<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

સિવિલ હોસ્‍પિટલમાં ફરી માનવતા વિસરાઇ કે શું? પગ ભાંગેલો દર્દી વોર્ડમાંથી રસોડા પાસે કઇ રીતે પહોંચ્‍યો?

ગઇકાલે બપોરે અવધના ઢાળીયા પાસેથી મનોજ નામનો યુવાન ઘાયલ મળતાં ૧૦૮થી સિવિલમાં લાવતાં સર્જરીમાં દાખલ કરાયેલઃ રાતે ૧૧ વાગ્‍યે નાસી ગયાની નોંધ હોસ્‍પિટલની પોલીસ ચોકીમાં કરાવાઇઃ સવારે આ દર્દી ચડ્ડીભેર ઠુંઠવાતો, કણસતો મળ્‍યોઃ હેલ્‍પડેસ્‍કની ટીમે ફરી દાખલ કરાવ્‍યોઃ સીસીટીવી કેમેરા ચકાસાય તો રહસ્‍ય ખુલે

રાજકોટ તા. ૨૦: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં આમ તો દર્દીઓને તમામ પ્રકારની સારવાર સુવિધા મળી રહે છે, સોૈરાષ્‍ટ્ર ઉપરાંત કચ્‍છમાંથી પણ અહિ દર્દીઓ સારવાર માટે દાખલ થાય છે. પરંતુ ક્‍યારેક કોઇ તબિબ કે પછી કોઇ સ્‍ટાફ દ્વારા માનવતાને નેવે મુકી દઇ એવુ કરવામાં આવે છે કે હોસ્‍પિટલની નામનાને ડાઘ લાગે છે.  અગાઉ તબિબોએ એક વૃધ્‍ધ અશક્‍ત બિમાર દર્દીને સ્‍ટ્રેચરમાં નાંખી પોસ્‍ટમોર્ટમ રૂમ પાસે રઝળતા મુકી દીધા હતાં. એ ઘટનામાં કમિટીએ તપાસ કર્યા બાદ જવાબદારો સામે આકરી કાર્યવાહી કરી હતી. દરમિયાન એક શંકાસ્‍પદ કહી શકાય તેવી ઘટના સામે આવી છે. જેમાં એક આશરે ૩૪ થી ૩૫ વર્ષના યુવાન કે જે પોતાનું નામ મનોજ ઉધ્‍ધવ જણાવે છે તેને પગમાં ફ્રેકચર જેવી ઇજા સાથે સર્જરી વોર્ડમાં ગઇકાલે બપોરે દાખલ કરાયેલ. આ દર્દી રાતે વોર્ડમાંથી નાશી ગયાની પોલીસ ચોકીના ચોપડે નોંધ કરાવાઇ હતી! બીજી તરફ આજે બુધવારે સવારે આ દર્દી માત્ર ચડ્ડી પહેરલી હાલતમાં એમ્‍બ્‍યુલનસ રૂમ નજીક આવેલા રસોડા વિભાગની લોબીમાંથી કણસતી, ધ્રુજતી હાલતમાં મળી આવતાં ચકચાર જાગી હતી.

એક વ્‍યકિત કે જેણે શરીરે કપડાના નામે માત્ર ચડ્ડી પહેરી છે તે એમ્‍બ્‍યુલન્‍સ રૂમ નજીક લોબીમાં કણસે છે અને ધ્રુજે છે તેવી જાણ થતાં હેલ્‍પડેસ્‍કના સ્‍ટાફે ત્‍યાં પહોંચી તપાસ કરતાં વાત સાચી નીકળી હતી. સ્‍ટાફે તેનું નામ પુછતાં તેણે ત્રુટક અને ધ્રુજતા અવાજે મનોજ ઉધ્‍ધવ જણાવ્‍યું હતું અને ઉમર પાંત્રીસ કહી હતી. તે ક્‍યાં રહે છે તેની વધુ વિગતો એ યુવાન જણાવી શક્‍યો નહોતો. હેલ્‍પડેસ્‍કના સ્‍ટાફે મેડિકલ ઓફિસરને જાણ કરી દર્દીને ઇમર્જન્‍સી વોર્ડમાં લઇ જઇ ફરી દાખલ કરાવવાની તજવીજ કરી હતી.

તપાસ થતાં ખબર પડી હતી કે ગઇકાલે ૧૯/૧૧ના રોજ આ દર્દીને સર્જીકલ વિભાગમાં દાખલ કરાયેલ અને તેના પગમાં ફ્રેકચર છે તેમજ તે ચાલી શકે તેવી સ્‍થિતિમાં નથી. ૨૦/૧૧ના એટલે કે આજે આ દર્દી સવારે છેક એમ્‍બ્‍યુલન્‍સ વોર્ડ નજીક રસોડાની લોબી પાસેથી મળી આવતાં હેલ્‍પડેસ્‍કનો સ્‍ટાફ પણ ચોંકી ગયો હતો. હિસ્‍ટ્રી ચેક કરતાં આ દર્દીને ગઇકાલે મંગળવારે બપોરે અઢી વાગ્‍યા આસપાસ તે કાલાવડ રોડ અવધના ઢાળીયા પાસે ઇજાગ્રસ્‍ત પડેલ હોવાની જાણ થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં સર્જરી-૨ વોર્ડમાં દાખલ કરવામાં આવેલ, ત્‍યારે તેનું નામ મનોજભાઇ (ઉ.વ.૪૮) લખાવાયું હતું.

તે વખતે ઇમર્જન્‍સી વોર્ડના તબિબે આ બનાવમાં પોલીસ કેસ બનતો હોઇ જાણ કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે નોંધ કરી તાલુકા પોલીસમાં એન્‍ટ્રી નોંધાવી હતી. જેનો સમય સાંજે ચાર પછીનો એન્‍ટ્રીમાં હતો. જો કે બીજી તરફ ગઇકાલે જ રાતે અગિયાર વાગ્‍યે જે તે વોર્ડમાંથી હોસ્‍પિટલ ચોકીમાં નોંધ કરાવાઇ હતી કે આ દર્દી વોર્ડમાંથી નાશી ગયું છે! હેલ્‍પડેસ્‍કના સ્‍ટાફની નોંધ મુજબ જે દર્દીનો પગ ભાંગી ગયો છે અને તે ચાલી શકે તેવી હાલતમાં નથી તે દર્દી કઇ રીતે છેક સર્જરી વોર્ડમાંથી રસોડાની લોબી સુધી પહોંચી ગયું? વળી આ દર્દી ભાગી ગયું છે તેવી નોંધ કોણે કરાવી? તસ્‍વીરમાં આજે સવારે દર્દી કે જે પોતાનું નામ મનોજ જણાવે છે તે કઇ હાલતમાં હતું તે દ્રશ્‍ય અને હેલ્‍પડેસ્‍કનો સ્‍ટાફ તેને ફરી દાખલ કરવા લઇ જતો હતો તે જોઇ શકાય છે. દર્દીને ફરી કોઇએ તગેડી મુક્‍યું કે પછી અન્‍ય કંઇ બન્‍યું? તે અંગે તરેહ તરેહની ચર્ચા છે. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

(3:18 PM IST)