તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
સુરેન્દ્રનગર ખાણ ખનિજ કચેરીનો જુનીયર કલાર્ક અમૃત મકવાણા ૧૦ હજારની લાંચ લેતા પકડાયો
રેતીની લીઝની માંગણી પેન્ડીંગ હોય ફરીયાદીએ આરટીઆઇ અન્વયે માહિતી માંગતા લાંચ માંગી'તીઃ રાજકોટ

એસીબીના ડીવાયએસપી કે.એચ.ગોહીલના માર્ગશર્દન હેઠળ વધુ એક છટકામાં લાંચીયો કર્મચારી ઝપટે ચડયો
(ફઝલ ચૌહાણ દ્વારા) સુરેન્દ્રનગર, તા., ૧૮: સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં ખાણ ખનીજ વિભાગના જુનીયર કલાર્કને ૧૦ હજારની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગરમાં રહેતા ફરીયાદીએ સીલીકા રેતીની લીઝની માંગણી કરેલી જે લાંબા સમયથી પેન્ડીંગ હોય તેના માટે જરૂરી માહીતી મેળવવા ફરીયાદીએ આરટીઆઇ અન્વયે ખાણ ખનીજ વિભાગમાં માહિતી માંગી હતી. પરંતુ જુનીયર કલાર્ક અમૃત ઉર્ફે આનંદ કેહરભાઇ મકવાણાએ અધુરી માહીતી આપતા અને બાકી રહેલ માહીતી પુરી પાડવા માટે ફરીયાદી પાસે ૧૦ હજારની લાંચની માંગણી કરતા ફરીયાદીએ આ અંગે એસીબીનો સંપર્ક કરતા રાજકોટ એસીબીના ઇન્ચાર્જ ડીવાયએસપી કે.એચ.ગોહીલના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબીના પીઆઇ આર.એન.વિરાણી તથા સ્ટાફે આજે સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં આવેલ ખાણ ખનીજ કચેરીના ગેઇટ પાસે છટકુ ગોઠવ્યું હતુ. જેમાં જુનીયર કલાર્ક ૧૦ હજારની લાંચ લેતા રંગે હાથે એસીબીના હાથે સપડાઇ ગયો હતો.
(3:16 PM IST)










