેરા પડઘાઃ કલેકટરની સૂચના બાદ ૪૦ દુકાનદારોને નોટીસો ફટકારતા DSO રાજશ્રી વાંઘવાણી...

રાજકોટ તા. ૧૮: શનિવારે જીલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં સાંસદ રામભાઇ મોકરીયા તથા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રતિનિધિશ્રી રાજુ ઝુંઝાએ કલેકટર અને  DSO સમક્ષ સસ્‍તા અનાજની દુકાનેથી કાર્ડ હોલ્‍ડરોને સડેલા-ધનેડાવાળા ઘઉં-ચોખા-તુવેરદાળ અપાતા હોવાના સેમ્‍પલો-જણસો રજૂ કરતા કલેકટર ચોંકી ઉઠયા હતા, તેમણે DSO ને તપાસના આદેશો કર્યા હતા, પરંતુ આ પ્રકરણે મોટો હોબાળો સર્જી દેતા ગાંધીનગર પુરવઠા સફાળુ બેઠુ થયું, અને આજે સવારથી રાજકોટમાં ત્રણ આસિ. ડાયરેકટરો શ્રી નિર્મલ પટેલ અને અન્‍ય બે તથા રાજકોટ પુરવઠાના પ થી ૬ ઇન્‍સ્‍પેકટરોની ટીમોનો કાફલો-DSO સાથે ચર્ચા બાદ અને શહેરના ૧૮પ સસ્‍તા અનાજના દુકાનદારોનું લીસ્‍ટ મેળવી બપોરથી દરોડાનો દોર શરૂ કર્યો છે, આ લખાય છે ત્‍યારે બપોરે ૧ વાગ્‍યે ભગવતીપરામાં આવેલી સસ્‍તા અનાજની પાંચ દુકાનો ઉપર ટીમો ત્રાટકી છે, તમામ હિસાબો-મેળવણું થઇ રહ્યું છે.

કાર્ડ હોલ્‍ડરોના નિવેદનો લેવાઇ રહ્યા છે, ઘઉં-ચોખા-તુવેરદાળના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી શરૂ કરી છે. ડીએલઓ શ્રી રાજશ્રી વાંધવાણી પાસેથી કૂલ ૧૮પ દુકાનદારોનું લીસ્‍ટ લેવાયું છે, જયાં આગામી પાંચ દિવસમાં ટીમો રીન્‍ડમલી ત્રાટકશે, અને બાદમાં ડાયરેકટરને સીધો રીપોર્ટ કરશે.

બીજી બાજુ શનિવારની મીટીંગમાં રજૂ થયેલ સડેલા અનાજના પણ નમુના રાજકોટ પુરવઠા દ્વારા લેબોરેટરીમાં મોકલી દેવાયા છે, કલેકટરે ડીએસઓને એકધારી તપાસ કરી, કઇ દુકાનોનો આ માલ છે, સ્‍થાનિક લેવલે સંડોવણી છે કે કેમ તે તમામ બાબતોનો રીપોર્ટ ૮ દિ'માં આપવા સૂચના આપી છે.

દરમિયાન DSO એ પત્રકારોને નિર્દેશ આપેલ કે અમારા દ્વારા દુકાનદારોને ત્‍યાં સતત તપાસ થતી રહે છે, વિવિધ અનિયમીતતા બાબતે અગાઉ ર૦ દુકાનદારોને આપી રહ્યા છીએ, અને આગામી દિવસોમાં તપાસ ચાલુ રખાશે, શનિવારે રજૂ થયેલા સડેલા અનાજ બાબતે ગંભીર પડઘા પડયા છે, તે હકીકત છે.

(3:03 PM IST)