<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

રામકથામાં ખોડીયાર રાસમંડળ અન્નક્ષેત્ર ધમધમાવશે

દરરોજ અડધો લાખ લોકો જમશે : શુધ્‍ધ ઘી અને સીંગતેલમાંથી બનશે રસોઇ : ખોડલધામ સમિતિના બહેનો પણ સહયોગમાં

રાજકોટ તા. ૨૦ : આગામી તા. ૨૩ ના શનિવારથી રાજકોટમાં રેસકોર્ષ ખાતે શરૂ થઇ રહેલ પૂ. મોરારીબાપુની કથા સાંભળવા આવનાર મહેમાનોને જમાડવા ખોડીયાર રાસ મંડળે જવાબદારી ઉપાડી લીધી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ખોડીયાર રાસ મંડળના સેવકોએ જણાવ્‍યુ હતુ કે આ મંડળ છેલ્લા ૨૩ વર્ષની વિવિધ ધર્મોત્‍સવમાં ભોજન વ્‍યવસ્‍થા સંભાળતુ આવ્‍યુ છે. ગીરનારની લીલીપરીક્રમા હોય કે કથાનું આયોજન હોય કે પછી કોઇપણ મોટો ધર્મોત્‍સવ હોય લોકોને જમાડવાની સેવા આ મંડળ અચુક આપે છે.

ત્‍યારે હાલ પૂ. મોરારીબાપુની કથાનું દિવ્‍ય આયોજન રાજકોટમાં થતા અન્નક્ષેત્ર ધમધમાવવા ખોડીયાર રાસ મંડળની ટીમે સુકાન સંભાળી લીધુ છે. દરરોજ અંદાજીત ૫૦ હજારથી વધુ લોકો માટે ભોજન બનશે. આ માટે શુધ્‍ધ ધી અને સીંગતેલમાંથી રસોઇ બનાવવામાં આવશે.

મેનુ જોઇએ દરરોજ દાળભાત, શાક, રોટલી, સંભારા અને મીઠાઇ પીરસાશે.  મીસ્‍ટાન દરરોજ ફરતુ રહેશે. પ્રથમ દિવસે ફાડા લાપસી મીકસ ભજીયા, બીજા દિવસે મોહનથાળ, ગાંઠીયા. ત્રીજા દિવસે લીસા લાડુ, ભજીયા. ચોથા દિવસે બરફી, ચુરમુ, ડાકરોના ગોટા. પાંચમાં દિવસે ડ્રાયફ્રુટ બુંદી, ગાંઠીયા. છઠ્ઠા દિવસે અડદીયા પાક, વાટીદાળના ખમણ. સાતમાં દિવસે મગદાળનો શીરો, મીકસ ભજીયા. આઠમા દિવસે અમરત પાક, ફલુવડી ભજીયા. નવમાં દિવસે રવાનો શીરો, ગાંઠીયા, ભજીયા પીરસવામાં આવશે.

ભોજન પ્રસાદનો સમય સવારે ૧૧ થી બપોરના ર વાગ્‍યા સુધી રહેશે. આ માટેની તમામ વ્‍યવસ્‍થા કિશોરભાઇ વાડોદરીયા, ભીખાભાઇ આંબલીયા, જાદવભાઇ મોહનભાઇ કાકડીયા, વલ્લભભાઇ મનજીભાઇ પટેલની ટીમ સંભાળી રહી છે.

ઉપરાંત ખોડલધામ મહિલા સમિતિની બહેનો પણ રસોડાની સેવામાં સહયોગ આપશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ખોડીયાર રાસ મંડળ અન્નક્ષેત્રના સર્વશ્રી કિશોરભાઇ વાડોદરીયા, ભીખાભાઇ આંબલીયા, વલ્લભભાઇ પટેલ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:46 PM IST)