<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

હોન્‍ડા ન લઇ દેતાં જોગીન્‍દરે સાવકા પિતાને પતાવી દીધા

રાજકોટમાં વધુ એક હત્‍યાઃ કટારીયા ચોકડીએ ઝૂપડામાં રહી દેશી દવા વેંચતા હરિયાણાના ૪૦ વર્ષિય રાજેશભાઇ કુમારપાલનું મોત પડી જતાં ઇજાથી નહોતું થયું, હત્‍યા થઇ હતીઃ પોલીસે મૃતકના પત્‍નિએ જે તે વખતે પતિને ઇજા કઇ રીતે થઇ તે કહ્યું નહોતું: મૃત્‍યુ બાદ વિસ્‍તૃત પુછતાછ કરી પોલીસે સાચી વિગતો મેળવી ગુનો નોંધ્‍યોઃ પથ્‍થર કે હથોડો ફટકારી મોતને ઘાટ ઉતાર્યાની પ્રાથમિક વિગતો ખુલીઃ હત્‍યાનો ભોગ બનનાર રાજેશના જોગીન્‍દરની માતા કમલેશબેન સાથે ત્રીજા લગ્ન હતાં: તેની પત્‍નિ અને સંતાનો વડોદરા રહે છેઃ તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ ભરવાડ અને ટીમે આરોપીનું પગેરૂ દબાવ્‍યું, હાથવેંતમાં : બાવીસ વર્ષ પહેલા કિશન સાથે લગ્ન કરનાર કમલેશબેનને પાંચેક વર્ષ પહેલા મોટી બાના ભત્રીજા રાજેશ કુમારપાલ સાથે પ્રેમ થઇ જતાં લગ્ન કર્યા હતાં: બહારગામ રહેતો આગલા ઘરનો પુત્ર જોગીન્‍દર દસેક દિવસથી પત્‍નિ સાથે રાજકોટ રહેવા આવ્‍યો હતોઃ ૧૮મીએ જોગીન્‍દરે ઝૂપડે આવી જમ્‍યા બાદ હોન્‍ડા લઇ દેવાનું કહી સાવકા પિતા રાજેશ સાથે ઝઘડો કર્યોઃ કમલેશબેને એક વખત છોડાવ્‍યા, પણ જોગીન્‍દર ફરી ઉશ્‍કેરાયો અને હુમલો કરી ભાગી ગયો હતોઃ કમલેશેબેને જે તે વખતે હુમલો થયાની સાચી વિગતો જણાવી નહોતી

રાજકોટ તા. ૨૧: શહેરમાં હત્‍યાનો વધુ એક બનાવ બન્‍યો છે. કાલાવડ રોડ કટારીયા ચોકડી કટારીયા શો રૂમ પાછળ ઝૂપડુ બાંધીને રહેતાં અને દેશી દવા વેંચી ગુજરાન ચલાવતાં મુળ હરિયાણાના યુવાન સાથે તેની પત્‍નિના આગલા ઘરના પુત્રએ હોન્‍ડા લઇ દેવાનું કહી ઝઘડો કરી માથામાં બોથડ પદાર્થ પથ્‍થર કે હથોડો ફટકારી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઇ છે. હુમલામાં ઘાયલ યુવાને સારવારમાં દમ તોડી દેતાં તાલુકા પોલીસે ગુનો નોંધી નાસી ગયેલા આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ ગત ૧૮મીએ કટારીયા ચોકડીએથી રાજેશભાઇ કુમારપાલ રજપૂતને સિવિલ હોસ્‍પિટલમાં ઘાયલ હાલતમાં રાતે લાવવામાં આવ્‍યા હતાં. તબિબની પ્રાથમિક પુછતાછમાં પત્‍નિ કમલેશબેને પતિને કઇ રીતે લાગી ગયું તેની કોઇ સ્‍પષ્‍ટ વિગતો આપી નહોતી, કદાચ પડી ગયા હશે તેમ કહેતાં તે મુજબની નોંધ ચોકીમાં કરાવાઇ હતી. બાદમાં રાજેશભાઇને વધુ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવાયેલ. જ્‍યાં બીજા દિવસે મોત થયું હતું. પોસ્‍ટમોર્ટમમાં બોથડ પદાર્થના ઘાથી મોતનો રિપોર્ટ આવ્‍યો હતો. આ પછી પોલીસે કમલેશબેનને સાંત્‍વના આપી સાચી વિગતો જણાવવા કહેતાં અંતે તેણે ઘટના જણાવી હતી. આ બનાવમાં તાલુકા પોલીસે હત્‍યાનો ભોગ બનેલા રાજેશભાઇ કુમારપાલ રજપૂત (ઉ.વ.૪૦)ના પત્‍નિ કમલેશબેન રાજેશભાઇ રજપૂત (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી તેણીના આગલા પરના પુત્ર જોગીન્‍દર કિશન રામસુરૂપ (રહે. ધારૂહેડા ગામ તા. જી. રેવાડી, હરિયાણા) સામે બીએનએસની કલમ ૧૦૩ મુજબ હત્‍યાનો ગુનો નોંધી તેને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

