<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

અહિ ભાડૂ લેવા આવવુ જ નહિ નહિતર ટાંટીયા ભાંગી જશે, પતાવી દઇશું...દુકાન માલિકને ભાડૂઆતોએ ડોલથી ફટકાર્યા

મોચીબજાર કૃષ્‍ણપરામાં ૭ દૂકાનો ધરાવતાં પોપટપરાના ૬૫ વર્ષિય હારૂનભાઇ ભગાડ ભાડૂ લેવા જતાં ત્રણ ભાડૂઆત સહિતના તૂટી પડયાઃ એ-ડિવીઝન પોલીસે ધીરૂ ચુડાસમા, સમીર જશરાયા, માલો જશરાયા અને અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૩: પોપટપરા મેઇન રોડ પર રઘુનંદન સોસાયટી-૬માં રહેતાં અને નિવૃત જીવન જીવતાં હારૂનભાઇ હાજીજુસબભાઇ ભગાડ (ઉ.વ.૬૫) પર સાંજે મોચી બજાર મચ્‍છી પીઠ કૃષ્‍ણપરામાં હતાં ત્‍યારે તેમની દૂકાનોના ત્રણ ભાડૂઆત અને તેના એક માણસ મળી ચાર જણાએ આને હવે ભાડુ આપવુ જ નથી કહી ગાળો દઇ છરી  લઇ મારવા દોડી તેમજ માથામાં ડોલ ફટકારી ઇજા કરી જો હવે ભાડુ લેવા આવ્‍યો છો તો ટાંટીયા ભાંગી નાંખશું, મારી નાંખશું કહી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

લોહીલુહાણ હાલતમાં હારૂનભાઇ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જયદિપસિંહ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે હારૂનભાઇ ભગાડની ફરિયાદ પરથી ધીરૂ ચુડાસમા, સમીર જશરાયા, માલો જશરાયા અને સમીરના માણસ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. હારૂનભાઇએ જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને નિવૃત જીવન જીવુ છું. મારે મોચી બજાર મચ્‍છીપીઠ કૃષ્‍ણપરા-૨માં કુલ ૭ દુકાનો છે. જે બધી મેં ભાડેથી આપેલી છે. શુક્રવારે સાંજે સાતેક વાગ્‍યે હું કૃષ્‍ણપરામાં મારી દૂકાનો ભાડે આપી છે ત્‍યાં ગયો હતો. જ્‍યાં એક દૂકાન શૈલેષ ચુડાસમાએ ભાડે રાખી છે અને તે પાનનો ગલ્લો ચલાવે છે તેની પાસે હું ભાડુ લેવા માટે ઉભો હતો. તેની સાથે ભાડાની વાતચીત ચાલુ હતી ત્‍યારે બાજુમાં મારી બીજી દૂકાન ધીરૂ ચુડાસમા અને સમીર જશરાયાને ભાડે આપી છે. આ વખતે સમીર બાજુની ધીરૂની દૂકાનમાં બેઠો હતો. આ બંને જોર જોરથી વાતો કરતાં  હતાં કે આ હારૂનભાઇને ભાડાના પૈસા આપવા નથી. વળી બંને ગાળો પણ બોલતા હોઇ મેં ધીરૂની દૂકાને જઇ કહેલુ કે તું સમીરને તારી દૂકાનમાં બેસાડીને મને ભાડુ આપવુ નથી તેવી વાતો શું કામ કરે છે? તેમ કહેતાં ધીરૂએ ઉશ્‍કેરાઇ જઇ વધુ ગાળો ભાંડવાનું ચાલુ કર્યુ હતું. તેમજ મને ઝાપટ મારી દીધી હતી.

 ત્‍યાં સમીરે પણ ઉભા થઇ તેની દૂકાને ગયો હતો અને ત્‍યાંથી છરી લાવ્‍યો હતો. તેની સાથે તેના કાકાનો દિકરો માલો પણ હતો. આ બંને માને મારવા દોડતાં આસપાસની દૂકાનવાળા ભેગા થઇ ગયા હતાં અને સમીર તથા માલાને પકડી લીધો હતો. આ પછી પણ સમીર, ધીરૂ અને માલાએ મને ગાળો દીધી હતી. બાદમાં સમીરની મટનની દૂકાનમાં કામ કરતો માણસ લોખંડની ડોલ લઇને આવ્‍યો હતો અને મને માથામાં ફટકારી દીધી હતી. એ પછી સમીરે જો હવે પછી મારી દૂકાને ભાડુ લેવા આવીશ તો જાનથી મારી નાખીશ. હુમલા બાદ આ ચારેય ભાગી ગયા હતાં. મને માથામાંથી લોહી નીકળતાં હોઇ બાજુની દૂકાનવાળા હનીફભાઇ અને સાહિલભાઇ હોસ્‍પિટલે લઇ ગયા હતાં. બાદમાં મારા દિકરા અલ્‍તાફને મેં જાણ કરી હતી.

આ લોકોને મારી દૂકાનનું ભાડૂ આ ભાડૂઆતોને આપવું ન હોઇ જેથી મારી પાછળ છરી લઇ મારવા દોડી તેમજ માથામાં ડોલ ફટકારી ફરી અહિ આવીશ તો ટાંટીયા ભાંગી નાંખશુ, મારી નાંખશું તેવી ધમકી આપી હતી. તેમ વધુમાં હારૂનભાઇએ કહેતાં એ-ડિવીઝનના પીએસઆઇ એસ. એમ. રાણાએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(12:05 PM IST)