<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

નવાગામના સાહિલે જેની સાથે સગાઇની વાત ચાલતી હતી તેણીને લગ્ન વગર સાથે રાખી, પછી બીજી સાથે લફરૂ કર્યુ

યુવતિ પરત માવતરે જતી રહેતાં સાહિલે બીજીને ઘરમાં રાખીઃ એ પછી પણ યુવતિને પરત પોતાની સાથે આવી જવા કહી ધમકી દીધીઃ તેના પિતાને પણ ધમકાવ્‍યાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૩:નવાગામમાં રહેતાં એક યુવાને જે યુવતિ સાથે તેની સગાઇની વાત ચાલુ હતી તે યુવતિને લગ્ન વગર પોતાની ઘરે લઇ જઇ પત્‍નિની જેમ રાખી બાદમાં સામા કાંઠાની એક અન્‍ય યુવતિ સાથે પણ લફરૂ ચાલુ કરતાં યુવતિને જાણ થતાં ઝઘડા ચાલુ થતાં તેણી માવતરે જતી રહી હતી. આ પછી આ શખ્‍સે બીજી યુવતિએ પોતાના ઘરમાં રાખી લેતાં અને ત્‍યારબાદ પણ આ યુવતિને ફોન કરી ફરીથી પોતાની ઘરે આવી જવાનું કહી ધમકી દેતાં અને તેણીના પિતાને પણ જોઇ લેવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે એકવીસ વર્ષની યુવતિની ફરિયાદ પરથી નવાગામ તરફના સાહિલ વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. યુવતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું હાલમાં પરિવાર સાથે રહુ છુ. મારો પરિચય મોબાઇલ ફોન મારફત નવાગામના સાહિલ પરમાર સાથે મારી સગાઇની વાતચીત થઇ રહી હતી એ વખતે અમે ફોન પર વાતો કરતાં હતાં. એ દરમિયાન મારા પિતાએ સાહિલના સગાને કોર્ટમાં જામીન પડવાનું કહેતાં તેણે ના પાડતાં મારા પિતાએ સાહિલ સાથે સગાઇ કરવાની ના પાડી દીધી હતી. પણ મને સાહિલ ગમતો હોઇ જેથી ગત જુલાઇ મહિનામાં રાતે મેં ફોન કરી સાહિલને બોલાવતાં તે મને તેની સાથે લઇ ગયો હતો અને હું સાહિલની સાથે જ તેના ઘરે રહેતી હતી. અમે પતિ-પત્‍નિની જેમ રહેવા માંડયા હતાં. એકબીજાની સહમતિથી શરીરસંબંધ પણ બાંધ્‍યા હતાં.

એ દરમિયાન મારા માતા-પિતા મને લેવા આવતાં સાહિલ અને તેના પરિવારના કહેવાથી મારા માવતર સાથે ગઇ નહોતી, તેમજ તેમના કહેવાથી મારા પિતા વિરૂધ્‍ધ મેં પોલીસમાં અરજી પણ કરી દીધી હતી.  દરમિાયન મને એક દિવસ ખબર પડી હતી કે સાહિલને અન્‍ય એક યુવતિ કે જે સામા કાંઠા તરફ ક્‍યાંક રહે છે તેની સાથે પણ સંબંધ છે, આથી અમારી વચ્‍ચે ઝઘડા ચાલુ થઇ જતાં ઓક્‍ટોબર મહિનામાં સાહિલ મને મારા માવતરે મુકી ગયો હતો. એ વખતે પિતાએ અમારી નાતમાં કેસ કર્યો હતો. પણ હું સાહિલના પક્ષમાં બોલતાં નાતે અમારો કેસ ઉડાડી દીધો હતો. એ પછી સાહિલની સાથે મારા પરિવાર દ્વારા સમાધકાનની વાત ચાલુ હતી. બીજી તરફ સાહિલ સામા કાંઠાની યુવતિને તેના ઘરે લઇ આવ્‍યો હતો અને તેની સાથે રહેવા માંડયો હતો.

જેથી મને ફરી સાહિલના ઘરે જવાની મારા પરિવારે ના પાડી હતી. આમ છતાં સાહિલ મને તેના ઘરે આવી જવાનું કહેતો હતો. મેં પણ હવે તેને બીજી સાથે લફરૂ હોઇ ત્‍યાં જવાની ના પાડી દીધી હતી. આમ છતાં તે મને વારંવાર ફોન કરી જો તું મારી પાસે નહિ આવ તો મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. મેં ઘરમાં વાત કરી હતી. દરમિયાન ફરી સાહિલનો ફોન આવતાં મેં મારા પિતાને આપીદેતાં સાહિલે હું તમને જોઇ લઇશ, હવે છોડીશ નહિ તેમ કહી મારા પિતાને પણ ધમકી આપી હતી. અંતે અમે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં યુવતિએ જણાવતાં ગાંધીગ્રામ પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. મકરાણીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:24 PM IST)