News of Wednesday, 20th November 2024
મવડીના ઓમનગરમાં કેટરર્સના ધંધાર્થી પ્રોૈઢ, તેના પુત્ર-પુત્રી પર પાંચ શખ્સોનો ધોકા-પાઇપથી હુમલો
બેફામ બટાઝટી બોલાવાઇઃ એક બીજા પર તૂટી પડયાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા, વાયરલ થયા :ભરતભાઇ મારડીયાને પીઝાનું કામ કરતાં કોમલબેન ચાવડાને ૫૦ હજાર ચુકવવાના બાકી હોઇ તેણીના ભાગીદાર ભગવતીપરાના વાલાભાઇ ડાંગર સહિતે ઓફિસે આવી ઉઘરાણી કરી હુમલો કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ :સામા પક્ષે વાલજીભાઇ ડાંગરની પણ વિશાલ અને ભરતભાઇ મારડીયા વિરૂધ્ધ ફરિયાદઃ રૂપિયા લેવા બોલાવી ગાળો દઇ રૂપિયા દેવાના થતાં નથી કહી હુમલો કરાયાનો આરોપઃ સાથે ભત્રીજા જયપ્રકાશને પણ ઇજાઃ બંને સારવારમાં

તસ્વીરમાં મારામારીના દ્રશ્યો જે સીસીટીવમાં કેદ થયા છે તે જોઇ શકાય છે. હુમલામાં ઘાયલ વિશાલ મારડીયાને સિવિલમાં દાખલ કરાયેલ છે. સામા પક્ષે વાલજીભાઇ ડાંગર અને તેના ભત્રીજા જયપ્રકાશ મધુરમ્ હોસ્પિટમલાં દાખલ થયા છે, તેની રિક્ષમાં પણ તોડફોડ થઇ હતી
રાજકોટ તા. ૨૦: મવડીના ઓમનગરમાં રહેતાં અને ઘર નજીક ચાલીસ ફુટ રોડ મોમાઇ ચોકમાં કેટરર્સની ઓફિસ ધરાવતાં પ્રોૈઢ, તેમનો પુત્ર અને પુત્રી રાતે ઓફિસમાં હતાં ત્યારે અગાઉ એક મહિલા કે જે પીઝાનું કામ કરે છે તેણીને અગાઉના કામના રૂા. ૫૦ હજાર ચુકવવાના બાકી હોઇ તેણીના ભાગીદાર ભગવતીપરાના શખ્સ સહિત પાંચ જણાએ ઓફિસે આવી રૂપિયા અત્યારે જ આપવા પડશે કહી ધોકા-લોખંડના પાઇપથી હુમલો કરી કેટરર્સ સંચાલક પ્રોૈઢ, તેના પુત્ર, પુત્રીને માર મારતાં ત્રણેયને સારવાર લેવી પડી હતી. એકને દાખલ થવું પડયું હતું. સામે પક્ષે પણ કાકા-ભત્રીજાને ઇજા થઇ હતી. આ ઘટનાના સીસીટીવી ફુટેજ વાયરલ થયા હતાં.
આ બનાવમાં તાલુકા પોલીસે મવડી ઓમનગર શરી નં. ૯ મોમાઇ ચોક ઓમ બોયઝ હોસ્ટેલવાળી શેરીમાં શ્રી ગોપાલ નિવાસ ખાતે રહેતાં અને ગોપાલ કેટરર્સ નામે ધંધો કરતાં ભરતભાઇ ચતુરભાઇ મારડીયા-વરીયા પ્રજાપતિ (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી વાલાભાઇ ડાંગર તથા અજાણ્યા બીજા ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. સામા પક્ષે પણ ભગવતીપરા ગાંધી સ્મૃતિ સોસાયટી-૧૦માં રહેતાં કેટરર્સના ધંધાર્થી વાલજીભાઇ સુખાભાઇ ડાંગર (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી વિશાલ અને તેના પિતા ભરતભાઇ વિરૂધ્ધ ગુનો દાખલ થયો છે. મારામારીમાં વાલજીભાઇ અને તેના ભત્રીજા જયપ્રકાશને ઇજા થતાં તે પણ સારવાર માટે દાખલ થયા હતાં.
ભરતભાઇ મારડીયાએ જણાવ્યું છે કે હું હું કેટરર્સનો ધંધો કરુ છું અને મારે ઘર પાસે જ ૪૦ ફુટ રોડ પર કેટરર્સની ઓફિસ છે. મારી સાથે મારા પુત્ર વિશાલ મારડીયા (ઉ.વ.૩૨) પણ કેટરર્સનું કામ કરે છે. આજથી પાંચેક મહિના પહેલા મેં કોમલબેન વનરાજભાઇ ચાવડા કે જે પીઝા બનાવવાનું કામ કરે છે તેની સાથે કેટરર્સનું કામ રાખ્યું હતું. તેના મારે રૂા. ૫૦ હજાર આપવાના બાકી હતાં.
