તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th November 2024
ત્રણ સંતાનની માતાને વંથલી ટીનમસના ત્રણ સંતાનના પિતા બસ ડ્રાઇવરે ફસાવીઃ વારંવાર બળાત્કાર, શરીરે બટકા ભર્યા
રાજકોટની મહિલાને અવાર-નવાર ટ્રાવેલીંગ કરવાનું હોઇ બસ ચાલક રાહુલ હુ઼બલના ફોન નંબર લીધા હતાં: દિકરીના અવસાન પછી પતિ નશાના રવાડે ચડયો હોઇ તેની સાથે બનતું ન હોઇ રાહુલે હમદર્દી દાખવીઃ લગ્નની લાલચ દઇ બળજબરી આચરીઃ તાલુકા પોલીસે ગુનો નોંધી સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૯: રાજકોટની ત્રણ સંતાનની માતા એવી મહિલા અવાર-નવાર રાજકોટથી જુનાગઢ ખાનગી બસમાં ટ્રાવેલીંગ કરતી હોઇ તેની ઓળખાણ ટ્રાવેલ બસના ડ્રાઇવર વંથલીના ટીનમસ ગામના ત્રણ સંતાનના પિતા સાથે થતાં બસ ટીકીટના બૂકીંગ માટે ડ્રાઇવર સાથે ફોન નંબરની આપલે કરતાં બાદમાં ડ્રાઇવરે ગૂડ મોર્નિંગના મેસેજ મોકલવાનું ચાલુ કરી એ દરમિયાન મહિલાને પતિ સાથે મનમેળ ન રહેતો હોઇ આ શખ્સે તેણીને સાંત્વના આપી છુટાછેડા લઇ લેશે તો પોતે બાળકોનું અને તેણીનું ધ્યાન રાખશે તેમ કહી એક દિવસ ઘરે આવી લગ્ન કરી જ લેવા છે તેમ કહી બળજબરીથી શરીર સંબંધ બાંધી લેતાં અને બાદમાં આવુ અવાર-નવાર કરતાં તેમજ એક દિવસ તેણીએ ઇન્કાર કરતાં તેને પીઠ, ખભા પર બટકા ભરી લઇ ધક્કો મારી પછાડતાં માથામાં, હાથમાં ઇજાઓ થતાં આ શખ્સે કોઇને વાત કરી તો મારી નાખીશ તેવી ધમકી આપી શોષણ ચાલુ રાખતાં અંતે પોલીસ ફરિયાદ થઇ છે.
આ બનાવમાં તાલુકા પોલીસે ભોગ બનનાર ચોત્રીસ વર્ષિય મહિલાની ફરિયાદ પરથી જુનાગઢના વંથલી તાબેના ટીનમસ ગામે રહેતાં રાહુલ લાખાભાઇ હુંબલ (ઉ.વ.૩૨) વિરૂધ્ધ બીએનએસની કલમ ૬૪ (૨), એમ, ૩૫૧ (૨), ૧૧૫ (૨) મુજબ અવાર-નવાર ફરિયાદી મહિલ સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી મારકુટ કરી શરીરે બટકા ભરી લઇ કોઇને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપવાનો ગુનો નોંધી આરોપીને પકડી લીધો છે.
મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે રાજકોટમાં રહુ છું અને મારે ત્રણ સંતાન છે, છુટક કામ કરીને હું ગુજરાન ચલાવુ છું. વર્ષ ૨૦૨૨ના ફેબ્રુઆરી મહિનામાં હું સુરતથી કેશોજ રૂટની રાઘવ ટ્રાવેલ્સની બસમાં રાજકોટથી જુનાગઢ જતી હતી ત્યારે બસના ડ્રાઇવર રાહુલ લાખાભાઇ હુંબલ (રહે. ટીનમસ તા. વંથલી) સાથે ઓળખાણ થઇ હતી. મારે અવાર-નવાર ટ્રાવેલીંગ કરવાનું હોવાથી મેં રાહુલને તેના બસનો સવારનો સમય કેટલા વાગ્યાનો છે? તેમ પુછતાં તેણે દરરોજ સવારે સાડા સાતે બસ ઉપડે છે તેવી વિગત આપી હતી. મારે બૂકીંગ કરાવવાનું હોઇ તેમ વાત કરતાં તેણે મોબાઇલ નંબર આપ્યો હતો. તેમજ કહેલુ કે તમારો નંબર આપો તો હું સેવ કરી લઉ, હું અજાણ્યા ફોન ઉપાડતો નથી.
