News of Wednesday, 20th November 2024
ઘર પાસે લઘુશંકા કરવા અંગેના ડખ્ખામાં હત્યા કરનારા રવિ અને વિજય જેલહવાલે
રણુજા મંદિર પાસે હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનો કારસો નિષ્ફળ આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા અને ટીમે એક આરોપી રવિ દિકરાનો બર્થડે ઉજવવા આવતાં જ દબોચી લીધોઃ બાદમાં સાગ્રીત પણ ઝબ્બે એએસઆઇ હારૂનભાઇ ચાનીયા અને રવિભાઇ વાંકની બાતમી

રાજકોટ તા. ૨૦: કોઠારીયા રણુજા મંદિર નજીક ગત ૧૬મી તારીખે હત્યાનો બનાવ નોંધાયો હતો. આ ઘટનામાં પોલીસે તપાસ કરતાં બે શખ્સોએ આ બનાવને અકસ્માતમાં ખપાવી દેવા પ્રયાસ કર્યાના પુરાવા મળ્યા હતાં. હત્યા બાદ મુખ્ય આરોપી અને સાગ્રીત ફરાર હતાં. જેમાં સુત્રધાર તેના દિકરાનો જન્મદિવસ ઉજવવા ઘરે આવતાં જ પકડી લેવાયો હતો અને બાદમાં સાગ્રીતને પણ પકડી લેવાયો હતો. બંનેને જેલહવાલે કરવામાં આવ્યા છે. ઘર પાસે લઘુશંકા કરવાના ડખ્ખામાં હત્યા થઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ જુનાગઢના ઢોરવા ગામના અને હાલ રાજકોટના લાપાસરી રોડ પર મફતિયાપરામાં રહી કડીયાકામ કરતા વિજયભાઈ ઉર્ફે વિભો સમજુભાઈ સોલંકી (ઉ.૪૫) ગત તા.૧૨ના રોજ રણુજા મંદિર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા એક રિક્ષાચાલકે તેને હોસ્પિટલે ખસેડયા હતાં અને જે તે વખતે તેને અકસ્માત નડયો છે તેવું કહેવાયુ હતું. સારવાર દરમિયાન વિજયભાઇનું મોત થતાં આજીડેમ પોલીસે તપાસ કરતાં અને પોસ્ટમોર્ટમ કરાવતાં મારથી મોત થયાની વિગતો ખુલતાં વિશેષ તપાસ કરતાં એવા પુરાવા મળ્યા હતાં કે વિજયભાઇને બે શખ્સોએ માર મારી બાદમાં તેને અકસ્માતમાં ઇજા થઇ છે કહી એક રિક્ષવાળાને ઉભો રાખી તેને હોસ્પિટલે ખસેડવા કહી દઇ બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યાની માહિતી મળી હતી.
પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરતાં એએઅસાઇ હારૂનભાઇ ચાનીયા અને રવિભાઇ વાંકને મળેલી બાતમી પરથી સુત્રધાર વેલનાથપરામાં રહેતાં રવિ વિક્રમભાઈ ઉર્ફે ગડો કાલીયા (ઉ.૨૬ )ને તે તેના દિકરાનો જન્મદિવસ ઉજવવા આવતાં પકડી લીધો હતો. તેમજ સાથેના આરોપી સોમનાથ સોસાયટીનો વિજય ભુપતભાઈ ચાવડા (ઉ.૨૫)ને પણ પકડી લીધો હતો. રવિના ઘર પાસે વિજયભાઇ લઘુશંકા કરવા ઉભા હોઇ તેણે ડખ્ખો કરી મિત્ર વિજય સાથે મળી બેફામ માર માર્યો હોવાનું કબુલ્યું હતું. પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં ટીમે આ કામગીરી કરી હતી.
(3:39 PM IST)










