<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

દમણથી રાજકોટ આવેલા ૩.૭૫ લાખના દારૂ-બીયર ભરેલા ટ્રક સાથે કિશન-જય પકડાયાઃ સુત્રધાર હાર્દિક ડોડીયા ભાગી ગયો

માધાપર ચોકડી પાસે ગાંધી સોસાયટી સામે ‘કટીંગ' થાય એ પહેલા દરોડોઃ પાઇલોટીંગ કરી રહેલો સુત્રધાર નાસી ગયો : રૈયા રોડ મીરાનગરના હાર્દિકે દમણથી માલ મંગાવ્‍યો હતોઃ તાલપત્રી નીચે જથ્‍થો છુપાવ્‍યો હતોઃ પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્‍સ. શક્‍તિસિંહ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ સહિતની ટીમની કામગીરીઃ કુલ ૯.૫૫ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૦: શહેરમાં દારૂની હેરાફેરીનો વધુ એક વખત પર્દાફાશ થયો છે. એલસીબી ઝોન-૨ ટીમે જામનગર રોડ માધાપર ચોકડી નજીક આવેલી ગાંધી સોસાયટી (વ્‍હોરા સોસાયટી)ની સામેના ભાગે એચપી પેટ્રોલ પંપવાળી શેરીમાં વહેલી સવારે બાતમી પરથી વોચ રાખી રૂા. ૩,૭૫,૧૭૪ના દારૂ-બીયરના જથ્‍થા સાથેનો ટ્રક પકડી લઇ બે શખ્‍સને દબોચી લઇ કુલ રૂા. ૯,૫૫,૬૭૪નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. સુત્રધાર આ ટ્રકનું બાઇક પર પાઇલોટીંગ કરતો હતો તે ભાગી ગયો હતો. દમણથી આ દારૂ-બીયર લાવવામાં આવ્‍યો હતો.

શહરેમાં દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા સુચના મળી હોઇ પીએસઆઇ આર. એચ. ઝાલા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી કે જામનગર રોડ માધાપર ચોકડી નજીક ગાંધી સોસાયટી સામે જીઆઇડીસી વ્‍સ્‍તિારમાં એચપી પંપવાળી શેરીમાં દારૂ ભરેલા ટ્રકમાંથી કટીંગ થવાનું છે. આને આધારે ટીમ ત્‍યાં પહોંચતા બાઇક પર પાઇલોટીંગ કરી રહેલો શખ્‍સ ભાગી ગયો હતો. જ્‍યારે એલસીબી ઝોન-૨ ટીમે જીજે૧૦એક્‍સ-૯૯૬૩ નંબરનો ટ્રક આંતરી લીધો હતો.

આ ટ્રકમાં પાછળ તાલપત્રી નીચે તપાસ કરતાં દારૂ-બીયરનો જથ્‍થો મળ્‍યો હતો. પોલીસે ૮૩૫૨૦ની ૧૨૦ બોટલ રોયલ ચેલેન્‍જ વ્‍હીસ્‍કી, ૮૮૬૮૦ની ૧૨૦ બોટલ ઓલ સીઝન વ્‍હીસ્‍કી, રૂા. ૭૩૦૩૮ની ઓલ્‍ડ મોન્‍ક રમની પ્‍લાસ્‍ટીકની બોટલો ૧૧૧, ઓલ્‍ડ મોન્‍કની ૭૮૯૬૦ની અન્‍ય ૧૨૦ બોટલો, રૂા. ૫૦૯૭૬ના બડવાઇઝર બીયરના ટીન ૪૩૨ મળી કુલ રૂા. ૩,૭૫,૬૭૪નો દારૂ કબ્‍જે કર્યો હતો. તેમજ પાંચ લાખનો ટ્રક, પ૦ હજારનું જીજે૦૩એલએફ-૦૪૫૬ નંબરનું બાઇક, ૩૦ હજારના બે મોબાઇલ ફોન તેમજ તાલપત્રી મળી ૯,૫૫,૬૭૪નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

ટ્રકમાંથી પોલીસે કિશન નરેન્‍દ્રભાઇ પરમાર (ઉ.વ.૨૮-રહે. ગાંધીગ્રામ-૧૨ મોમાઇ કૃપા) અને જય મુકેશભાઇ વાઢેર (ઉ.વ.૨૬-રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ મોદી સ્‍કૂલ સામે સદ્દગુરૂ પાર્ક બ્‍લોક નં. ૭)ને પકડી લીધા હતાં. બંનેની પુછતાછ થતાં ભાગી જનાર શખ્‍સ રૈયા રોડ મીરાનગર-૪માં રહેતો હાર્દિક ઉર્ફ હરિ નિતીનભાઇ ડોડીયા હોવાનું અને તેણે જ દમણથી આ દારૂ બીયરનો માલ મંગાવ્‍યાનું કહેતાં તેની શોધખોળ થઇ રહી છે. કિશન ડ્રાઇવીંગ કરતો હોઇ તે અને જય હાર્દિકના કહેવાથી દમણ ગયા હતાં. હાર્દિક પકડાયા બાદ મોકલનારાની વિગતો ખુલશે. કિશન અગાઉ દારૂમાં, જય જૂગારમાં અને હાર્દિક દારૂમાં પકડાઇ ચુક્‍યો છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ઇન્‍ચાર્જ ડીસીપી પૂજા યાદવની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્‍સ. શકિતસિંહ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, કોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ રાણાએ આ દારૂ બીયરનો જથ્‍થો પકડી લેવાની કામગીરી કરી હતી. (૧૪.૯)

(2:37 PM IST)