News of Monday, 18th November 2024
સ્થાપના દિને પ્રજાના પ્રશ્નોની ચર્ચા થશે કે નહી !
કાલે મનપાનું જનરલ બોર્ડ

રાજકોટ, તા., ૧૮: આગામી તા.૧૯મીએ મનપાનું જનરલ બોર્ડ યોજાવાનું છે. આ સામાન્ય સભા બોલાવવા ગત સપ્તાહે મેયર નયનાબેન પેઢડીયાની સુચનાથી સેક્રેટરીએ એજન્ડા બહાર પાડયો હતો. આ સભામાં ડ્રોથી નક્કી કરાયેલા ક્રમમાં બોર્ડ નં. ૧ર ભાજપના કોર્પોરેટર મગનભાઇ સોરઠીયાના પ્રશ્નોથી બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશે.
મનપાનું કાલે ૧૯ નવેમ્બર મનપાના પર માં સ્થાપના દિને જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્યે સ્વ.રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર નયનાબેનના અધ્યક્ષસ્થાને યોજાશે. આ સતાના એજન્ડા પર કુલ ૬ દરખાસ્તો રહેલી છ. આજે સવારે કોર્પોરેટરો પ્રશ્નો મુકવા પહોંચ્યા હતા અને ભાજપના ૧૬ તથા કોંગ્રેસના ર મળી ૧૮ કોર્પોરેટરોએ કુલ ર૪ પ્રશ્નો રજુ કર્યા છે.
પ્રથમ ક્રમે ભાજપના મગનભાઇ સોરઠીયાએ અમૃત મિશન યોજના હેઠળ કઇ કઇ શાખાને લગત કેટલી રકમના કયા કયા કામો હાથ ધરવામાં આવેલ છે? તે કામો હાલ કયા તબક્કે છે?
રાજકોટ મહાનગર પાલીકાને સરકારશ્રી દ્વારા કઇ કઇ પ્રકારની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે? છેલ્લા ર વર્ષમાં ફાળવવામાં આવેલી ગ્રાન્ટ પૈકી કુલ કેટલી ગ્રાન્ટ વપરાશ કરવામાં આવી? વિસ્તૃત વિગતો માંગી છે.
જયારે બીજા ક્રમે વોર્ડ નં. ૧૧ના કોર્પોરેટર ભારતીબેન પાડલીયાએ મહાનગર પાલીકાને રાજય સરકારશ્રી દ્વારા છેલ્લા ર વર્ષમાં આરોગ્ય લક્ષી તથા મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ તરફથી કુલ કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ તેની વિગતો પુછી છે.
આ ઉપરાંત કોંગી કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા દ્વારા રાજકોટ મહાનગર પાલીકામાં દરેક ટાઉન પ્લાનીંગ યોજનામાં પાર્કીગ માટે અનામત પ્લોટો રાખવામાં આવેલ છે. જેમાં પાર્કીગ માટે અનામત રાખવામાં આવેલ પ્લોટોની હાલની સ્થિતિ જણાવશો?
તા.૭ માર્ચ ર૦ર૪ ના જનરલ બોર્ડ ઠરાવ નં. ૧૬૪ મુજબ કુલ પ૩ર એવા સફાઇ કામદારોની ભરતી કરવામાં આવશે. કે જેના દાદા-દાદી અને માતા-પિતાએ સફાઇ કામદાર તરીકે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં નોકરી કરી હોય જેમાં બીપીએમસીના કયા કાયદા મુજબ ઠરાવ કરવામાં આવેલ છે? તેમજ રાજકોટ મહાનગર પાલીકા દ્વારા શહેરમાં ૩૧ માર્ચ ર૦ર૪ પહેલા કુલ કેટલા કી.મી.નો રોડ બનાવેલ હતા. કેટલા સમય પહેલા બનાવવામાં આવેલ હતા. કુલ કેટલો ખર્ચ થયેલ હતો? જેમાં વર્ષ ર૦ર૪ના વરસાદમાં કુલ કેટલા કી.મી.ના રસ્તાનુ ધોવાણ (ખરાબ) થઇ ગયેલ છે? સહીતના પ્રશ્નો પુછવામાં આવ્યા છે.
(4:54 PM IST)










