<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી એમ.કે.પાલનું દુઃખદ અવસાનઃ અંતિમયાત્રા

ક્રાંતિકારી એડવોકેટ પાકિસ્‍તાનમાં આપણા માછીમારોને જેલમાંથી મુકત કરાવવા માટે સતત લડતા રહ્યા એવા જાણીતા સદ્‌ગતની અંતિમયાત્રામાં સગાસંબંધીઓ, જાણીતા એડવોકેટો, વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયાઃ અકિલા પરિવાર દ્વારા બે મિનિટ મૌન પાડી સદ્‌ગતને શ્રધ્‍ધાંજલી અર્પણ : રેલ્‍વે વિભાગમાં નોકરી કરતા, રાજીનામું : આપી વકિલાતના વ્‍યવસાયમાં જોડાયા હતાઃ સિવિલ અને લેબર લોઝના કાયદાના નિષ્‍ણાંત હતાઃ પાક જેમાં બંદીવાન માછીમારો પરવિાર પાસેથી વિગતો મેળવી ભારત સરકારના વિદેશખાતા અને ભારતના પાકિસ્‍તાનમાં આપણા હાઇકમિશ્‍નર મારફત આ માછીમારોને છોડાવવાનું અભિયાન ચલાવ્‍યુ હતું

રાજકોટઃ ક્રાંતિકારી એડવોકેટ એમ.કે.પાલનું દુઃખદ નિધન થયું છે તેઓ પાકિસ્‍તાનમાં આપણા માછીમારોને જેલામાંથી મુકત કરાવા સતત લડતા રહયા હતા. બોર્ડર પાસેથી પાક સેના ભારતીય નાગરિકોને ઉઠાવી જઇ બંદી બનાવી લેતી હતી. આવા લોકોને પણ ભારત પરત લાવવા લડત આદરી હતી. તેમને અને તેમના પરિવારજનોને ન્‍યાય મળે તે માટે સરકાર સામે પણ રીતસરનો જંગ આદરેલ.

આવા ક્રાંતિકારી એડવોકેટ એવા એમ.કે.પાલએ ફાની દુનિયામાંથી અલવિદા લીધી છે. સદ્‌ગતની સ્‍મશાનયાત્રા આજે સવારે તેમના નિવાસ સ્‍થાન નિર્મલા સ્‍કુલ રોડ ખાતેથી નિકળી હતી. જેમાં બહોળી સંખ્‍યામાં સગા સંબંધીઓ, એડવોકેટો,વિવિધ મિત્રના અને સામાજીક સંસ્‍થાઓના આગેવાનો જોડાયા હતા.

અકિલા પરિવાર સાથે એમ.કે.પાલનો અતૂટ નાતો રહયો હતો. અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના એડીટર અને વેબએડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા તેમજ અકિલા પરિવારે બે મિનિટ મૌન પાડી સદ્‌ગતને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી.

તા.૧૯ મંગળવારે દુઃખદ અવસાન થયલ છે. સદ્‌ગતની સ્‍મશાનયાત્રા બુધવાર સવારે ૮ કલાકે ‘ૐ', ૬પ-પ્રકાશ સોસાયટી શેરીનં.૩, પારસ હોલની પાછળ, નિર્મલા કોન્‍વેન્‍ટ સ્‍કુલ રોડ, રાજકોટ(નિવાસ સ્‍થાનેથી) મોટા મૌવા સ્‍મશાન ગૃહ ખાતે નિકળી હતી. સ્‍વ.સુદેશ એમ.પાલ(ધર્મપત્‍નિ) સ્‍વ.કિશોર એમ.પાલ(પુત્ર),અરૂણ એમ.પાલ(પુત્ર), વિનય સહગલ(જમાઇ), કરન કિશોર પાલ(પૌત્ર), અક્ષય અરૂણ પાલ(પૌત્ર), રેખા કિશોર પાલ(પુત્રવધુ) અલ્‍કા અરૂણ પાલ(પુત્રવધુ), જયોતિ વિનય સહગલ (પુત્રી) નેન્‍સી કરન પાલ(પૌત્રવધુ), અશ્વિની અક્ષય પાલ(પૌત્રવધુ), આર્યન સહગલ, હિમાક્ષી સહગલને વિલાપ કરતા છોડી ગયા છે. 

રાજસ્‍થાનના  અજમેરના વતની અને ગુજરાતમાં રાજકોટ ખાતે કેન્‍દ્ર સરકારના રેલવે વિભાગમાં  નોકરીમાં જોડાયા બાદ તેઓએ રાજીનામું આપ્‍યા બાદ તેઓ ૧૯૭૭માં વકીલાતના વ્‍યવસાયમાં જોડાયા હતા.

