<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

લોધીકા ગામના સરપંચે પરવાનગી વગર સબપ્‍લોટીંગ કરી મળતીયાને પ્‍લોટ ફાળવી દીધા : હોદ્દા ઉપરથી દૂર કરી દેવાયા

કુલ ૧૪ પ્‍લોટની મનસ્‍વી રીતે હરરાજીની અપસેટ પ્રાઇઝ નકકી કર્યાનું ખુલ્‍યુ : તલાટી પણ સામેલ હતા ડી.ડી.ઓ. નવનાથ ગવ્‍હાણેનું આકરૂ પગલુ : ઉપરાંત તલાટી મંત્રીને સસ્‍પેન્‍ડ કરી દેવાયા

રાજકોટ તા. ૨૧ :  લોધિકા તાલુકાના લોધિકા ગામમાં ૧.૦૪ ગુઠા મંજુર થયેલ નવા ગામતળ લે-આઉટ પ્‍લાનમાં ૩૦૦ ચો.વાર ક્ષેત્રફળના પ્‍લોટ નં.૬ પર લોધિકા ગામના સરપંચ સુધાબેન કિશોરભાઈ વસોયાએ તાલુકા વિકાસ અધિકારીશ્રીને જાણ કર્યા વગર તથા કોઈપણ જાતની પરવાનગી વગર થોરડી રોડ ઉપર આવેલ આ પ્‍લોટ નં.૬ના સબ પ્‍લોટીંગ અને દસ્‍તાવેજ કરી ખુલ્લી હરરાજી કર્યા વગર મળતીયાઓને પ્‍લોટ ફાળવી દીધો હતો.

     સરપંચ દ્વારા પ્‍લોટ નં. ૬/૧ અને પ્‍લોટ નં.૬/૨નુ તા. ૧૭ જાન્‍યુઆરી ૨૦૨૪ના રોજ વેચાણ કરેલ છે, વધુમાં હરરાજીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાના અને હરરાજીની સંપૂર્ણ કાર્યવાહી કરવાના તાલુકા વિકાસ અધિકારીશ્રીના અધિકારની ઉપરવટ થઈ મનસ્‍વી રીતે હરરાજીની અપસેટ પ્રાઈઝ નક્કી કરીને અન્‍ય કુલ ૧૪ પ્‍લોટની સંપૂર્ણ હરરાજીની પ્રક્રિયા સરપંચ દ્વારા પૂર્ણ કરી પોતાના મળતીયાઓને પ્‍લોટ ફાળવવામાં આવ્‍યા હતા. જે અન્‍વયે જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્‍હાણે દ્વારા લોધિકા ગ્રામ પંચાયતના સરપંચ  સુધાબેન કિશોરભાઈ વસોયાને પંચાયત ધારાના નિયમ મુજબ દુર્વર્તન, અધિકારોનો દુરુપયોગ, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવું, સત્તા બહારના કળત્‍યો કરવા વગેરે આચરણ માટે હોદ્દા પરથી દૂર કરવામાં આવ્‍યા છે. આ સાથે તલાટી કમ મંત્રી બી.એલ.મકવાણા દ્વારા સરપંચ સાથે મેળાપીપણું કરી ગેરરીતિ આચરવામાં આવેલ હોય તલાટી કમ મંત્રીને પણ ફરજ મોકુફ કરવામાં આવેલ છે.

(4:41 PM IST)