News of Wednesday, 20th November 2024
સંપૂર્ણ ‘સંસ્કાર' પરિવાર રાજકોટ નાગરિક બેન્કને કૌભાંડ મુક્ત બનાવીને જંપશે : કલ્પક મણીઆર
દસ લાખથી વધુ લોકોનો વિશ્વાસ ટકી રહેશે તોજ બેન્કનું અસ્તિત્વ સુરક્ષિત છે, ચૂંટાયેલા નવા ડિરેકટરો અભિનંદન સાથે અનિવાર્ય અપેક્ષાને પાત્ર છે : વિબોધ દોશી બેન્કના સભાસદો ૩ લાખથી વધુ છે : દસ લાખથી વધુ થાપણદાર ગ્રાહકો છે : તેમણે ચૂંટણીમાં ભાગ લીધો નથી!!

રાજકોટ : ‘સંસ્કાર' પેનલના શ્રી વિબોધ દોશી જણાવે છે કે રાજકોટ નાગરિક સહકારી બેન્કના ચૂંટણી પરિણામોમાં અમારો પરાજય થયો છે સતાધારી જુથ હતું એમના પ્રેરિત ડિરેક્ટરો ચૂંટાઈને આવ્યા છે પરંતુ જેઓ એ કૌભાંડોને છેલ્લા દોઢેક વર્ષથી છાવરીયા હતા તે કોઈ જૂના જોગીઓ હવે બેન્કના બોર્ડમાં નથી રહેતા. તેવા ૨-૫ લોકોએ ઉમેદવારી જ નોંધાવી નહોતી. બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડો હતા અને છે, સતાધારી જુથના સમર્થકો ચૂંટાઈને આવે તેથી કૌભાંડો મટી નથી જતાં. આ ચૂંટણીમાં બેન્કના સભાસદો કે જેની સંખ્યા ત્રણ લાખ સાડત્રીસ હજાર છે તેઓ તેમજ થાપણદારો, ગ્રાહકો વિગરેનો મળીને દસ લાખથી વધુનો નાગરિક પરિવાર છે તેમણે ચૂંટણીમાં ભાગ લીધો નથી.
દસ લાખથી વધુ લોકોનો વિશ્વાસ ટકી રહેશે તોજ બેન્કનું અસ્તિત્વ સુરક્ષિત છે, ચૂંટાયેલા નવા ૨૧ ડિરેકટરો અભિનંદન સાથે અનિવાર્ય અપેક્ષાને પાત્ર છે તેમ સંસ્કાર પેનલના કો-ઓર્ડિનેટર શ્રી વિબોધ દોશી એ જણાવ્યુ હતું. નાગરિક બેન્કમાં સુશાસન તેમજ શુધ્ધિકરણ સંઘર્ષને બદલે સંવાદથી પણ શકય છે. જો નવી ટિમ સ્વાયત્ત અને સ્વતંત્ર સંચાલન કરે અને જૂના બહાર નીકળી ગયેલા જોગીઓના રિમોટ કંટ્રોલથી નિર્ણય પ્રક્રિયા નો કરે તો જ બેન્કનું ભવિષ્ય ઉજળું છે. ગત ૧૩-૦૯-૨૦૨૪ ને શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના મુંબઈ સ્થિત ટોપ લેવલના અધિકારી એવા સીજીએમ દ્વારા તાકીદની અને મહત્વની મિટિંગ ઓનલાઈન લીધેલ. આ મિટિંગમાં બેન્કના સીઈઓ શ્રી વિનોદ કુમાર શર્મા, શ્રી જિમ્મીભાઈ દક્ષિની, શ્રી કલ્પકભાઈ મણીઆર તેમજ શ્રી નલિનભાઈ વસા સહિતના અન્ય એક-બે લોકો હાજર રહેલ.
બેન્કના સીઈઓ શ્રી શર્મા સાહેબને શ્રી વિબોધ દોશીએ જાહેરમાં કેટલાક પ્રશ્નો પૂછયા છે અને તેનો જાહેરમાં માત્ર ‘હા' કે ‘ના' માં જવાબ આપવા પડકાર ફેંકયો છે.