સ્‍વ. પાલ રાજકોટ ખાતે સિવિલ અને લેબરલોઝના કાયદામાં નિષ્‍ણાંત એડવોકેટ તરીકે તેઓની ખ્‍યાતિ હતી.

સ્‍વ. પાલ વકીલાતના વ્‍યવસાય ની સાથે સૌરાષ્ટ્ર- ગુજરાત ના દરિયાકાંઠાના માછીમારોની પાકિસ્‍તાન દ્વારા બોટ સહિત  અટકાયત  કરવામાં આવતી અને અચોક્કસ સમય માટે જેલમાં બંદીવાન તરીકે રાખે તેવા માછીમારો માટે  તેમના પરીવાર પાસેથી વિગતો અને હકીકત એકત્રિત કરી તેઓ ભારત સરકારના વિદેશ ખાતા તેમજ ભારતના પાકિસ્‍તાનમાં આપણા હાઈકમિશનર મારફતે  આ માછીમારોને છોડાવવા નું એક અભિયાન ચલાવ્‍યું હતું. અને સ્‍વ. પાલના  આ કાર્યને સૌરાષ્ટ્ર- ગુજરાતના પ્રચાર માધ્‍યમોમાં અને અખબારોએ હકારાત્‍મક પ્રતિસાદ ના કારણે ભારત સરકારને પણ આ બારામાં પાકિસ્‍તાન સાથે વાટાઘાટો કરી માછીમારો ને છોડાવવા ની ફરજ પડતી હતી.

સ્‍વ. પાલ ભારતના લશ્‍કર ના સૈનિકોને છોડાવવા માટે તમામ સ્‍તરે રજૂઆત કરતા હતા. સ્‍વ. પાલ દ્વારા તત્‍કાલિન રાષ્ટ્રપતિ સ્‍વ. અબ્‍દુલ  કલામ સમક્ષ પણ રજુઆત કરેલી હતી.

સ્‍વ. પાલ દ્વારા ૧૯૬૫ અને૧૯૭૧ના ભારતના પાકિસ્‍તાન સાથેના બંને યુદ્ધ દરમિયાન ભારતના ૫૪ જેટલા સૈનિકો પાકિસ્‍તાન જેલમાં સબડતા હતા. અને ૧૯૭૧ના પાકિસ્‍તાન યુધ્‍ધ ના ભારતીય લશ્‍કરના મેજર જગજીતસિંહજી અરોરા નેતૃત્‍વમાં પૂર્વ પાકિસ્‍તાનમાં સંપૂર્ણ સફાયો કરી બાંગ્‍લાદેશ ઉદગમ થયો હતો તે સ્‍વ.અરોરાના એડવોકેટ તરીકે સ્‍વ. એમ. કે. પાલ ૫૪ પૈકી ગુજરાત ના બે સૈનિકો વતી ગુજરાત હાઈકોર્ટેમાં સને ૧૯૯૯ માં પીટીશન દાખલ કરેલી હતી.ગુજરાત હાઈકોર્ટે ના ચીફ જસ્‍ટીસ ભાસ્‍કર  ભટ્ટાચાર્ય અને જસ્‍ટીસ જે. બી. પારડીવાળાની  કોર્ટમાં  આપણા  સૈનીકો યુધ્‍ધ કેદીઓના પરિવારજનો ને ત્રણ માસમાં નિવૃત્તિ ના લાભો; પેનશન  ચૂકવવા ના હૂકમ કરેલ હતા.

સ્‍વ. પાલ દ્વારા પાકિસ્‍તાન ની જેલમાં કેદ સરબજિતસિંહ ને છોડાવવા માટે પણ કેન્‍દ્રીય માનવ અધિકાર પંચ માં રજુઆત કરેલી હતી.

સ્‍વ. પાલ ના બંને પુત્રો વકીલાતના વ્‍યવસાય સાથે જોડાયેલા હતા. તેઓના એક પુત્ર સ્‍વ. કિશોરભાઈ પાલ ગુજરાત હાઈકોર્ટે માં પ્રેક્‍ટિસ કરતા હતા તેઓ ૨૦૧૫માં અવસાન પામ્‍યા હતા. બીજા પુત્ર અરુણભાઈ રાજકોટ ખાતે પ્રેકટીસ કરી રહ્યા છે.

તસ્‍વીરમાં સ્‍વ.એમ.કે. પાલની સ્‍મશાનયાત્રામાં લોકો જોડાયા છે. જયારે નીચેની તસ્‍વીરમાં ડો.અબ્‍દુલ કલામ સાથે એમે.કે. પાલ અને ત્‍યાગવલ્લભ સ્‍વામી નજરે પડે છે. સદ્‌ગત નું બેસણું તા. ૨૨ના રોજ શુક્રવારે સાંજે ૪ થી પ-૩૦ દરમ્‍યાન ગુરૂદ્વારા જંકશન સ્‍ટેશન રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(11:53 AM IST)