દરમિયાન મંગળવારે સાંજે આઠેક વાગ્યે હું મારી કેટરર્સની ઓફિસે હતો ત્યારે મારા પુત્ર વિશાલ (ઉ.વ.૩૪) અને પુત્રી પાયલ (ઉ.વ.૩૨) પણ મારી સાથે હાજર હતાં. આ વખતે ઓફિસે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને કોમલબેનના પૈસાનું કહી બોલાચાલી કરવા માંડયો હતો. તેણે-કોમલબેનના પૈેસા આપી દે તેમ કહી ગાળો ભાંડી હતી. ત્યાં થોડીવારમાં કોમલબેનના ભાગીદાર વાલાભાઇ ડાંગર પણ રિક્ષાનં. જીજે૦૩બીટી-૫૦૧૧ લઇને બીજા ત્રણ અજાણ્યા શખ્સ સાથે આવેલ અને તેણે ૫૦ હજારની ઉઘરાણી કરી અત્યારે જ રૂપીયા આપી દે તેમ કહી ધોકા-પાઇપથી હુમલો કરી મને માર માર્યો હતો. મારી દિકરી પાયલ વચ્ચે પડતાં તેને માથામાં લોખંડના પાઇપનો ઘા લાગી ગયો હતો.
બીજા ત્રણ જણાએ મારા દિકરા વિશાલને બેફામ આડેધડ ધોકા-પાઇપથી માર મારવાનું શરૂ કર્યુ હતું. આ કારણે લોકો ભેગા થઇ જતાં વાલા ડાંગર સહિતના ભાગી ગયા હતાં અને જતાં જતાં કહેલું કે-રૂપિયા આપી દેજે બાકી બાપ-દિકરાને જીવતા નહિ મુકીએ. આ દરમિયાન મારો બીજો દિકરો કિશન તથા બીજા લોકો આવી જતાં ૧૦૮ મારફત અમને સારવારમાં લાવ્યા હતાં. મને જમણા હાથે ધોકો લાગવાથી ઇજા થઇ હતી. મારા પુત્ર વિશાલને આખા શરીરે ઇજાઓ હોઇ તેને દાખલ કરવો પડયો હતો. મારી નાની પુત્રીને માથામાં પાઇપ લાગતાં માથુ ફુટી જતાં ત્રણ ટાંકા લેવા પડયા હતાં.
સામા પક્ષેથી ભગવતીપરા ગાંધી સ્મૃતિ સોસાયટી-૧૦માં રહેતાં વાલજીભાઇ સુખાભાઇ ડાંગર (ઉ.વ.૪૫)એ પણ વળતી ફરિયાદ વિશાલ ભરતભાઇ મારડીયા અને ભરતભાઇ ચતુરભાઇ મારડીયા વિરૂધ્ધ દાખલ કરાવી હતી. વાલજીભાઇએ જણાવ્યું હતું કે હું કેટરર્સનું કામ કરુ છું અને કોમલબેન ચાવડા મારા ભાગીદાર છે. કોમલબેનને ગોપાલ કેટરર્સવાળા ભરતભાઇ ચતુરભાઇ મારડીયા પાસેથી અગાઉના પીઝાના ઓર્ડરના રૂા. ૫૦ હજાર લેવાના હતાં. આ રૂપિયા લેવા માટે ભરતભાઇએ અમને તેની ઓફિસે બોલાવ્યા હતાં. અમે ઓમનગર પાર્ટ-એ ૪૦ ફુટ રોડ પર તેની ઓફિસે જતાં ભરતભાઇ, તેનો પુત્ર વિશાલ સહિતના હાજર હતાં. રૂપિયાની વાતચીત ચાલી રહી હતી ત્યારે વિશાલે ઉશ્કેરાઇ જઇ અમને ગાળો દેતાં ના પાડતાં વધુ ગાળો દેતાં ઝઘડો થયો હતો. મારી સાથે મારો ભત્રીજો જયપ્રકાશ અને બીજા ત્રણ લોકો પણ હતાં. આ લોકોએ અમને છોડાવ્યા હતાં.
આ પછી ભરતભાઇએ પૈસા દેવાના થતાં નથી તેમ કહેલુ અને તેના પુત્ર વિશાલે ઉશ્કેરાઇ જઇ ધોકો લઇ દોડતાં અમે જીવ બચાવી રિક્ષા મુકીને ભાગી ગયા હતાં. મને ધોકાથી ડાબા હાથમાં ઇજા થઇ હતી અને મારા ભત્રીજા જયપ્રકાશને પણ ઇજા થતાં અમે બને મધુરમ્ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. અમને આ લોકોએ મારી નાખવાની ધકી પણ દીધી હતી.
તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં હેડકોન્સ. બી. જે. ખેરએ બંને પક્ષની ફરિયાદ દાખલ કરી હતી. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મારામારીના સીસીટીવી ફુટેજના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતાં. જેમાં બેફામ ધોકા-પાઇપથી મારામારી થતી હોવાના દ્રશ્યો જોઇ શકાય છે
(3:03 PM IST)










