<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ઓનલાઇન લોન કરાવી આપવાના બહાને છેતરપીંડી કરનાર મહાવિરસિંહ સોલંકી સામે વધુ ચાર ગુના

જય ભોલેનાથ સોસાયટીના રોહિતભાઇના ર.પ૯ લાખ, મવડીના વિમલભાઇ, આનંદભાઇ કાચા અને આનંદભાઇ પાખાણીયાના રૂા. ૬૭ હજાર, રાજદીપ સોસાયટીના હિતેશભાઇના રૂા. ૧.૩૩ લાખ, ઘંટેશ્‍વર પાસે રહેતા લક્ષ્મીનારાયણભાઇ સાથે રૂા. ૭ર હજાર મળી રૂા. પ.૩ર લાખની છેતરપીંડી આચરી હોવાની સાયબર ક્રાઇમ, ભકિતનગર, માલવીયાનગર અને તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇઃ થોરાળા પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી

 

રાજકોટ તા. ર૦: શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં લોકોને ઓનલાઇન લોન કરાવી આપી છેતરપીંડી કરતા શખ્‍સ સામે થોરાળા પોલીસ મથકમાં એક યુવાન સાથે રૂા. ૧ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાયા બાદ થોરાળા પોલીસે છેતરપીંડી આચરનાર શખ્‍સને પકડી લઇ પૂછપરછમાં વધુ છ લોકો સાથે ઓનલાઇન લોન કરાવી આપી રૂા. પ,૩ર,પ૬પ ની છેતરપીંડી કર્યાની ચાર ફરિયાદ નોંધાઇ છે.

મળતી વિગત મુજબ થોરાળા વિસ્‍તારમાં રહેતા યુવાનને ઓન લાઇન લોન કરાવી આપી છેતરપીંડી કરતા મહાવિરસિંહ જીતેન્‍દ્રસિંહ સોલંકી સામે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્‍યા બાદ થોરાળા પોલીસે મહાવિરસિંહ જીતેન્‍દ્રસિંહ સોલંકીને સકંજામાં લઇ તેની પૂછપરછ દરમ્‍યાન તેણે અલગ અલગ વિસ્‍તારમાં વધુ છ લોકો સાથે છેતરપીંડી કર્યાની કબુલાત આપી હતી જેમાં તેણે મવડી પાળ રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા અને નારાયણનગર મેઇન રોડ પર ત્રીશુલ ચોક પાસે વેલ્‍ડીંગની દુકાન ધરાવતા વિમલભાઇ હસમુખભાઇ સિધ્‍ધપુરા (ઉ.વ. ૪ર) એ ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આજથી પાંચ-છ મહિના પહેલા તેની દુકાન નજીક મહાવિરસિંહ આવ્‍યો હતો અને લોનની જરૂરીયાત હોઇ તો કહેજો તેમ વાત કરી હતી પરંતુ તે વખતે પોતાને લોનની કોઇ જરૂર ન હતી ગત જુલાઇ માસમાં તેને રૂા. ૧ લાખની જરૂર પડતાં મહાવિરસિંહને જાણ કરી. તેણે પોતાની પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ લઇ સીબીલ સ્‍કોર ચેક કરી તેના મોબાઇલમાં એક એપ્‍લીકેશન ડાઉનલોડ કરાવી તેમાં મેસેજ કર્યા બાદ તેનું ગુગલપે એકાઉન્‍૭ ખોલાવી, પીન જાણી રૂપિયા ટ્રાન્‍સફર કરી લીધા હતા બાદ એપ કામ કરતી નથી કહી એપ ડીલીટ કરાવી નાખી હતી. વધુ તપાસ કરતા તેણે શ્રધ્‍ધાપાર્ક શેરી નં. ર માં રહેતા આનંદભાઇ મુકેશભાઇ કાચા સાથે રૂા. રર,પ૪૦ની અને કેવડાવાડી શેરી નં. ૧૭માં રહેતા આનંદભાઇ નરશીભાઇ પાણખાણીયા સાથે રૂા. ૧૧,૩૭૦ની છેતરપીંડી કરી હતી. આ અંગે પી.એસ.આઇ. આર. કે. સામુદ્રેએ તપાસ હાથ ધરી છે.