કમલેશબેને સમગ્ર ઘટનાની વિગતો જણાવતાં કહ્યું હતું કે અમે કાલાવડ રોડ કટારીયા ચોકડી કટારીયા શો રૂમની પાછળ ઝૂપડામાં રહીએ છીએ અને અમારુ મુળ વતન હરિયાણાના રેવાડી જીલ્લાનુ ધારૂહેડા ગામ છે. અમે અહિ દેશી દવા વેંચી ગુજરાન ચલાવીએ છીએ. મારી સાથે પતિ રાજેશ કુમારપાલ રહેતા હતાં. મારા પ્રથમ લગ્ન બાવીસ વર્ષ પહેલા સમાજના રીતીરિવાજ મુજબ કિશન રામસુરૂપ સાથે અમારા વતનમાં થયા હતાં. જેના થકી મારે ત્રણ દિકરી અને બે દિકરા છે. જેમાં દિકરો જોગીન્‍દર સોૈથી મોટો છે. આજથી પાંચ વર્ષ પહેલા મારે મારી મોટીબાના ભત્રીજા રાજેશ સાથે પ્રેમ થઇ જતાં અમે રાજકોટ આવી ગયા હતાં. રાજેશના મારી સાથે ત્રીજા લગ્ન હતાં. રાજેશ થકી મારે કોઇ સંતાન નથી. રાજશની આગલી પત્‍નિ વડોદરા તેના બાળકો સાથે રહે છે.

મારો મોટો દિકરો જોગીન્‍દર છેલ્લા દસ બાર દિવસથી તેની પત્‍નિ જ્‍યોતિ સાથે રાજકોટ આવ્‍યો હતો અને કણકોટના પાટીયા પાસે ઝુપડુ વાળીને રહે છે. ગત ૧૮-૧૧ના સાંજે સાતેક વાગ્‍યે હું અને મારા પતિ રાજે અમારા ઝૂપડે હતાં ત્‍યારે મારો દિકરો જોગીન્‍દર અને તેની પત્‍નિ જ્‍યોતિ અમારા ઝૂપડે આવ્‍યા હતાં. જમીને મારો દિકરો જોગીન્‍દર તથા મારા પતિ રાજેશ અને અમારા ઓળખીતા ખીમજીભાઇ કટારીયા એમ ત્રણેય ઝૂપડાની આગળ બેઠા હતાં. હું અંદર કામ કરતી હતી. જ્‍યારે મારી પુત્રવધૂ જ્‍યોતિ તેના દિકરાને રમાડતી હતી.

રાતે સાડા નવેક વાગ્‍યે મારા પત્‍િ રાજેશ અને મારા દિકરા જોગીન્‍દર વચ્‍ચે બોલાચાલી ઝઘડો થયો હતો. હું ત્‍યાં ગઇ ત્‍યારે જોગીન્‍દર મારા પતિ રાજેશને હોન્‍ડા લઇ દેવાનું કહીને ઝઘડો કરતો હતો. જેથી મેં બંનેને ઝઘડો નહિ કરવાનું સમજાવી અલગ પાડયા હતાં. એ પછી અમારા ઓળખીતા ખીમજીભાઇ નીકળી ગયા હતાં. હું ઝૂપડામા઼ હતી ત્‍યાં મારા પતિ રાજેશે મને બૂમ પાડીને બોલાવતાં હું દોડી ગઇ હતી. ત્‍યારે તે માથામાં લોહી નીકળતી હાલતમાં પડયા હતાં. મેં તેને શું થયું? પુછતાં તેણે કહેલુ કે મને જોગીન્‍દરે માથામાં માર્યુ છે. આ વખતે જોગીન્‍દર પણ તેની પત્‍નિ જ્‍યોતિને અને છોકરાઓને લઇ જતો રહ્યો હતો. પતિને ખુબ લોહી નીકળતું હોઇ હું રોડ પર ગઇ હતી અને ત્‍યાં ઉભેલા એક વ્‍યક્‍તિને વાત કરી હતી કે મારા પતિને માથામાં લાગી ગયુ છે, હોસ્‍પિટલે લઇ જવા ફોન કરવો છે. જેથી તેણે ૧૦૮માં ફોન કરી દેતાં ૧૦૮ આવી હતી અને પતિને સારવાર માટે હું સિવિલ હોસ્‍પિટલે લઇ ગઇ હતી.

ત્‍યારે તેઓ બેભાન થઇ ગયા હતાં અને કંઇ બોલતાં નહોતાં. બાદમાં અમે ત્‍યાંથી રજા લઇને તેને વધુ સારવાર માટે વેદાંત હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. જ્‍યાં ૧૯મીએ બુધવારે મારા પતિનું સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું. એ પછી અમને પોલીસે બોલાવી સત્‍ય હકિકતો જણાવવાનું કહેતાં મેં પતિ રાજેશે મને જે વિગતો તે લોહીલુહાણ મળ્‍યા ત્‍યારે જણાવી હતી તે વાત મેં પોલીસને કરી હતી. મારા દિકરા જોગીન્‍દરે હોન્‍ડા લઇ દેવા બાબતે તેના સાવકા પિતા રાજેશ કુમારપાલ સાથે ઝઘડો કરી માથામાં બોથડ પદાર્થ  ફટકારી ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું મેં પોલીસને કહ્યું હતું.

ઘટના બાદ આરોપી ફરાર થઇ ગયો હોઇ તાલુકા પીઆઇ ડી.એમ. હરિપરા, પીએસઆઇ બી.આર. ભરવાડ, પીએસઆઇ બી. ડી. ઠાકોર, કિરીટભાઇ રામાવત, કાનજીભાઇ, ભગીરથસિંહ ખેર,  ડી. સ્‍ટાફના કોૈશેન્‍દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કોન્‍સ. મયુરસિંહ જાડેજા, સંજયભાઇ માંડાણી, નિકુંજભાઇ મારવીયા, મહાવીરસિંહ જાડેજા, જુગલભાઇ કથીરીયા અને બળભદ્રસિંહ જાડેજાની ટીમે તપાસનો ધમધમાટ આદરી આરોપીનું પગેરૂ શોધી કાઢતાં તે હાથવેંતમાં છે.

(3:05 PM IST)