(૧)- મુંબઈની કાલબાદેવી બ્રાન્ચના ૨૫ તેમજ જુનાગઢ બ્રાન્ચના ૩૫ કૌભાંડ યુક્ત લોન ખાતાઓ અને તે બન્ને બ્રાન્ચના અન્ય શંકાસ્પદ લોન ખાતાઓમાં સંડોવાયેલા કૌભાંડીયાઓ સામે પોલીસ ફરિયાદ, એફઆઈઆર અને અન્ય કડક કાર્યવાહી કરવા માટે સુંચના અપાયેલ છે કે નહીં ? હા કે ના ?
(૨)- ઉપરોક્ત તમામ ખાતાઓનું બારીકાઈ પૂર્ણ સ્ટેચ્યુટરી ઓડિટર પાસે ઓડીટ કરાવવું. ત્યારબાદ બેન્ક ની કોમેન્ટ સાથેનો સ્પેશિયલ રિપોર્ટ રિઝર્વ બેન્કમાં સબમિટ કરવો, મિટિંગમાં અપાયેલ આ હુકમ સાચો છે કે ખોટો ? હા કે ના ?
(૩)- જો રાજકોટ નાગરિક બેન્ક કૌભાંડ-સ્કેમ અંગે કાઇપણ છુપાવશે કે ઠંડુ પાણી રેડવાનો -યાસ કરશેતો રિઝર્વ બેન્ક પોતાની અમર્યાદિત અને વિશાળ સતાનો ઉપયોગ કરીને નાગરિક બેન્ક સામે અંતિમ પગલાઓ ભરશે તેમ સીજીએમ શ્રીએ મક્કમતા પૂર્વક અને પૂરી ગંભીરતાથી નહતું કહ્યું ? હા કે ના ?
શ્રી વિબોધ દોશીએ જણાવેલ કે જ્યારે હું અખબારી જાહેર નિવેદન આપું છું ત્યારે તે આધારભૂત પુરાવા વગર નથી જ આપતો.
ઉમેદવારો-કાર્યકર્તાઓ તેમજ સમર્થકો સહિત અમો સંપૂર્ણ ‘સંસ્કાર' પરિવાર રાજકોટ નાગરિક બેન્કને કૌભાંડ મુક્ત બનાવીને જંપીશું તેમ શ્રી કલ્પક મણીઆરે જણાવ્યુ હતું. સામેના પક્ષે વ્યક્તિગત રીતે કેટલાક સંઘ ના સ્વયં સેવકો કે ભાજપના લોકો હતા પરંતુ સંગઠન તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, કે ભારતીય જનતા પાર્ટી ન હતી. અમારો સંઘર્ષ સંઘ અને ભાજપની મૂળભૂત વિચારધારાને અનુરૂપ જ છે. અમો પેઢી દર પેઢી સંઘ-ભાજપના સ્વયં સેવક અને કાર્યકર્તા તરીકેના સંસ્કાર સાંચવતા આવ્યા છીએ અને ભવિષ્યમાં કોઈપણ સંજોગોમાં સંસ્કારથી દૂર નહીં જઈએ તેમ વિબોધભાઈ કહે છે.
આ ચૂંટણીથી સૌથી મોટો લાભ તો એ થયેલ છે કે બેન્કનું ગેર શાસન અને કૌભાંડોની હકીકતો જાહેર જનતા સમક્ષ આવી છે. શ્રી કલ્પકભાઈએ જણાવ્યુ હતું કે, સતા નહીં પરંતુ સત્ય એ સંઘના સાચા સ્વયં સેવકનું કર્તવ્ય છે જે અમોએ નિભવ્યું છે અને નિભાવતા રહીશું. રાજકોટ નાગરિક બેન્કને કૌભાંડ મુક્ત બનાવીને જૂના ભવ્ય ભૂતકાળ જેવુ સુવર્ણ ભવિષ્ય બનાવવા અમો બેન્કની બહાર રહીને પણ સક્ષમ છીએ. અમારા આત્મવિશ્વાસ કે ઈચ્છા શક્તિને ચૂંટણીના પરિણામો સહેજ પણ વિચલિત નથી કરી શકયા. મહા નવલ કથા માહેનું ‘ચૂંટણી' એ એક માત્ર પ્રકરણ હતું, નવલ કથાના આગામી પ્રકરણો આવતાજ રહેશે. જેનો અંત સત્યને સમર્પિત, આનંદિત તેમજ મહા લોક કલ્યાણકારી હશે તેમ શ્રી વિબોધ દોશી (મો. ૯૪૨૮૨ ૬૦૬૦) જણાવે છે.
(4:39 PM IST)