 જયારે બીજી ફરિયાદમાં માધાપર ગામ ઇશ્‍વરીયા મેઇન રોડ પર જય ભોલેનાથ સોસાયટી શેરી નં. ર માં રહેતા વેપારી રોહીત રાઘવભાઇ ચૌહાણ (ઉ.વ. ર૮) એ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે જામનગર રોડ પર શેઠનગર પાસે ‘શ્રી દ્વારકેશ ઇલેકટ્રીક એન્‍ડ હાર્ડવેર' નામની દુકાન ધરાવે છે. તા. ૧૪/૮ના રોજ પોતે દુકાને હતા ત્‍યારે એક શખ્‍સ પોતાની દુકાને આવીને પોતાનું નામ મહાવિરસિંહ સોલંકી જણાવી પોતે નવી બેંકમાંથી આવે છે તેમ ઓળખ આપી તમારે લોનની જરૂર છે. તેમ કહેતા પોતે તેને હા પાડી પોતાને રૂા. ર૦ હજારની લોનની જરૂર છે. પરંતુ જૂની લોન પૂરી થાય પછી કરાવી છે. તેમ કહેતા મહાવિરસિંહ કહેલ કે ‘તમારો ફોન આપો હું જઇને કહું તમારી લોન થાય છે કે નહીં' તેમ કહી પોતાનો ફોન લઇ લીધા બાદ આધાર કાર્ડ અને પાનકાર્ડ લઇ લીધા બાદ થોડી પ્રોસેસ કર્યા બાદ તમારી લોન થઇ ગઇ છે. કહેતા મારે હાલ કોઇ લોનની જરૂર નથી મારી જૂની લોન પુરી થાય બાદ નવી લોનની જરૂર નથી તમે લોન કેમ પાસ કરાવી કહેતા તેણે કહેલ કે લોન કલોઝ કરાવી હોઇ તો તમારા ખાતામાં આવેલા રૂપિયા મારા ખાતામાં ટ્રાન્‍સફર કરી આપો તમારી લોન બંધ થઇ જશે. કહી અલગ અલગ કયુઆર કોર્ડ આપી પોતાના એકાઉન્‍ટમાં રૂા. ર,પ૯,૧પ૩ ટ્રાન્‍સફર કરી લીધા બાદ પરત ન કરી છેતરપીંડી આચારી હતી. આ અંગે પી.એસ.આઇ. કે. પી. જાદવે તપાસ હાથ ધરી છે.જયારે ત્રીજા બનાવમાં નવા ૧પ૦ ફુટ રીંગ રોડ પર એસ.આર.પી. કેમ્‍પ પાસે અતુલ્‍યમ બંગ્‍લોઝ મકાન નં. ર૦ માં રહેતા અને મોકાજી સકર્શ્રલ પાસે જય અંબે નર્સરી ચલાવતા લક્ષ્મીનારાયણ વિજયભાઇ ઠાકુર (ઉ.વ. ૩૯) એ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ચારેક મહિના પહેલા મહાવિરસિંહ સોલંકી પોતાની નર્સરી ખાતે આવી પોતાનો ટાર્ગેટ પુરો કરવાનું બહાનું કરી પોતાની પાસે રૂા. ૧પ૦૦૦ ની લોન કરી પૈસા અન્‍ય ખાતામાં ટ્રાન્‍સફર કરી લઇ અને પોતાને ક્રેડીટ કાર્ડ ચાલુ કરી દેવાની લાલચ આપી રૂા. ૭ર,૯૮૦ પોતાના ક્રેડીટમાંથી ટ્રાન્‍સફર કરી લઇ છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે પી.એસ.આઇ. બી. વી. સરવૈયાએ તપાસ હાથ ધરી છે.જયારે અન્‍ય બનાવમાં મવડી પ્‍લોટ ૪૦ ફુટ રોડ પર રાજદીપ સોસાયટી શેરી નં. ૧ માં રહેતા હિતેશભાઇ બાબુભાઇ ઠુંમ્‍મર (ઉ.વ.૩૯) એ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે વેલ્‍ડીંગ કામ કરે છે. તા. ૧૭/૬ના રોજ પોતે ઉદ્યોગનગર શેરી નં. ૬ માં રૂતુ પેકેજીંગ કારખાનાની સામે બાલાજી એન્‍ટરપ્રાઇઝ નામની ઓફીસે હતા ત્‍યારે મહાવિરસિંહ સોલંકી આવી પોતાની ઓળખ આપી અને પોતાને લોન કરાવી આપવાની વાત કરી પોતાનો ફોન લઇ તેમાં એપ્‍લીકેશન ડાઉનલોડ કરી ત્રણ ફાયનાન્‍સમાંથી રૂા. ૧,પ૧,૬૮૧ ની પોતાના નામની લોન મંજુર કરી આપી પોતાના એકાઉન્‍ટમાં રકમ જમા થયા બાદ પોતાની જાણ બહાર કોઇપણ રીતે રૂા. ૧,૩૩,૩ર૭ ટ્રાન્‍સફર કરી લોનની રકમ ઓળવી જઇ છેતરપીંડી કરી હતી. આ અંગે પી.એસ.આઇ. વી. આર. ઝાલાએ તપાસ હાથ ધરી હતી. આ અંગે થોરાળા પોલીસે મહાવિરસિંહ સોલંકીની વધુ પુછપરછ હાથ ધરી છે.

(4:32 PM IST)