News of Wednesday, 20th November 2024
પોલિટેકનીક કોલેજના વર્ગમાં છાત્રને બીજા છાત્રએ છરી ભોંકી, ધમકી દઇને કહ્યું-બચી જઇશ તો ફરીથી મારીશ!
મુળ દેવભુમિ દ્વારકા પંથકનો છાત્ર બીજા મિત્રો સાથે મશ્કરી કરતો હતો ત્યારે અન્ય છાત્રએ તમે શું ઠઠ્ઠા મશ્કરી કરો છો? કહી ગાળો ધક્કો માર્યોઃ છાત્ર ઉભો થઇ ક્લાસમાં જતો રહ્યાની થોડીવાર પછી બીજો છાત્ર છરી સાથે આવ્યો ને હુમલો કર્યો

રાજકોટ તા. ૨૦: શહેરની આજીડેમ ચોકડી નજીક સરકારી પોલિટેકનીક કોલેજમાં એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ક્લાસમાં છરી ભોંકી દઇ ઇજા કરી જો બચી જઇશ તો પાછો પતાવી દઇશ તેવી ધમકી આપતાં આ છાત્રને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવમાં આજીડેમ પોલીસે મુળ દેવભુમિ દ્વારકાના ખંભાળીયા તાબેના ભરાણા ગામના વતની અને હાલ રાજકોટ લોહાણા બોર્ડિંગમાં રહી આજીડેમ ચોકડી નજીક પોલીટેકનીક કોલેજમાં સેમેસ્ટર-૧માં અભ્યાસ કરતાં અઢાર વર્ષના છાત્રની ફરિયાદ પરથી તેની સાથે જ ભણતાં વિદ્યાર્થી વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
છાત્રએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મંગળવારે ઓગણીસમીએ હું કોલેજે ગયો હતો. ત્યાં એકાદ વાગ્યે લંચ બ્રેક પડતાં હું અને બીજા બે મિત્ર મજાક મશ્કરી કરતાં હતાં. આ વખતે અમારા જ વર્ગમાં ભણતો અન્ય છાત્ર ત્યાં આવ્યો હતો અને તમે શું ઠઠ્ઠા મશ્કરી કરો છો? તેમ કહેતાં મેં તેને અમે મશ્કરી કરીએ તેમાં તને શું વાંધો છે? તેમ કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ ગાળ દેતાં મેં તેને ગાળ બોલવાની ના પાડતાં તેણે મન ધક્કો દઇ પછાડી દીધો હતો.
બાદમાં હું મારા ક્લાસમાં જતો રહ્યો હતો. બપોરે બે વાગ્યે તે ફરીથી ક્લાસમાં ધસી આવ્યો હતો ત્યારે તેના હાથમાં છરી હતી. તેણે મને કમરની ઉપરના ભાગે ડાબી બાજુ એક ઘા મારી દેતાં હું રાડારાડી કરવા માંડતા તે ભાગી ગયો હતો. જતાં જતાં ધમકી આપી હતી કે જો તું બચી જઇશ તો પછી પણ હું તને જાનથી મારી નાખીશ. આ વખતે મારા મિત્રો આવી ગયા હતાં અને મને મોટરસાઇકલમાં બેસાડી ગુંદાવાડી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. મને ખુબ જ લોહી નીકળતું હોઇ બ્લડપ્રેશર લો થઇ જતાં સંપુર્ણ ભાનમાં નહોતો. મને દાખલ કરાયો હતો. આજે ભાનમાં આવતાં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં તેણે કહેતાં પીએસઆઇ એચ. ટી. જીંજાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(4:39 PM IST)










