News of Thursday, 21st November 2024
નાગેશ્વર સોસાયટીમાં કોલેજીયન ક્રિષ્ના પંડીતનો ગળાફાંસો ખાઇ આપઘાત
ઓનલાઇન જુગારમાં પૈસા હારી જતા યુવાને પગલુ ભર્યાની પોલીસને શંકા

રાજકોટ, તા. ર૧ : જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા મુળ બિહારના કોલેજીયન યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ નાગેશ્વર સોસાયટીમાં આવેલા વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા ક્રિષ્ના રમાકાંતભાઇ પંડીત (ઉ.વ.ર૦) નામના યુવાને પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. માતા અને બહેનો બહારથી ઘરે આવ્યા ત્યારે પુત્રને રૂમમાં લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના એ.એસ.આઇ. રવીભાઇ વાસદેવાણી સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ક્રિષ્ના કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો તેના પિતા ખાનગી કંપનીમાં મેનેજર હોઇ, નોકરી પર ગયા હતા. અને તેની માતા અને બહેન બહાર ગયા હોઇ, યુવાન ઘરે એકલો હતો. ઓનલાઇન જુગારમાં હારી જતા તેણે આ પગલુ ભર્યુ હોવાની પોલીસે શંકા વ્યકત કરી હતી.
આ અંગે પીએસઆઇ પી.બી. વારોતરીયા સહિતે તપાસ હાથ ધરી છે. એક ભાઇ અને એક બહેનમાં એકના એક મોટા પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે
(4:41 PM IST)










