News of Wednesday, 20th November 2024
મર્ડર, ચોરી અને મારામારીમાં સામેલ સાવન ઉર્ફ લાલીને એસઓજીએ તમંચા-કાર્ટીસ સાથે દબોચ્યો
રાજકોટના જ શખ્સ પાસેથી લીધાનું રટણઃ પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ એન. વી. હરિયાણીની ટીમે તોપખાના પાસેથી પકડયો હેડકોન્સ. રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, કોન્સ. વિરદેવસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૨૦: શહેર એસઓજીની ટીમે વધુ એક શખ્સને ગેરકાયદે હથીયાર અને કાર્ટીસ સાથે પકડી લઇ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. અગાઉ મારામારી, મર્ડર, ચોરી સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા (ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે. સાંઢીયા પુલ પાસે વાલ્મીકવાડી ઝુંપડપટ્ટી, જામનગર રોડ)ને દેશી બનાવટનો તમંચો તથા જીવતા કારતુસ સાથે ભીસ્તીવાડ પાસે તોપખાના વાલ્મિકીવાડીના ગેઈટ પાસે પંચનાં મેલડી માતાજીનાં મંદિરના ઓટલા પાસેથી પકડી લેવાયો છે.
ગુનેગારો અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર શષાોની હેરાફેરી, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ સંબંધીત પ્રવળતિ ઉપર નિયંત્રણ લાવવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું હોઈ તે અંતર્ગત ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડકોન્સ. રાજેશભાઈ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને કોન્સ. વીરદેવસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી સાવન ઉર્ફ લાલીને દબોચી લઇ ૫ હજારનો દેશી તમંચો અને રૂા. ૨૦૦ના બે જીવતા કાર્ટીસ કબ્જે કરાયા છે. આ શખ્સને દુશ્મનાવટ ચાલતી હોઇ અને હત્યા સહિતના ગુનામાં સંડોવાઇ ચુક્યો હોઇ રાજકોટના જ એક શખ્સ પાસેથી તમંચો મેળવ્યાનું રટણ કરતો હોઇ વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.
ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એન. વી. હરિયાણી, હેડકોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઈ બાળા, અજયભાઈ ચૌહાણ, જીજ્ઞેશભાઈ અમરેલીયા, યુવરાજસિંહ જાડેજા તથા કોન્સ. વિરદેવસિંહ જાડેજા અને મુકેશભાઈ ડાંગરે આ કામગીરી કરી હતી.
(12:14 PM IST)










