News of Thursday, 21st November 2024
સિવિલ હોસ્પિટલમાં ૫ગમાં ફ્રેકચર સાથેનું દર્દી વોર્ડમાંથી રસોડા પાસે પહોંચી ગયાની ઘટનામાં તપાસનો ધમધમાટ
સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂઃ જો કોઇ જવાબદાર ઠરશે તો કડકમાં કડક કાર્યવાહીઃ તબિબી અધિક્ષક, ઇન્ચાર્જ તબિબી અધિક્ષક દ્વારા સત્વરે રિપોર્ટ મેળવવા તજવીજ

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ૧૯/૧૧ના રોજ કાલાવડ રોડ અવધના ઢાળ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં ખસેડાયેલ મનોજ નામના આશરે પાંત્રીસ વર્ષના દર્દીને સર્જરી વોર્ડમાં દાખલ કરી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે તપાસ શરૂ કરીહ તી. બીજી તરફ આ દર્દી ૧૯મીએ રાતે અગિયારેક વાગ્યે વોર્ડમાંથી નાશી ગયાની જાણ જે તે વોર્ડ દ્વારા સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં કરવામાં આવી હતી. જો કે આ દર્દી બીજા દિવસે એટલે કે ૨૦મીએ સવારે સિવિલ હોસ્પિટલના એમ્બયુલન્સ રૂમ નજીક રસોડા વિભાગમાં માત્ર ચડ્ડી પહેરેલી હાલતમાં કણસતુ, ધ્રુજતુ મળી આવતાં ચકચાર જાગી હતી. હેલ્પડેસ્કના સ્ટાફે તેને ફરી દાખલ કરાવ્યું હતું. આ દર્દીને પગમાં ફ્રેકચર હોઇ તે વોર્ડમાંથી કઇ રીતે ભાગી શકે? તેવા અનેક સવાલો ઉભા થયા હતાં. અગાઉની જેમ ફરી કોઇ માનવતા વીસરી ગયું કે શું? ફરી આ દર્દીને વોર્ડમાંથી બહાર રઝળતુ મુકી દેવાયુ કે શુ઼? આ મામલે તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, સહાયક તબિબી અધિક્ષક ડો. હેતલ કયાડાએ તુરત જ તપાસ કરવા કમિટીની રચના કરી સીસીટીવી ફૂટેજ એકઠા કરવા અને તત્કાળ રિપોર્ટ કરવા સુચના આપી છે. ઘટનામાં જે કોઇ પણ જવાબદાર હશે તેની સામે કડકમાં કડક પગલા લેવાના નિર્દેશ મળી રહ્યા છે.
(3:50 PM IST)