એ પછી બીજા દિવસે જુનાગઢથી પાછા રાજકોટ આવવા મારે ટીકીટ બૂકીંગ કરાવવી હોઇ મેં રાહુલે આપેલા ફોન પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેણે ગૂડ મોર્નિંગના મેસેજ મોકલવાનું ચાલુ કર્યુ હતું. પરંતુ હું તેને જવાબ આપતી નહોતી. બાદ મારી એક દિકરીનું અવસાન થતાં હું ડિપ્રેશનમાં રહેવા માંડી હોઇ પતિ પણ દારૂ પીવાના રવાડે ચડી ગયા હોઇ અને કામ ધંધામાં ધ્યાન દેતાં ન હોઇ અવાર-નવાર બોલાચાલી ઝઘડા થતાં હતાં. આ કારણે અમારા સંબંધ બગડી ગયા હતાં. એ દરમિયાન રાહુલે મને મેસેજ કરતાં મારે તેની સાથે વાતચીત ચાલુ થઇ હતી. તે મને સતત સાંત્વના આપતો હતો જેથી હું તેની સાથે વધુ વાતો કરતી થઇ હતી.
ત્યારબાદ અમારા સંબંધ ગાઢ બનવા માંડયા હતાં. રાહુલે મને કહેલુ કે તું મારા ઘરે આવ અને મારા પરિવારની મુલાકાત લે, બધા સાથે હળેમળે તો તાર ુ દુઃખ હળવુ થઇ જાય. આથી ૫/૬/૨૨ના રોજ હું તેના ઘરે તેના માતા-ીપતા, તેની પત્નિ અને તેની બે દિકરીઓને મળી હતી. આ પછી અમારી વચ્ચે ઘરે આવવા જવાના સંબંધ સ્થપાયા હતાં. બીજી તરફ મારો પતિ રોજ દારૂ પી મારકુટ કરતો હોઇ તે વાત મેં રાહુલને કરી હોઇ રાહુલે કહેલુ કે તું પતિ સાથે છુટાછેડા લઇ લે, તું શું કામ આવુ દુઃખ સહન કરશે છે? મેં કહેલુ કે છુટાછેડા લઉ તો હું એકલી થઇ જઇશ. આથી રાહુલે કહેલુ કેતું છુટાછેડા લે પછી હું તારી સાથે લગ્ન કરીશ, તારુ અને તારા બાળકોનું ધ્યાન રાખીશ.
આ પછી જુલાઇ-૨૦૨૪માં રાહુલ રાજકોટ આવેલો અને સાંજે ચારેક વાગ્યે તે મારા ઘરે આવ્યો હતો. પતિ બહાર હતાં અને બાળકો પણ શાળાએ ગયા હતાં. આ વખતે રાહુલે શારીરિક સંબંધ બાંધવાની વાત કરતાં મેં ના પાડતાં તેણે બળજબરીથી સંબંધ બાંધી લીધા હતાં અને કહેલુકે તારા છુટાછેડા થઇ જશે પછી આપણે સાથે જ રહેવાનું છે, તો આ બધુ કરવામાં વાંધો નહિ. ત્યારબાદ આજથી દોઢેક મહિના પહેલા મારા પતિ સાથે છુટાછેડા થઇ ગયા હતાં. હું મારા બાળકો સાથે એકલી જ રહેતી હતી. આ પછી રાહુલ અવાર-નવાર રાતે ઘરે આવતો અને બાળકો સુતા હોય ત્યારે બળજબરીથી શરીર સંબંધ બાંધી લેતો હતો. હું ના પાડુ તો લગ્ન કરી જ લેવાના છે તેવી લાલચ આપતો હતો. અગાઉ તેણે મને શરીર સંબંધ બાંધવાનું કહેતાં મેં ના પાડતાં બળજબરી કરી મને પીઠમાં અને ખભા પર બટકા ભરી લીધા હતાં. હું ભાગવા જતાં મને પકડી ધક્કો મારતાં કબાટમાં મારુ માથુ ભટકાતાં મને માથામાં અને કોણીમાં ઇજા થઇ હતી.
ત્યારે પણ તેણે મને જોઇ કોઇને વાત કરીશ તો જીવવા જેવી નહિ રહેવા દઉ અને ક્યાંય મોઢુ બતાવવા જેવી નહિ રહેવા દઉ કહી ધમકી આપી હતી. અંતે મારે ફરિયાદ નોંધાવવી પડી હતી. તેમ વધુમાં તેણીએ કહેતાં તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ કે. એચ. કારેણાએ ગુનો દાખલ કરતાં આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ પીએસઆઇ બી. આર. ભરવાડે હાથ ધરી છે.
(11:03 AM IST)










