<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

રૂડાનગર-૩ માં ખાલી પ્‍લોટમાં કચરો એકત્ર કરવા પેટીઓનો ઢગલો કરાયોઃલતાવાસીઓમાં ભારે રોષ

ઇસ્‍કોન મંદીરની બાજુમાં આવેલ ખાલી પ્‍લોટમાં કચરાના ગંજ ખડકાવવાનો અને રોગચાળો વકરવાનો ભય સર્જાયોઃ લતાવાસીઓ દ્વારા કોર્પોરેશનમાં રજુઆત કરીને યોગ્‍ય કરવા માંગ કરાશે

રાજકોટ, તા., ૧૮: રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ રૂડાનગર-૩ માં ઇસ્‍કોન મંદીરની બાજુમાં કોર્પોરેશન તંત્ર દ્વારા કચરાની પેટીઓ મુકવામાં આવતા લતાવાસીઓમાં ભારે રોષ પ્રસરી ગયો છે. આ અંગે લતાવાસીઓએ આંદોલનની ચિમકી પણ ઉચ્‍ચારી છે.

પ્રાપ્ત માહીતી મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ ઇસ્‍કોન મંદીરની બાજુમાં રૂડાનગર-૩ વિસ્‍તાર આવેલ છે . જયાં મોટી સંખ્‍યામાં લોકો રહે છે. ત્‍યારે કોર્પોરેશન-રૂડા તંત્ર દ્વારા ખાલી પ્‍લોટમાં કચરાની નવ જેટલી પેટીઓ મુકવામાં આવતા લતાવાસીઓમાં રોષ પ્રસરી ગયો છે.

આ કચરાની પેટીઓને કારણે અહિં મોટા પ્રમાણમાં કચરો એકત્ર થશે અને સમયસર કચરાનો નિકાલ ન થવાથી આ વિસ્‍તારમાં વ્‍યાપક પ્રમાણમાં રોગચાળો પણ પ્રસરશે. જેના કારણે લોકો મુશ્‍કેલીમાં મુકાઇ જશે. જેથી કોર્પોરેશન તંત્ર અને રૂડા તંત્ર આ અંગે યોગ્‍ય કરે તેવી લતાવાસીઓની માંગણી છે.

ઇસ્‍કોન મંદીરની બાજુમાં જ આ કચરાની પેટીઓ મુકવામાં આવતા ભકતજનોની લાગણી દુભાઇ છે. જેથી કોર્પોરેશન તંત્ર લોકોના હિતમાં તાત્‍કાલીક આ કચરા પેટીઓ ખસેડી લે તેવી રૂડાનગરના લતાવાસીઓએ માંગણી કરી છે. આ અંગે લતાવાસીઓ કોર્પોરેશન તંત્ર અને રૂડા સમક્ષ રજુઆત પણ કરશે અને આંદોલનની ચિમકી ઉચ્‍ચારી છે.

આ અંગે તાત્‍કાલીક યોગ્‍ય કરવા એડવોકેટ કમલેશભાઇ આઇલગા તથા લતાવાસીઓએ માંગ ઉચ્‍ચારી છે.

(4:53 PM IST)