<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

મનપા જમીન વેંચવા કાઢશે : ૯ પ્‍લોટની કરાશે હરરાજી

તંત્રને પ૦૦ કરોડની કિંમતની આશા : બે વર્ષ પહેલા સરકારમાંથી મંજુરી ન મળતા વેચવાનું મુલત્‍વી રખાયેલ : ફાઝલ જગ્‍યાના વેંચાણની તંત્રની તીજોરીનો બોજો હળવો થશે

રાજકોટ તા. ૨૧: મહાનગરપાલિકાની તિજોરી કયારેય ભરાતી નથી મિલ્‍કતવેરો, એફએસઆઈ સહિતની આવકમાંથી તંત્રના ખર્ચા માંડ માંડ નિકળી રહ્યા છે. મોટા પ્રોજેક્‍ટો માટે સરકારી ગ્રાન્‍ટ ઉપર આધાર રાખવો પડે છે. ત્‍યારે મનપા પોતાને મળેલા અલગ અલગ હેતુના પ્‍લોટની જાહેર હરાજી કરી આવક ઉભી કરે છે. જેમાં બે વર્ષ પહેલા અલગ અલગ સ્‍થળે આવેલા નવ પ્‍લોટના વેચાણ માટેનો નિર્ણય લેવામાં આવેલ અંદાજે પરંતુ સરકારમાં મંજુરી ન મળતા પેન્‍ડીંગ રહેલ એ કરવા ટુંક સમયમાં ૯ પ્‍લોટની હરાજી મનપા દ્વારા કરવામાં  કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહાનગરપાલિકાની અન્‍ય આવકોની સાથો સાથ વેચાણના હેતુ માટે મળેલા પ્‍લોટનું વેચાણ કરી મનપા આવક ઉભી કરે છે. તંત્રની મિલ્‍કતવેરા તેમજ એફએસઆઈ સહિતનામાંથી થતી આવક કર્મચારીઓના પગાર પાછળ પુરી થઈ જાય છે. જેના લીધે તંત્રની તીજોરી કાયમી માટે ખાલી જોવા મળી રહી છે. સરકાર દ્વારા તાજેતરમાં મહાપાલિકાઓ અને નગરપાલિકાઓ આવકના સ્‍લોટ ઉભા કરે તેવી સુચના આપવામાં આવી છે. છતાં મિલ્‍કતવેરાની ૫૦ ટકા લેણી રકમ કાયમી ઉભી રહેતી હોય છે. આથી ના છુટકે મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્‍કીમ અંતર્ગત મળેલા પ્‍લોટની જાહેર હરાજી તીજોરી ભરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. મહાનગરપાલિકાને અગાઉ મળેલા અને હાલમાં શહેરના પ્રાઈમ લોકેશન ઉપર આવેલા અનેક ખાલી પ્‍લોટ ઉપર દબાણો થઈ ગયેલ હોય ડીમોલેશનની કામગીરી આજ સુધી થઈ નથી. જ્‍યારે ખુલા પ્‍લોટ ઉપર દબાણો થાય તે પહેલા તેનું વેચાણ કરી આવક ઉભી કરવામાં આવે તેવો પ્રયાસ ફરી વખત શરૂ કરવામાં આવ્‍યો છે.

મનપા શહેરની વચ્‍ચોવચ આવેલા અને ઉંચી કિંમત મળે તેવા પ્‍લોટના વેચાણ તરફ પ્રેરાયું છે. જેના લીધે બે વર્ષ પહેલા નવ પ્‍લોટ વેચવાનો નિર્ણય લેવામાં આવેલ તેમાં હવે આગળ વધી હરાજી સહિતની કાર્યવાહી કરશે. તેમ જાણવા મળેલ છે.

(3:46 PM IST)