News of Wednesday, 20th November 2024
મનપાનો ૫૦ લાખનો ખર્ચ છતાં બોલીવુડ નાઇટમાં છવાઇ અંધાધુધી
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ ઘટનાને વખોડી કર્યા આક્ષેપ : વીઆઇપી તથા વીવીઆઇપી નિમંત્રણ કાર્ડ ધારકોને યોગ્ય વ્યવસ્થા ન મળતા રોષ ઉભો થયેલઃ ઇન્ચાર્જ મ્યુ.કમિશનરને પત્ર લખી ખર્ચની વિગતો મંગાઇ

રાજકોટ તા.૨૦: ગઇકાલે મનપાના સ્થાપના દિવસ નિમિતે યોજાયેલ બોલીવુડ મ્યુઝીક નાઇટમાં લોકો અને પોલીસ વચ્ચે ઝપાઝપીની ઘટનાને શહેર કોંગ્રેસ દ્વારા વખોડી કાઢી લાખોના સલામતી ખર્ચ બાદ પણ બોલીવૂડ મ્યુઝિકલ નાઇટમાં અંધાધુંધી ફેલાઈ હોવાનું અને લાગવગીયાઓ વીવીઆઇપી, વીઆઇપીમાં ગોઠવાતા નિમંત્રણ પાઠવેલાઓને હાડમારી વેઠવી પર્ડીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આક્ષેપમાં જણાવાયેલ મુજબ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ૫૧ વર્ષના સ્થાપના દિન નિમિત્તે દિવાળી ઉત્સવ તેમજ મેયર એવોર્ડ સહિતના કાર્યક્રમોની સાથોસાથ ૫૧મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સુપ્રસિદ્ધ બોલીવૂડ સિંગર અમાલ માલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુત ‘બોલીવૂડ મ્યુઝીકલ નાઈટ' યોજવામાં આવી હતી રાજકોટના યાજ્ઞિક રોડ પરના ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ગ્રાઉન્ડ ખાતે ગઈકાલે રાત્રે યોજાયેલી આ નાઇટમાં અડધો કરોડ જેટલો ખર્ચ કરવામાં આવેલ છે. બોલીવૂડ મ્યુઝિકલ નાઈટનો તમામ ખર્ચની વિગત આજે જિલ્લા કલેકટર ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી સમક્ષ લેખિત માંગવામાં આવી છે.
ગઈકાલે યોજાયેલી નાઇટમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ગુલાબી કલરના પાસધારકો વીવીઆઈપી માટે તેમજ બ્લુ કલરના પાસ ધારકો વીઆઈપી માટે અને આમ જનતા માટે ને કઈ તરફના ગેઇટ થી એન્ટ્રી મળશે તે બાબતે જણાવ્યું હતું. પરંતુ વીઆઈપી તરફના ગેઇટમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી અને તે ફાયર બ્રિગેડનું વાહન મૂકી દેવામાં આવેલ હતું અને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા જે પગલે નિમંત્રણ અપાયેલા કાર્ડ ધારકો રોષે ભરાયા હતા અને મહાનગરપાલિકાના નિમંત્રણ કાર્ડ ત્યાં રસ્તા પર ફાડી દઇ વિરોધ કર્યો હતો.
એટલું જ નહીં જે લોકો સમયસર આવેલ હોય તેવા વીવીઆઈપી પાસ ધારકો જે ગુલાબી કલરના પાસ હતા તેવા લોકોને વહેલો તે પહેલાંના ધોરણે સોફા પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી અને વીઆઈપી પાસ હતા તેવા લોકો માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ છતાં નિમંત્રણ અપાયેલા વીવીઆઈપી પાસમાં આગેવાનો ઉપસ્થિત થાય તે પહેલા વીઆઇપી પાસવાળા અને મળતીયાઓને ઘુસાડી દેવામાં દેવામાં આવેલ જે પગલે પાસ ધારકોને ભારે હાડમારી વેઠવી પડી હતી.
ઉપરાંત કાર્યક્રમનો સમય રાત્રે ૮:૩૦ કલાકે શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત હોવા છતાં કાર્યક્રમ ૯ કલાકે શરૂ કરાયો હતો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના સ્વાગત પ્રવચનમા શરૂઆતમાં જ માઇક બંધ પડી જતા માઈક બદલવાની ફરજ પડી હતી તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા ૪૬ વર્ષથી મેયર એવોર્ડ આપે છે.
મેયર એવોર્ડ ફક્ત છેલ્લા બે વર્ષથી આપવામાં આવે છે. મેયર એવોર્ડ માટે ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી હતી. સ્વાગત પ્રવચન બાદ મેયર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની વિકાસ ગાથા અને લાંબુ લચક લખાયેલું ભાષણ વાંચતા અને મુખ્યમંત્રી અને વડાપ્રધાનની રાહબરી હેઠળ વિકાસની હરણફાળ તરફ ગુજરાત આગળ ધપી રહ્યું હોવાનું જણાવેલ. બોલીવૂડ નાઈટ ૮:૩૦ ને બદલે ૯:૫૦ કલાકે શરૂ કરવામાં આવી હતી. કાર્યક્રમ શરૂ થતાની સાથે જ અમાલ મલિકની એન્ટ્રી થતાની ગણતરીની મિનિટોમાં જ સ્ટેજ પાસે યુવાનોના ટોળા ઉમટી પડ્યા હતા. સલામતી વ્યવસ્થા તુટી જતા અમાલ માલિકને યુવાનોને વિનંતી કરવી પડી તેમ છતાં ભીડ બેકાબુ બનતા કાર્યક્રમ બંધ કરી દઈ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ માઇક હાથમાં લેવાની ફરજ પડી હતી અને બેસવાની સુંદર વ્યવસ્થા અને આવું સુંદર આયોજન છે ત્યારે દરેક યુવાનો શાંતિ જાળવે એવી અપીલ કરવી પડી હતી.
રાજકોટ જિલ્લા કલેકટર અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં અંધાધુંધી અને અરાજકતા ફેલાઈ હતી. ખુદ પ્રભવ જોશી પણ ભીડમાં ફસાયા હતા. રાજકોટની જનતાને વધુને વધુ સારા કાર્યક્રમો થાય અને આનંદનો લહાવો મળે તે બાબતે કોંગ્રેસનો ખુલ્લો ટેકો છે પણ કરોડોના રૂપિયાના ખર્ચ કરવા છતાં આવી ઘટનાઓ અને બિલોમાં ભ્રષ્ટાચારની બદબૂ આવે તો તે સમયે અમારો ખુલ્લો વિરોધ છે તેમ અંતમાં રાજાણીએ જણાવ્યું હતું.(૨.૨૧)
બોલીવુડ મ્યુઝિકલ નાઇટ અંગેની તમામ ખર્ચની વિગત આપોઃ કોંગ્રેસ
મ્યુ. કમિશનરને પત્ર લખી માંગ
કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની સ્થાપનાની પ૧મી વર્ષ ગાંઠની ઉજવણી અનુસંધાનમાં ધર્મેન્દ્રસિંહજી આટર્સ કોલેજમાં બોલીવુડ મ્યુઝીકલ નાઇટનો કાર્યક્રમ તા. ૧૯ નાં રોજ રાત્રે ૮-૩૦ યોજાયેલ કાર્યક્રમના મંડપ, લાઇટીંગ, ડોકોરેશન, સ્ટેજ, રોશની, કલાકારોને અપાયેલ ફી, કલાકારોની સરભરાનો થયેલ ખર્ચ અને કાર્યક્રમનાં તમામ બિલ અને વાઉચરના નકલોની કોપી આપવા મ્યુ. કમિશનરને પત્ર લખી માંગ કરાઇ છે.
(3:48 PM IST)










